સુનાવણી : સુપ્રીમે કેન્દ્રને કહ્યું- જાગો, જુઓ કે આખા દેશમાં શું ચાલી રહ્યું છે

સુનાવણી : સુપ્રીમે કેન્દ્રને કહ્યું- જાગો, જુઓ કે આખા દેશમાં શું ચાલી રહ્યું છે

  • એવું ના કહો કે, તમે કેન્દ્ર છો અને ફક્ત તમે જ સાચું શું છે એ જાણો છો: સુપ્રીમ કોર્ટ
  • કોર્ટે કહ્યું- આખા દેશમાં રસીની કિંમત સમાન હોવી જોઈએ
  • વેક્સિન પોલિસી: કોર્ટે પૂછ્યું- રસી ખરીદવા રાજ્યો ગ્લોબર ટેન્ડર કાઢી રહ્યાં છે. એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. શું આ કેન્દ્રની પોલિસી છે?
  • વેક્સિનની કિંમત: કેન્દ્ર સરકાર વેક્સિન સસ્તા ભાવે ખરીદે છે. બાકીના 50% ડોઝનો ભાવ કંપનીઓ પોતે તૈયાર કરે છે. આનો શું અર્થ છે?
  • કોવિન પર રજિસ્ટ્રેશન: તમે ડિજિટલ ઈન્ડિયાની વાતો કરો છો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં શું સ્થિતિ છે? ઝારખંડનો શ્રમિક રાજસ્થાનમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશે?

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારે કડકાઈથી સવાલો કર્યા અને આકરી ટિપ્પણીઓ પણ કરી. મુદ્દો રાજ્ય સરકારો દ્વારા રસી ખરીદવાનો ગ્લોબલ ટેન્ડર જારી કરવા અને રસીના જુદા જુદા ભાવ સાથે જોડાયેલો હતો. કોર્ટે પૂછ્યું કે, શું કેન્દ્રની નીતિ એવી છે કે, રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે? કેન્દ્ર કહે છે કે, જથ્થાબંધ રસી ખરીદવાથી તેમને ઓછા ભાવે રસી મળે છે, તો રાજ્યો માટે વધુ કિંમત કેમ? દેશભરમાં રસીની કિંમત સમાન હોવી જોઈએ. તમે એમ ના કહો કે, તમે કેન્દ્ર સરકાર છો એટલે તમને જ ખબર છે કે, શું સાચું છે. આવા મામલામાં દખલ કરવાના કોર્ટ પાસે પૂરતા અધિકાર છે.

આ દરમિયાન કોર્ટે રસીકરણ માટે કોવિન પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશનનો મુદ્દો પણ ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, એસ. રવીન્દ્ર ભટ્ટ અને એલ. નાગેશ્વરની બેન્ચે કોરોના દર્દીઓ માટે દવા, ઓક્સિજન તેમજ રસી સાથે સંકળાયેલા અનેક મુદ્દે સુઓમોટો સુનાવણી શરૂ કરી છે. કોર્ટે કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, રાજ્યોએ વેક્સિન માટે ટેન્ડર જારી કરવા પડે છે, શું આ તમારી નીતિ છે? ત્યારે મહેતાએ કહ્યું કે, આ નીતિગત મુદ્દો છે અને કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાના સીમિત અધિકાર છે.

આ મુદ્દે કોર્ટે કહ્યું કે, અમે પોલિસી નથી બદલી રહ્યા. તમને કહીએ છીએ કે, જાગો અને જુઓ કે આખા દેશમાં શું ચાલી રહ્યું છે. મહેતાએ કોર્ટને કહ્યું કે, ઓક્સિજન ટાસ્ક ફોર્સે રિપોર્ટ તૈયાર કર્યો છે. તેને અંતિમ રૂપ આપવાનું બાકી છે. અમને આશા છે કે, વર્ષના અંત સુધી 18 વર્ષથી વધુ ઉંમરના તમામને રસી આપી દેવાશે. કોર્ટે કેન્દ્રને રસીકરણ નીતિ પર બે સપ્તાહમાં જવાબ આપવાનું કહ્યું.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, પોતાની ખામી સ્વીકારવી મજબૂતીની નિશાની છે. સુનાવણી કોઈને નીચા બતાવવા નથી થઈ રહી. અમને માલુમ છે કે, વિદેશ મંત્રી જરૂરી બાબતો માટે અમેરિકા ગયા હતા. આ સ્થિતિની ગંભીરતા દર્શઆવે છે. આ મુદ્દે સોલિસિટર જનરલે કહ્યું કે, વડાપ્રધાને પણ અનેક દેશો સાથે વાત કરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત બે ન્યાયમિત્ર પૈકી એક મીનાક્ષી અરોરાએ કહ્યું કે, કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરનારી ખાનગી હોસ્પિટલોના ફોન આવી રહ્યા છે. તેમણે રૂ. 900થી 1000માં રસી આપવા કહેવાય છે. એક પરિવાર માટે રૂ. ચાર હજાર મોટી રકમ છે. આ મુદ્દે જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે, રસીની કિંમત રૂ. 900 નક્કી નથી. કેન્દ્ર રસીની કિંમત નિયંત્રિત નથી રાખી. જો રસીની અછત સર્જાશે તો હોસ્પિટલ રસીના રૂ. 2000 પણ વસૂલવા લાગશે.
કોર્ટરૂમ લાઈવ- કોર્ટે પૂછ્યું – બે ભાવની નીતિ કેમ છે? સરકારે કહ્યું : ભાવની તપાસથી વેક્સિનેશન પર અસર થશે
જસ્ટિસ ભટ્ટ : વેક્સિનના બે ભાવની નીતિ કેમ છે? શું રાજ્યોને હરીફાઈ ઊભી કરવા પ્રયાસ કરી રહ્યાં છો?
મહેતા : આ તથ્યાત્મક રીતે ખોટું છે.
જસ્ટિસ ચંદ્રચૂડ : શું કેન્દ્રની આ નીતિ છે કે મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારો ગ્લોબલ ટેન્ડર જારી કરે? કે કેન્દ્ર ખુદ નોડલ એજન્સી તરીકે વેક્સિનનું અધિગ્રહણ કરે?
મહેતા : ફાઈઝર, મોડર્ના જેવી કંપનીઓ કહી ચૂકી છે કે વેક્સિન માટે કેન્દ્ર સાથે જ વાત કરશે.
જસ્ટિસ ચંદ્રચૂડ : મુંબઈ મહાનગરપાલિકાની રશિયાની કંપની સાથે વાત થઈ રહી છે. બંધારણ કહે છે કે ભારત રાજ્યોનું સંઘ છે. સંઘીય વ્યવસ્થા હેઠળ કેન્દ્રે વેક્સિનનું અધિગ્રહણ કરી રાજ્યોને આપવી જોઈએ. રાજ્યોને અધવચ્ચે ન તરછોડી દેવા જોઈએ.
જસ્ટિસ ભટ્ટ : અમે અત્યાર સુધી એ ફાઈલ નથી જોઈ જેમાં વેક્સિનના અલગ અલગ ભાવની નીતિ છે.
મહેતા : હું કોર્ટને આગ્રહ કરું છું કે વેક્સિનના ભાવની તપાસ પર ન જાય, કેમ કે તેનાથી વેક્સિનેશન કાર્યક્રમ પર અસર થશે.
જસ્ટિસ ભટ્ટ : અમે આ નીતિનું ઔચિત્ય જાણવા માગીએ છીએ કે જેમાં કેન્દ્રને વેક્સિન સસ્તી મળી રહી છે અને રાજ્યો માટે અલગ ભાવ છે. પર્યાપ્ત ઔચિત્ય હશે તો અમે આ મુદ્દાને છોડી દઈશું.
મહેતા : કેન્દ્ર વધુ વેક્સિન ખરીદે છે એટલા માટે કિંમત ઓછી છે. કેન્દ્રે ઉત્પાદકો સાથે વાત કરીને ભાવ નક્કી કર્યા છે.
જસ્ટિસ ભટ્ટ : ગ્રામીણ ક્ષેત્રો માટે કોઈ અભ્યાસ થયો છે? અમને જણાવાયું છે કે ત્રીજી લહેરમાં બાળકો અને ગ્રામીણ ક્ષેત્રો પર વધુ અસર થશે. અમે તેના માટે વેક્સિનેશનની નીતિ જાણવા માગીએ છીએ.
મહેતા : આ સંદર્ભમાં બેઠક થઈ રહી છે. નિર્ણય થઈ રહ્યા છે. અમે વાસ્તવિક હકીકતથી બેખબર નથી. વેક્સિનેશનની નીતિ વિચાર-વિમર્શ બાદ બની છે. તેને સતત બદલવામાં આવી છે. સાચી દિશામાં કોઈ ફેરફારનો કેન્દ્ર ક્યારેય વિરોધ નહીં કરે.
ન્યાય મિત્રએ નીતિમાં 3 ખામીઓ જણાવી
1. રાજ્યોને સીધી ડીલ કરવા કહેવાયું છે.
2. વિદેશી નિર્માત રાજ્યો સાથે ડીલ કરી રહ્યાં નથી.
3. વેક્સિનેશનનું વિકેન્દ્રીકરણ થયું પણ દરેક રાજ્યની આર્થિક સ્થિતિ એકસમાન નથી.

45+ લોકોને ફ્રી રસી તો 18થી 44 વર્ષના લોકો માટે જુદી નીતિ કેમ?
કોર્ટે કહ્યું કે, કેન્દ્ર 45 અને તેનાથી વધુ ઉંમરના લોકોને ફ્રી રસી આપે છે. તે કયા આધારે છે? બાકીના લોકો માટે કહેવાયું છે કે, રાજ્યો પોતે રસી ખરીદે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આ કેન્દ્રની જવાબદારી છે કે, દેશમાં રસીની સમાન કિંમત હોય. કેન્દ્ર-રાજ્ય જુદા જુદા ભાવ ના રાખી શકે.

નીતિ બનાવનારાને જમીની હકીકતથી વાકેફ કરવા જોઈએ
કોર્ટે કોવિન પર ફરજિયાત રજિસ્ટ્રેશન મુદ્દે કહ્યું કે, નીતિ બનાવનારાને જમીની હકીકત ખબર હોવી જોઈએ. તમે ડિજિટલ ઈન્ડિયાની વાતો કરો છો, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ જુદી છે. ઝારખંડનો નિરક્ષર શ્રમિક રાજસ્થાનમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવે? દેશમાં શું થઈ રહ્યું છે તે જુઓ.

( Source – Divyabhaskar )