2036ની ઓલિમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારી : ઓલિમ્પિક્સની જરૂરિયાતના સરવે માટે ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું; 50 હજાર કરોડથી વધુ ખર્ચાશે

2036ની ઓલિમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદની તૈયારી : ઓલિમ્પિક્સની જરૂરિયાતના સરવે માટે ઔડાએ ટેન્ડર બહાર પાડ્યું; 50 હજાર કરોડથી વધુ ખર્ચાશે

  • સ્ટેડિયમ, ગેમ્સ વિલેજ, હોટેલ માટેની જરૂરિયાતો અંગે 3 માસમાં રિપોર્ટ
  • સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ભૂમિપૂજન વખતે અમિત શાહે સંકેત આપ્યો હતો, હવે સરકારે તૈયારીઓ શરૂ કરી
  • ભારતના પ્રયાસો 2032 માટે હતા પણ બ્રિસ્બેનની દાવેદારી પ્રબળ બનતા હવે 2036 માટે પ્રયાસ થશે

આગામી 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે. એ પછી એટલે કે 2036ની ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી નોંધાવી શકાય તે માટે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલો અને હોટેલો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે કરવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) એક એજન્સીની નિમણૂક કરશે. એ માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ એજન્સી ત્રણ મહિનામાં સરવે કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે ખૂટતી બાબતોનો રિપોર્ટ આપશે.

ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખવું પડે
રિપોર્ટમાં હોસ્ટ તરીકે અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટેલ્સ, ગેમ્સ વિલેજ, રસ્તા, ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે. આ ઉપરાંત, આ સુવિધાઓ ઉભી કરવા માટે જરુરી બજેટની જોગવાઇઓનું અનુમાન પણ તેમાં કરવામાં આવશે. અગાઉ આઈઓએના પ્રમુખ બત્રાએ જણાવ્યુ હતું કે 2036 ઓલિમ્પિક્સમાટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે એમ છે.

અમદાવાદ ઓલિમ્પિક્સ યોજવા માટે સક્ષમ એવું અમિત શાહે જણાવ્યું હતું
ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં અમદાવાદમાં વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે 4600 કરોડનાં ખર્ચે સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલની પણ જાહેરાત થઇ હતી. આ સંકુલના ભૂમિપૂજન વખતે ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદની તૈયારીઓ જોતા તે છ મહિનામાં જ ઓલિમ્પિક્સ હોસ્ટ કરી શકે તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનનાં પાંચ જ મહિનામાં ઔડાએ ઓલિમ્પિક્સ યોજવા માટે જરૂરી તૈયારીઓ આરંભી છે.

2028 સુધી બુક છે ઓલિમ્પિકસ વેન્યૂ
ઓલિમ્પિક્સ યોજવા માટે 2028 સુધીનાં શહેરો નક્કી થઇ ગયા છે. 2020નાં ઓલિમ્પિકસ ટોક્યોમાં યોજાવાનાં હતાં જે કોવિડનાં કારણે 2021માં યોજાશે. જ્યારે 2024ની ગેમ્સ પેરિસમાં, 2028માં લોસ એન્જલસમાં યોજાશે. 2032 માટે IOCએ ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનને प्रिપ્રિફર્ડ વેન્યુ જાહેર કર્યું છે. જો કે ફાઇનલ બિડ જુલાઇ 2021માં ખુલશે.

આટલું કરવું પડશે – વિશ્વકક્ષાના સ્ટેડિયમ, સુરક્ષા વ્યવસ્થા, હોટેલ્સનું નિર્માણ જરૂરી

  • સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી સરળતાથી જઈ શકાય એવું અદ્યતન ગેમ્સ વિલેજ.
  • ઓલિમ્પિકસ યોજી શકાય એવા વિશ્વસ્તરીય સ્ટેડિયમો બનાવવા પડશે.
  • હજારો રમતવીરો, અધિકારીઓ, ટુરિસ્ટોના રોકાણ માટે હોટેલ્સ અને મકાનોનું નિર્માણ. ટ્રાન્સપોર્ટેશન સુવિધા સાથે વિશાળ રસ્તા.

આ ફાયદો થશે – અમદાવાદનો વિકાસ થશે, હજારો લોકોને રોજગાર, બિઝનેસ મળશે

  • ઓલિમ્પિક્સ આયોજનથી અમદાવાદ અને આસપાસના વિસ્તારનો પ્રચંડ વિકાસ થશે.
  • ટુરિઝમના કારણે ગુજરાત વર્લ્ડ મેપ પર મુકાશે. ગુજરાતના યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ બનશે.
  • હોટેલ, રિયલ એસ્ટેટ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. તથા સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગાર પ્રાપ્ત થશે.

‘ઓલિમ્પિક્સ માટે જરૂરી સજ્જતા અંગે રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે’ – ઔડાના સીઇઓ એ.બી. ગોર ભાસ્કર – ઔડાએ ઓલિમ્પિક્સ માટે શું તૈયારી શરૂ કરી છે? સીઈઓ – જો ભવિષ્યમાં ઓલિમ્પિક્સ યોજવામાં આવે તો તે માટેનું ગેપ એનાલિસિસ જરૂરી છે. તે માટે ઔડા ઇનિશિયલ સ્ટેજમાં એન્કરિંગ કરી રહ્યું છે. ભાસ્કર – આ ગેપ એનાલિસસ શેના માટે હોઇ શકે ? સીઇઓ – સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વિસ્તારમાં જો ગેમ્સ યોજાય તો કેટલી સ્પોર્ટસ સુવિધાઓ છે અને બીજી ઊભી કરવી પડે. કેટલી નોન-સ્પોર્ટસ સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોટેલ્સ, રસ્તાઓ સહિતની સુવિધાઓ જરૂરી છે તેનો રિપોર્ટ ત્રણ માસમાં તૈયાર કરાશે. ગાંધીનગર વિસ્તાર પણ તેમાં સમાવેશ થઇ શકે. ભાસ્કર – કયા વર્ષ માટે ઓલિમ્પિક્સ યોજવા માટેની આ તૈયારી છે? સીઈઓ – અત્યારે હું માત્ર એક જ વાત કહી શકું કે જો ઓલિમ્પિક્સ યોજવાની થાય તો તેના માટેની જરૂરિયાતો જાણ‌વા આ સ્ટડી છે.

( Source – Divyabhaskar )