એક્સક્લુઝિવ : બીજી લહેરમાં ધંધો ફરી ઠપ થતાં રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વેચવા કઢાઈ, 1500 વેચાઈ ગઈ

એક્સક્લુઝિવ : બીજી લહેરમાં ધંધો ફરી ઠપ થતાં રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વેચવા કઢાઈ, 1500 વેચાઈ ગઈ

  • ટૂરિઝમ સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરાં સહિતના વ્યવસાયોને 2 હજાર કરોડનું નુકસાન
  • કોરોનાની પહેલી લહેર પૂરી થતાં ધંધો શરૂ થવાની આશા હતી પણ બીજી લહેરે પાણી ફેરવ્યું
  • સરકાર પાસે ટ્રાવેલ્સ માલિકોનો સાચો આંકડો નથી તેથી સાચી પરિસ્થિતિ સમજાતી નથી
  • સરકાર વેક્સિન લેનારને પ્રવાસ માટે છૂટ આપે તો ટૂરિઝમ બિઝનેસ ફરી શરૂ થઈ શકે

કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી વેચવા માટે કઢાઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદની 500 સહિત રાજ્યમાં 1500 બસો વેચાઈ ગઈ છે. હજી બાકી રહેલી 14 હજાર બસમાંથી નાના બસ સંચાલકો સહિત જાણીતી ટ્રાવેલ્સ કંપનીના માલિકોએ બિઝનેસ ઠપ હોવાથી લોનના હપતા અને આરટીઓ ટેક્સ ભરવામાં પડતી મુશ્કેલી તેમ જ વાહન ઘસારાના લીધે અંદાજે 70 ટકા બસ વેચવા કાઢી છે. ધંધો ઠપ થવાથી 85 ટકા બસો પાર્કિંગમાં પડી રહી છે, જ્યારે 15 ટકા બસો કોન્ટ્રાક્ટ પર દોડી રહી છે.

છેલ્લા સવા વર્ષમાં ટ્રાવેલ્સ, ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરાં, વર્ક શોપ, કેટરિંગ અને એરલાઇન્સ સહિતના વ્યવસાયને અંદાજે બે હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે, જેના માટે સરકારે છ મહિના આરટીઓ ટેક્સ માફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની રાહત આપી ન હોવાનો ગુજરાત ટૂરિસ્ટ વ્હિકલ ઓપરેટર એસોસિયેશનના સભ્યોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે, સ્ક્રેપમાં આપેલી 50 બસનો આંકડો કુલ બસમાં સમાવાયો નથી. હજી દિવાળી સુધી બિઝનેસ શરૂ થવાની શક્યતા નહિવત છે ત્યારે સરકારે એક વર્ષની મર્યાદા સાથે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.

એક વર્ષથી મારી 10 બસ પાર્કિંગમાં પડી હોવાથી બચતની રકમ વાપરું છું
નવભારત ટ્રાવેલ્સ નીતિન ઠક્કરે જણાવ્યું હતું કે, સરકારના ટૂરિઝમ વિભાગ સાથે ટ્રાવેલ્સ માલિકોને સાંકળવા જોઈએ. આ વિભાગ પાસે પૂરતી યાદી નથી. આથી સાંચો આંકડો મળતો નથી. આ અંગે ચેમ્બરમાં રજૂઆત કરી છે. વર્ષથી મારી 10 બસ પાર્કિંગમાં છે. બચતનો ઉપયોગ કરું છું.

12 બસો વેચી, 63 બાકી છે, દેવું વધે તે પહેલાં બધી વેચી દઈ ધંધો સમેટી લઈશ
મહાસાગર ટ્રાવેલ્સના ભાગચંદ સુકવણીએ જણાવ્યું હતું કે, બિઝનેસ ઠપ હોવાથી 70 બસ વર્ષથી બહાર કાઢી ન હતી. આથી 80માંથી 12 બસ વેચી છે, 5 બસ સ્ક્રેપમાં આપી છે. હજુ 63 બસ વેચવાની બાકી છે, પણ કોઈ લેનાર નથી. દેવું વધી જાય તે પહેલાં હું તમામ બસ વેચીને ટ્રાવેલ્સ વ્યવસાય સમેટી લેવા માગું છું.

40 લાખનો હપતો ન ભરી શકતાં 70 બસો વેચીશ
​​​​​​​પાર્શ્વનાથ ટ્રાવેલ્સના ગજેન્દ્ર દુગરએ કહ્યું-​​​​​​​ મારી 90 બસમાંથી 20 બસ યુપી અને બિહાર રાજ્યમાં વેચી દીધી છે. હજી 70 બસો સાથે મારી કંપની પણ વેચવાની છે, જેના માટે પરિચિતોને જાણ કરી છે. મારી બેંક લોનના વર્ષે 40 લાખના હપતા ન ભરતો હોવાથી બાકી હપતાની રકમનો આંકડો બે કરોડે પહોંચી ગયો છે. મારી કંપનીને આવક હતી ત્યારે મહિને 10 લાખ જીએસટી ભરતો હતો. આગામી 31 ડિસેમ્બર સુધી સ્થિતિમાં કોઈ સુધારો થવાની શક્યતા નથી.

લોકો વેક્સિન લે તે માટે અમે ‘નો વેક્સિન નો ટ્રાવેલ’નું સૂત્ર આપ્યું
અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીએ કહ્યું- ટૂરિઝમ તરફથી વર્ષે 24 કરોડનો બિઝનેસ હતો, જેની સામે હાલ 2 કરોડની આવક થઈ છે. મારી કંપનીમાં 80નો સ્ટાફ હતો. હાલ 15નો સ્ટાફ છે. સરકાર વેક્સિન લેનારને પ્રવાસ માટે છૂટ આપે તો ટૂરિઝમ બિઝનેસનું નુકસાન ઘટી જાય. અમે નો વેક્સિન નો ટ્રાવેલ સૂત્ર આપ્યું છે, જેથી ટૂર પર આવતા લોકો વેક્સિન લઈને જ જોડાય.

સરકારે ટ્રાવેલ્સ બિઝનેસને RTO ટેક્સમાં વર્ષની માફી આપવી જોઈએ
ઇગલ ટ્રાવેલ્સના જયેન્દ્ર બાવરિયાએ જણાવ્યું કે, ટ્રાવેલ્સ બિઝનેસને પૂરતો ઓક્સિજન મળે તે માટે આરટીઓ ટેક્સમાં વર્ષની માફી આપવી જોઈએ. મારી 34માંથી 6 બસ કોન્ટ્રાક્ટમાં ચાલુ છે. સ્થિતિમાં લાંબા સમય સુધી સુધારો ન થાય તો કઠિન નિર્ણય લેવો પડશે. હાલ પ્રતિબંધોને કારણે લક્ઝરી બસનો ઉપયોગ જ નથી.

800માંથી 50 વેચી, હજી વેચવાની છે, પણ કોઈ લેનાર નથી
ધરતી ટ્રાવેલ્સના કિરણ મોદીએ કહ્યું- બિઝનેસ ઠપ થતાં ટૂરિઝમ સાથે સંકળાયેલી 800માંથી 50 બસ વેચાઈ ગઈ છે. હજી બસો વેચવાની છે, પરંતુ કોઈ લેનાર નથી. ટૂરિઝમ પ્લેસ દિવાળી સુધી શરૂ થવાની શક્યતા નહિવત્ છે. બસોના પાર્ટ્સમાંથી લોખંડમાં 100 ટકા સુધીનો વધારો થયો છે. સ્પેર પાર્ટ્સમાં 10થી 15 ટકા, ટાયરમાં 10 ટકા ભાવ વધ્યા છે, જેનાથી બંધ બસનો રિપેરિંગ ખર્ચ વધી ગયો છે.

277 બસ હતી, 40 વેચી, 22 સ્ક્રેપમાં આપી દીધી
પટેલ ટ્રાવેલ્સના મેઘજી પટેલએ જણાવ્યું કે, રાજ્યભરમાં મારી 277 બસ હતી. તેમાંથી 40 વેચી છે અને 22 સ્ક્રેપમાં આપી દીધી છે. મારા પરિવાર પર કોઈ દેવું ન આવે તે માટે તમામ બસો વેચી લોન અને ટેક્સની રકમ ચૂકવી બિઝનેસ બંધ કરીશ.

( Source – Divyabhaskar )