USને કોવેક્સિન-સ્પુતનિક પર ભરોસો નથી : અમેરિકામાં સ્ટડી માટે જતા વિદ્યાર્થીઓએ બીજી વખત વેક્સિન લેવી પડશે

USને કોવેક્સિન-સ્પુતનિક પર ભરોસો નથી : અમેરિકામાં સ્ટડી માટે જતા વિદ્યાર્થીઓએ બીજી વખત વેક્સિન લેવી પડશે

અમેરિકાની 400થી વધુ યુનિવર્સિટી કોવેક્સિન અને સ્પુતનિક-V લેનારા વિદ્યાર્થીઓને બીજી વખત વેક્સિન લગાવવાનો આદેશ કરી ચૂકી છે

જો તમે ભારતમાં બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V લીધી છે અને અમેરિકા ભણવા જોઈ રહ્યા છો તો ત્યાં તમારે ફરીથી વેક્સિન લગાવવી પડે શકે છે. ઘણી અમેરિકાની યુનિવર્સિટીએ કોવેક્સિન અને સ્પુતનિક-V લગાવી ચૂકેલા કેટલાક વિદ્યાર્થીઓને બીજી વખત વેક્સિન લગાવવાના નિર્દેશ આપ્યા છે.

કોવેક્સિનને હજી સુધી WHOમાંથી એપ્રૂવલ મળ્યું નથી
ભારતમાં રહેતી 25 વર્ષીય મિલોની દોશી કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી કરવા ઈચ્છે છે. મિલોની ભારત બાયોટેકે તૈયાર કરેલી કોવેક્સિનના બંને ડોઝ લઈ ચૂકી છે. જોકે સમસ્યા એ છે કે કોવેક્સિનને હજી સુધી WHOમાંથી એપ્રૂવલ મળ્યું નથી. આ કારણે કોલંબિયા યુનિવર્સિટી તરફથી તેમને કહેવામાં આવ્યું છે કે જ્યારે તે કેમ્પસમાં આવશે તો તેમણે બીજી વખત લેવી પડશે. જોકે હાલ આ અંગે કોઈપણ એક્સપર્ટ કે ડોક્ટર એમ કહી રહ્યા નથી કે બીજી વખત વેક્સિન લગાવવી એ કેટલું સુરક્ષિત હશે.

બે અલગ-અલગ વેક્સિન લગાવવી કેટલી સેફ હશે?
મિલોની દોશી એકમાત્ર નથી, જેના વિશે આવું કહેવામાં આવ્યું છે, જોકે આવા લાખો વિદ્યાર્થી છે જે કોવેક્સિન અને સ્પુતનિક-Vના બંને ડોઝ લઈ ચૂક્યા છે. તેમને અમેરિકા આવવા પર ફરીથી વેક્સિન લગાવવાનું કહેવામાં આવ્યુ છે. એવામાં વિદ્યાર્થીઓને એવો પણ ડર સતાવી રહ્યો છે કે બે અલગ-અલગ વેક્સિન લગાવવી કેટલી સેફ હશે?

WHOએ અત્યારસુધીમાં 8 વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી
અમેરિકાની વેબસાઈટ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, માર્ચથી લઈને અત્યારસુધીમાં અમેરિકાની 400થી વધુ યુનિવર્સિટી કોવેક્સિન અને સ્પુતનિક-V લેનારા વિદ્યાર્થીઓને બીજી વખત વેક્સિન લગાવવાનું કહી ચૂકી છે. આવું એટલા માટે, કારણ કે બંને વેક્સિનને હજી સુધી WHOનું એપ્રૂવલ મળ્યું નથી. WHOના તાજેતરના લિસ્ટિંગ મુજબ, અત્યારસુધીમાં 8 વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી અપાઈ ચૂકી છે. એમાં અમેરિકાની ત્રણ વેક્સિન- ફાઈઝર-બાયોએનટેક, મોડર્ના અને જોહન્સન એન્ડ જોહન્સન સિવાય કોવિશીલ્ડ અને ચીનની સાઈનોવેક પણ સામેલ છે, કારણ કે કોવેક્સિન અને સ્પુતનિક-Vને અત્યારસુધી WHOમાંથી મજૂરી મળી નથી. આ કારણે અમેરિકાની યુનિવર્સિટીએ આ વેક્સિનને લગાવી ચૂકેલા વિદ્યાર્થીઓને અમેરિકા આવ્યા પછી બીજી વખત WHO એપ્રૂવડ વેક્સિન લગાવવા માટે કહ્યું છે.

ભારતીય વિદ્યાર્થીઓને થશે સૌથી વધુ અસર
કોલંબિયા યુનિવર્સિટીમાં એક તૃતીયાંશ વિદ્યાર્થીઓ વિદેશી છે. યુનિવર્સિટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોના લેનાએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને WHO એપ્રૂવડ વેક્સિન લગાવી હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાની યુનિવર્સિટીના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડવાની શકયતા છે. આવું એટલા માટે છે, કારણ કે દર વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે અમેરિકા જાય છે. પ્રથમ નંબરે ચીન છે, પરંતુ ત્યાંની સાઈનોવેક વેક્સિનને WHOનું એપ્રૂવલ મળ્યું છે.

ફરી વેક્સિન લગાવનારને 28 દિવસનો ગેપ રાખવાની સલાહ
આ સિવાય એક સૌથી મોટી સમસ્યા એ છે કે જો તમે પહેલા કોવેક્સિન કે સ્પુતનિક-Vના બંને ડોઝ લઈ ચૂક્યા છો તો બીજી વખત વેક્સિન લગાવવી કેટલી સેફ હશે? આ વાતનો હાલ કોઈ ડેટા નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અમેરિકા સીડીસીના પ્રવક્તા ક્રિસ્ટન નોર્ડલંડે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં અલગ-અલગ વેક્સિનની ઈફેક્ટિવનેસને લઈને કોઈ સ્ટડી થયો નથી. જોકે એ સલાહ જરૂર આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ વેક્સિનેટ થઈ ચૂક્યા છે અને તેમણે ફરીથી WHO એપ્રૂવડ વેક્સિન લગાવવી છે તો ઓછામાં ઓછો 28 દિવસનો ગેપ રાખવો જોઈએ.

( Source – Divyabhaskar )