રસ હશે તો રસી ઘરઆંગણે : 18થી 44 વર્ષના 50થી વધુ લોકો રસી લેવા માટે તૈયાર હશે તો તંત્ર તમારી સોસાયટીમાં આવીને વેક્સિન આપી જશે

રસ હશે તો રસી ઘરઆંગણે : 18થી 44 વર્ષના 50થી વધુ લોકો રસી લેવા માટે તૈયાર હશે તો તંત્ર તમારી સોસાયટીમાં આવીને વેક્સિન આપી જશે

રસીકરણ કેન્દ્ર પર સ્ટાફ શ્રમિકો-ફેરિયાઓને એપોઈન્ટમેન્ટ અને સ્લોટ બુક કરવાની મદદ કરી રસી આપી દેશે

રાજકોટમાં 18થી 44 વર્ષના વયજૂથમાં વેક્સિનેશન ઘણું ધીમું થયું છે, ખાસ કરીને પછાત વિસ્તારો, સ્લમ એરિયા, શ્રમિકો, ધંધાર્થીઓ, ફેરિયા, ડ્રાઈવર વગેરે વેક્સિન લેવામાં નીરસ છે તેથી ત્યાં રસીકરણ વધારવા મનપાએ કમર કસી છે.નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના જણાવ્યા મુજબ શાકભાજીના ફેરિયાઓ સુધી સતત કોમ્યુનિકેશન કરતા જોવા મળ્યું છે કે સ્લોટ બુકિંગમાં તેમને ખબર પડતી નથી તેથી એવું આયોજન કરાયું છે કે આવા લોકો વેક્સિનેશન સેન્ટર પર જાય એટલે ત્યાં હાજર સ્ટાફ જ શ્રમિકો કે ફેરિયાના મોબાઈલમાંથી સ્લોટ બુકિંગ અને એપોઈન્ટમેન્ટ લેવડાવી રસી આપી દેશે.

રસી લેવા લોકોને મનાવવામાં આવશે
આ કામગીરીથી સામે આવ્યું છે કે જે વિસ્તારો જ્યાં લોકોને સ્લોટ બુક કરવાની ફાવટ કે સુવિધા નથી તેમજ રસીથી દૂર ભાગી રહ્યા છે તેવા વિસ્તારોમાં મનપા સરવે કરશે અને બધાને મનાવશે. તેમના જ વિસ્તારોમાં આવા 50થી વધુ લોકો માટે આંગણવાડી કે બીજા કોઈ સ્થળે આઉટરીચ સેશન સાઈટ બનાવાશે અને રસી અપાશે. જો કોઇ સોસાયટીમાં રસીને લઈને સમસ્યા હોય અને ત્યાં લોકોને મનાવવામાં આવે અને આરોગ્ય શાખા પાસે રસી લેવા ઈચ્છુકનું લિસ્ટ હોય તો આરોગ્ય કર્મચારીઓ તેમની સોસાયટીમાં જઈને લિસ્ટ મુજબ ખરાઈ કરીને રસી આપશે. જોકે 50થી વધુ રસી લેનારા હોય તો જ ત્યાં સ્ટાફ જશે.

રાજકોટ પાસે 15 દિવસ સુધી રોજ 20,000 ડોઝ અપાય તેટલો જથ્થો
રાજ્ય સરકાર સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકાને વેક્સિનનો જથ્થો મોકલી આપશે. રાજકોટમાં દૈનિક વેક્સિનેશન ઘટીને 10,000 સુધી પહોંચી ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા લોકોને રસી આપવા માટે કમર કસી રહી છે પણ ખરેખર એકસાથે વધુ લોકો તૈયાર થાય તો તેટલો સ્ટોક છે કે નહિ તે મામલે ડો. રાઠોડે જણાવ્યું કે, શહેરમાં રોજ 20,000 લોકોને રસી અપાય તો પણ 15 દિવસ કરતા વધુ ચાલે તેટલો જથ્થો પડ્યો છે, રસીની અછત નથી. 18 થી 44 વર્ષના કોઇપણ વ્યક્તિ રસી માટે સ્લોટ બુક કરી વેક્સિન લઇ શકશે. જેને સમય થઇ ગયો હોય તેમને બીજો ડોઝ પણ આપી દેવાશે.

મનપા વેક્સિનેશન વધારવા હવે આ કાર્યક્રમ કરશે

  • ફૂડ ડિલિવરી સર્વિસમાં જોડાયેલાનું લિસ્ટ મેળવી વેક્સિન નથી લીધી તે તમામને એક જ જગ્યાએ વેક્સિનેટ કરાશે
  • રિક્ષાવાળાઓ પૈકી 90 ટકાએ રસી લીધી નથી તેમને સમજાવવા માટે પોલીસની સાથે ટીમ રહેશે
  • હોટેલ અને રેસ્ટોરન્ટમાં જઈને ત્યાંના તમામ કર્મચારીઓને રસી અપાઈ છે કે નહિ તેની ખરાઈ કરાશે
  • ​​​​​​​​​​​​​​સૌથી ઓછું વેક્સિનેશન છે તે વિસ્તારમાં ઘરે ઘરે જઈને મનપાની ટીમ રસી લેવા માટે સમજાવવા પ્રયાસ કરાશે

​​​​​​​ક્યા જૂથમાં કેટલું રસીકરણ

હેલ્થ કેર વર્કર(પહેલો ડોઝ)18707
હેલ્થ કેર વર્કર(બીજો ડોઝ)14921
ફ્રન્ટલાઈન વર્કર(પહેલો ડોઝ)31258
ફ્રન્ટલાઈન વર્કર(બીજો ડોઝ)18107
60 કરતા વધુ ઉંમર(પહેલો ડોઝ)125094
60 કરતા વધુ ઉંમર (બીજો ડોઝ)63610
45 પ્લસ (પહેલો ડોઝ)133867
45 પ્લસ(બીજો ડોઝ)46848
18 પ્લસ(પહેલો ડોઝ)296155

​​​​​​​રાજકોટ પાસે 15 દિવસ ચાલે તેટલો જથ્થો
રાજકોટમાં દૈનિક વેક્સિનેશન ઘટીને 10,000 સુધી પહોંચી ગયું છે. મનપા રસી આપવા માટે કમર કસી રહી છે ડો. રાઠોડે જણાવ્યું કે, શહેરમાં રોજ 20,000 લોકોને રસી અપાય તો પણ 15 દિવસથી વધુ ચાલે તેટલો જથ્થો છે.

( Source – Divyabhaskar )