શું છે પહિંદ વિધિ? જાણો કેમ CM જ કરે છે આ પરંપરા, સૌથી વધુ વખત કોણે કરી પહિંદ વિધિ

શું છે પહિંદ વિધિ? જાણો કેમ CM જ કરે છે આ પરંપરા, સૌથી વધુ વખત કોણે કરી પહિંદ વિધિ

આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. ત્યારે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યું છે. રથયાત્રામાં નગરજનો ભાવીકભક્તો, અખાડા તેમજ વિવિધ ભજન મંડળીઓ જોડાઈ છે. ત્યારે રથયાત્રા પહેલાં કરવામાં આવતી પહિન્દ વિશે તમે સાંભળ્યું હશે પરંતુ આજે અમે પહિંંદ વિધિ વિશે વિગતવાર માહિતી આપીશું.

કેમ રાજ્યના મુખ્યમંત્રી જ કરાવે છે પહિંદ વિધિ
શહેરમાં નીકળતી રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારપછી રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ થાય છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ કહેવામાં આવે છે.

ક્યારથી થઇ પહિંદ વિધિની શરૂઆત
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે.

કોણે કેટલી વખત કરાવી પહિંદ વિધિ
રાજ્યના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેદ્ર મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. હાલના વડાપ્રધાન નરેદ્ર મોદી અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિન્દ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે, અને આ વખતે બીજી વખત 139મી રથયાત્રામાં આનંદીબહેન પટેલ પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો.

પહિંદ વિધિની વિધિ
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.