લાફિંગ ગેસ ડિપ્રેશન દૂર કરશે : તમને હસાવનારો ગેસ હવે ડિપ્રેશન ભગાડશે, ડિપ્રેશનની દવા બેઅસર થતાં લોકો પર લાફિંગ ગેસે પોતાની અસર બતાવી

લાફિંગ ગેસ ડિપ્રેશન દૂર કરશે : તમને હસાવનારો ગેસ હવે ડિપ્રેશન ભગાડશે, ડિપ્રેશનની દવા બેઅસર થતાં લોકો પર લાફિંગ ગેસે પોતાની અસર બતાવી

  • અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાનાં રિસર્ચમાં દાવો કર્યો
  • રિસર્ચમાં વૈજ્ઞાનિકોને આશા કરતાં વધુ સારા પરિણામ મળ્યા
  • રિસર્ચમાં દર્દીઓને લાફિંગ ગેસ સુંઘાડી તેમનાં ડિપ્રેશન લેવલનું અવલોકન કરવામાં આવ્યું

ડિપ્રેશન દૂર કરવા માટે શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ લાફિંગ ગેસ અર્થાત નાઈટ્રસ ઓક્સાઈડની મદદથી ડિપ્રેશનની સારવાર શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાફિંગ ગેસ સુંઘાડીને ડિપ્રેશનનાં લક્ષણો ઓછા કરી શકાય છે. આ પદ્ધતિ એવા લોકો પર પણ અસરકારક સાબિત થશે જેમને એન્ટિ ડિપ્રેસેન્ટ દવાઓની પણ અસર થતી નથી.

ઈમર્જન્સીમાં લાફિંગ ગેસનો ઉપયોગ
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દર્દીઓને 25% લાફિંગ ગેસ સુંઘાડવામાં આવ્યો. તેની સામાન્ય આડઅસર જોવા મળી, પરંતુ સારવારની અસર આશા કરતાં વધારે સમય સુધી જોવા મળી. લાફિંગ ગેસનો ઉપયોગ એવા દર્દીઓ પર પણ કરવામાં આવી શકે છે જેમને તાત્કાલિક સારવારની જરૂર હોય.

25% ગેસની માત્રા વધારે અસરકારક

રિસર્ચર અને એનેસ્થીસિયોલોજીસ્ટ પીટર નાગેલેનું કહેવું છે કે, રિસર્ચમાં સામેલ 24 દર્દીઓને 1 કલાક સુધી લાફિંગ ગેસ સુંઘાડવામાં આવ્યો. આ દરમિયાન નાઈટ્રસ ગેસનું લેવલ 25% અને 50% બંને રાખવામાં આવ્યું. તપાસમાં માલુમ પડ્યુંકે 50% નાઈટ્રસ ઓક્સાઈડની સરખામણીએ 25% કોન્સન્ટ્રેશનવાળો ગેસ વધારે કારગર સાબિત થયો. તેની આડઅસર પણ પ્રમાણમાં ઓછી જોવા મળી.

રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, લાફિંગ ગેસનો ઉપયોગ સામાન્ય રીતે એનેસ્થીસિયા સિવાય ઓરલ પ્રોબ્લેમ અને સર્જરીમાં દુખાવામાં રાહત મળે તેના માટે કરવામાં આવે છે.

15% દર્દીઓમાં એન્ટિ ડિપ્રેસેન્ટ અસરકારક નહિ

રિસર્ચર ચાર્લ્સ કોનવે કહે છે કે, ડિપ્રેશનના આશરે 15% લોકોમાં એન્ટિ ડિપ્રેસેન્ટ દવાઓ કામ કરતી નથી. આ દવાઓ શા માટે કારગર સાબિત થતી નથી તે હજુ સુધી સામે આવ્યું નથી. પરિણામે દર્દી વર્ષો સુધી ડિપ્રેશનથી પીડાય છે. સારવાર માટેની આ નવી રીત આશાનું કિરણ સાબિત થઈ શકે છે.

( Source – Divyabhaskar )