અંધશ્રદ્ધા : ડેલીએ ડુંગળી રાખવાથી, મીઠું શેકી શરીરે ઘસવાથી, શેરીમાં રાય વેરી દેવાથી કોરોના નહીં થાય

અંધશ્રદ્ધા : ડેલીએ ડુંગળી રાખવાથી, મીઠું શેકી શરીરે ઘસવાથી, શેરીમાં રાય વેરી દેવાથી કોરોના નહીં થાય

મનોવિજ્ઞાન ભવનની ટીમે 27 ગામડાંના 1800 લોકોને મળ્યા બાદ થયા અનેક અનુભવ

ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વેક્સિન અંગે ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. ગામડાંઓના લોકોમાં વેક્સિન અંગે હજુ પણ અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે ત્યારે ગ્રામ્ય લોકોનું કાઉન્સેલિંગ કરવા અને ત્યાંના લોકોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને ખાસ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રએ સોંપી છે.

જેમાં સાઇકોલોજીના નિષ્ણાત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ગામેગામ રૂબરૂ જઈને લોકોને મળીને તેમનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે અને વેક્સિન લેવા લોકોને સમજાવી રહ્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાના 27 ગામડાંઓમાં 1800 લોકોને મળ્યા બાદ મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધાના અનેક અનુભવ થયા જેમાં કેટલાક લોકોએ કહ્યું કે, ડેલીએ ડુંગળી રાખવાથી, મીઠું શેકીને શરીરે ઘસવાથી કોરોના થતો નથી અને વેક્સિનની પણ જરૂર પડતી નથી.

માન્યતા : વિદેશની રસી આવે તે લઇશું, મફતની રસી પર ભરોસો નથી

  • 18% લોકો એવું કહે છે કે વિદેશની રસી આવશે તે લઇશું. ભલે રૂપિયા થાય પણ અહીંની રસી અમારે નથી લેવી. અહીંની મફતની રસી પર અમને ભરોસો નથી.
  • અમુક ગામડાંમાં ડેલીએ ડુંગળી રાખેલી જોઈ હતી પૂછતાં ખ્યાલ આવ્યો કે તેઓ વાઇરસ ન પ્રવેશે તે માટે ડેલી પાસે ડુંગળી રાખે છે. ઘણા ગામડાંઓમા આ પ્રકારની માન્યતા પ્રવર્તે છે.
  • અમે મીઠું શેકીને શરીરે ઘસી લઈએ એટલે અમને કોઈ શરદી, કફ, ઉદરસ ન થાય મા વહાણવટી અમારી રક્ષા કરશે. અમારે રસી મુકાવી શરીર બગાડવું નથી.
  • અમને ડોક્ટર કે નર્સ પર સહેજ પણ ભરોસો નથી અમે ઈંડાં ઉતારી ચાર રસ્તે ફોડી આવીએ એટલે અમારી દરેક સમસ્યા દૂર થઇ જશે. અલ્લાહ અમારી રક્ષા કરશે, ખુદા ખોટું નહીં કરે અમારી સાથે.
  • ગામડાંના લોકોની અન્ય માન્યતા એ જોવા મળી કે ડાયાબિટીસ, બીપી, શરદીનો કોઠો કે અન્ય નાની બીમારીઓ હોય તેણે ક્યારેય રસી લેવાય નહીં.
  • એક પરિવારે જણાવ્યું કે, અમે અમારા ઘર ફરતે દૂધની ધાર કરીને રક્ષણ કુદરતનું મેળવી લીધું છે અમારે રસી લેવાની જરૂર જ ઊભી નહીં થાય.
  • ગામડાંના લોકોની એવી પણ માન્યતા છે કે તમાકુ, ગુટકા કે અન્ય નશાની આદત વાળાને ક્યારેય કોરોના થતો નથી એવું અમે જાણીએ છીએ. છાપામાં પણ આવી ગયું છે.
  • અમે લીમડાના દાતણ કરીએ છીએ એટલે અમને કોઈ બીમારી આવે નહીં. મેથીનું શાક અને ભાજી ગામડાંના લોકો ખાતા હોય, વૈશાખમાં લીમડાના કોલ ખાધા હોય તેણે કોઈએ રસી લેવાની ન હોય.
  • દર અમાસે અમે અમારા દેવના કહ્યા પ્રમાણે રાય વેરીને રોગને અટકાવી દઈએ છીએ. રાય આંગણમાં અને શેરીમાં વેરી દઈએ એટલે કોઈ બીમારી આવતી નથી.

( Source – Divyabhaskar )