માસ પ્રમોશન : પરીક્ષા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાનું સ્વમૂલ્યાંકન કેવી રીતે કરશે? આગળ કઈ દિશામાં અભ્યાસ કરવો તે અંગે મુંઝવણ

માસ પ્રમોશન : પરીક્ષા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાનું સ્વમૂલ્યાંકન કેવી રીતે કરશે? આગળ કઈ દિશામાં અભ્યાસ કરવો તે અંગે મુંઝવણ

આગળ જતા ક્ષમતા કરતા ઉંચી સ્ટ્રીમમાં એડમીશન મેળવશે તો તે તેમાં સફળ થઇ શકશે નહીં

કોરોનાને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે માસ પ્રમોશન સામે વિદ્યાર્થીઓ અને ખાનગી શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી છે. તે ઉપરાંત ધોરણ 10માં માસ પ્રમોશન મળવાને કારણે નુકસાન અંગે શક્યતાઓ વ્યક્ત કરી હતી.

કેટલાક વિદ્યાર્થીઓ માટે વાલી નિર્ણય કરે છે
ધોરણ 10માં 8.60 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે. 2 વર્ષથી માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી શકતા નથી. વિદ્યાર્થીઓને આગળ કઈ દિશામાં અભ્યાસ કરવો તે અંગે મુઝવણ છે. કોઈ એક સ્ટ્રીમમાં એડમિશન લીધા બાદ પોતાને તે સ્ટ્રીમમાં રસ નહીં હોવાનું જણાય તો વિદ્યાર્થી પાસે અન્ય કોઈ વિકલ્પ રહેશે નહિ.કેટલાક વિદ્યાર્થીઓ માટે વાલી નિર્ણય કરે છે તેમને પોતાના સંતાન પાસ જણાતા સંતાનની ક્ષમતા કરતા ઉચ્ચ સ્ટ્રીમમાં અભ્યાસ કરાવવામાં આવે તો વિદ્યાર્થીને જ તેનું પરિણામ ભોગવવું પડે.

વિદ્યાર્થીઓનું પોતાનું મૂલ્યાંકન થઇ શકતું નથી
ખાનગી શિક્ષક સમીરભાઈ ગજ્જરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 9 અને 10 બંનેમાં માસ પ્રમોશન મળવાને કારણે વિદ્યાર્થીઓ ભણવામાં હોંશિયાર છે કે નહિ તે જાણી શકાતું નથી. જે વિદ્યાર્થી ભણવામાં નીરસ હોય તેવા વિદ્યાર્થીઓ પાસ થઇ જશે. પરંતુ તે આગળ જતા ક્ષમતા કરતા ઉંચી સ્ટ્રીમમાં એડમીશન મેળવશે તો તે તેમાં સફળ થઇ શકશે નહિ. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓનું પોતાનું મૂલ્યાંકન થઇ શકતું નથી અને પોતે કેટલા હોશિયાર છે તે જાણી શકતા નથી.

10માં ધોરણમાં પ્રવેશ મેળવતા જ મહેનત શરુ કરી હતી
રાણીપ વિસ્તારના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અત્યારે હરીફાઈનો જમાનો છે. અમે 10માં ધોરણમાં પ્રવેશ મેળવતા જ મહેનત શરુ કરી હતી. આખું વર્ષ મહેનત કર્યા બાદ પરીક્ષા યોજાત અને જે પરિણામ આવતું તે મારી વર્ષની મહેનતનું પરિણામ હોત. પરંતુ તે મને મળ્યું નથી. પરિણામમાં બધાને પાસ કરી કરી દેવામાં આવ્યા છે. તો અમારા માંથી કોણ હોશિયાર અને કોણ નીરસ છે તે જાણી શકાતું નથી. આગળ કેવી રીતે મહેનત કરવી તે પણ ખબર પડતી નથી.

હવે 12મા ધોરણમાં કેવી રીતે તૈયારી કરવી?
અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરીક્ષા જ ના યોજાઈ તો પરિણામ પણ આવશે નહિ તો કઈ રીતે આગળ એડમીશન લેવું. શું ભણવું તે અંગે મુઝવણ છે. જે વિષયમાં સારા માર્ક્સ મેળવ્યા હોત . એક ચોક્કસ દિશામાં આગળ વધતા પણ પરીક્ષા જ નથી યોજાઈ અને માસ પ્રમોશન આપી દીધું છે. હવે 12મા ધોરણમાં કેવી રીતે તૈયારી કરવી. કેટલો સમય મહેનત કરવી તે અંગે યોગ્ય માર્ગદર્શન મળે પછી જ આગળની સ્ટ્રીમમાં એડમીશન લઈશું.

( Source – Divyabhaskar )