18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 5 બેન્ડવાજા સાથે નીકળશે જગન્નાથ, જોઇ લો કેવી કરાઇ છે લોખંડી બંદોબસ્ત

18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 5 બેન્ડવાજા સાથે નીકળશે જગન્નાથ, જોઇ લો કેવી કરાઇ છે લોખંડી બંદોબસ્ત

શહેરમાં ગુરુવારે અષાઢી બીજે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા માટે ફોર લેયર બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં મૂવિંગ, સ્ટેટિક, ટ્રાફિક અને કન્ટિજન્સી બંદોબસ્તનો સમાવેશ થાય છે.

પોલીસે ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP) ની ૧૭ સેશન ઉતારી છે. ૧૯૬૫ યુદ્ધ પછી હિમાલયના ઊંચા પહાડો અને બોર્ડરની સુરક્ષા માટે તૈયાર કરાયેલી પોલીસ સંવેદનશીલ વિસ્તાર અને મૂવિંગ બંદોબસ્ત તહેનાત કરાઈ છે.

આ ઉપરાંત ૩૦૦ મીટર ઊંચાઈથી ૫ કિ.મી. રેન્જ સુધી ડે-નાઇટ ઇમેજ લેતાં ઇઝરાયેલ ટ્રીટેડ બલૂનથી રથયાત્રાનું સર્વેલન્સ થશે.   રથયાત્રાના ૧૯.૭ કિલોમીટરના રૂટમાં ૩ રથ, ૧૮ હાથી, ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૩ રાસમંડળી, ૧૮ ભજનમંડળી, ૭ કાર, ૨ રિક્ષા, ૧ ઘોડાગાડી, ૫ બેન્ડનો સમાવેશ થાય છે.

બંદોબસ્તમાં ૨૫,૬૨૫ પોલીસ છે. ફોર લેયર બંદોબસ્તમાં મૂવિંગ (રથની સુરક્ષા માટે જોડે રહેતો પોલીસ સ્ટાફ), સ્ટેટિક ( મંદિર પોઇન્ટ, જુદા જુદા રૂટ પર પોઇન્ટ,ધાબા અને દૂરબીન પોઇન્ટથી નજર રાખશે) ટ્રાફિક (રથયાત્રામાં ટ્રાફિકને ડાયવર્ટનું કામ કરશે), કન્ટિજન્સી (કાયદોવ્યવસ્થા સ્થિતિ કથળે તેવી મોટી ઘટના બને તો સ્થળ પર પહોંચીને સ્થિતિને અંકુશમાં લેશે.)

રથયાત્રા પૂર્વ પોલીસે શું એક્શન લીધા  

શહેર પોલીસે ૬૪,૦૮૮ ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા, પ્રોહિબિશનના ૫,૦૬૨ કેસ કરી ૬,૬૭૦ આરોપીને ઝડપી તેઓ પાસેથી ૨૮,૫૨૮ વિદેશી દારૂની બોટલ,૨૯,૮૫૩ લિટર દેશી દારૂ અને ૧૯૨ વાહન કબજે લીધા છે. ગેરકાયદે હથિયારના ૪૫ કેસ, હોટેલ, ભાડુઆતના ભંગ બદલ કેસો કર્યા, ૪૫ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા. ૩૭૯ને પાસા અને ૨૬ને તડીપાર કરાયા છે.

રથયાત્રાની સુરક્ષા માટે શું રહેશે  

સંવેદનશીલ વિસ્તારમાં ફિક્સ અને ડીપ પોઇન્ટ ૧૭૦, જુદા જુદા ૧૬ સ્થળે નાકાબંધી પોઇન્ટથી ચેકિંગ, દૂરબીનથી નજર રાખવા ધાબા પોઇન્ટ ૨૦૦, બીડીડીએસની ૧૭ ટીમ, કયુઆરટીની ૧૫ ટીમ તેમજ ચેતક કમાન્ડોની ટીમ તહેનાત રાખી છે.

એન્ટિ ડ્રોન એક સહિત નવ ડ્રોન  

કોઈ વ્યક્તિ ગેરકાયદે રીતે ડ્રોન ઉડાડે તો તેણે કંટ્રોલ કરવા માટે એન્ટી ડ્રોન તહેનાત રખાયું છે. ૮ જેટલા નેત્રા ડ્રોન શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખશે. રૂટ પર ૪૫ સ્થળે ૯૪ સીસીટીવી છે.

વહેલી આવનાર ટ્રકોને ૩ લાખ સુધીના ઇનામ  

ટ્રકો સમયસર આવી જાય તે માટે રૂ.૩ લાખના ઇનામ અપાશે. કુલ ૧૦૧માંથી જે ૩૦ ટ્રક વહેલી આવશે તેઓને અલગ-અલગ રાશીમાં સીપી દ્વારા ઇનામ અપાશે.

રથયાત્રા પૂર્વે યોજાયેલા ભંડારોમાં બેકાબૂ ગીર્દી અસંખ્ય આમંત્રિતો ભોજન લીધા વિના પરત ફર્યા

રથયાત્રાના પૂર્વ દિવસે આજે જગદીશ મંદિર ખાતે ભારે ભીડ જામી હતી અને મંદિરની બહાર છેક જમાલપુર દરવાજાના ચોક સુધી લાંબી કતારો લાગી હતી.  આવી જ લાંબી કતારો જગદીશ મંદિરના પ્રાંગણ મંદિરના ઉપરના ચોથા માળ સુધી જામી હતી. ધસારાને કારણે ભંડારમાં જમવા આવેલા અસંખ્ય લોકો પરત ફર્યા હતાં. ભંડારાના જમણ કહો કે, પ્રભુપ્રસાદ માટે અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. તેટલી ભીડ જોવા મળી હતી.