અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, FBI દ્વારા તપાસ શરુ થઇ

અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર સામે ફરિયાદ, FBI દ્વારા તપાસ શરુ થઇ

અમેરિકાનો લેબર કાયદો તોડવાનો આરોપ, 6 ભારતીયો દ્વારા જ ફરિયાદ કરાઇ

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા BAPS  સ્વમિનારાયણ મંદિર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા આ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. ન્યુજર્સીમાં આવેલા આ મંદિર પર બાંધકામ વખતે 200 જેટલા કામદારોને ભારતથી છેતરપિંડી કરીને લવાયા હોવાનો આક્ષેપ છે. એ માટેનો કેસ પણ ન્યૂજર્સીની ફેડરલ ડિસ્ટ્રીક કોર્ટમાં ફાઈલ કરાયો છે. અમેરિકી સમાચાર ચેનલ સીએનએનએ પોતાની વેબસાઈટ પર લખ્યું હતું કે છ ભારતીયોએ મળીને જ મંદિરના સંચાલકો સામે કેસ કર્યો છે.

આ મંદિરના બાંધકામ માટે ભારતથી કામદારો લવાયા હતા. એ કામદારોને ત્યાં વેતન અને કામની શરતો અંગે જે વચનો અપાયા હતા એ પૂરા કરાયા ન હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લેબર લો ઘણો કડક છે અને તેની શરતો બહાર કોઈ વ્યક્તિ પાસેથી કામ લઈ શકાતું નથી. ત્યારે આ કાયદાના ભંગ બદલ તેની સામે ફરિયાદ દાખલ થઇ છે. એવા પણ સમાચાર મળ્યા છે કે એફબીઆઈના અધિકારીઓ મોટી સંખ્યામાં મંદિરમાં આવ્યા હતા અને કલાકો સુધી તપાસ કરી હતી. 

કામદારોને ધાર્મિક વિઝા હેઠળ અમેરિકા લવાયા હતા અને પછી તેમની પાસે મજૂરી કામ કરાવાયું હતું. જ્યારે કામદારો અમેરિકા પહોંચ્યા ત્યારે મંદિર સંચાલકોએ તેના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમની પાસેથી સખત કામ લેવાયું હતું એવો ફરિયાદીઓનો આક્ષેપ છે. એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ કામદારોને મંદિરના અમુક વિસ્તારની બહાર જવા દેવામાં આવતા નહોતા. તેમને મહિને 450 ડોલર મહેનતાણુ મળતું હતું, જેમાંથી 50 ડોલર ભારતમાં બેન્ક ખાતામાં જમા કરાવાતા હતા. ભારતમાં જમા થયેલી રકમ પણ કામદારો ત્યાં સરળતાથી મેળવી શકતા ન હતા. 

ફરિયાદીઓના વકીલ ડેનિયલ વોર્નરે કહ્યું કે મંદિર સંચાલકોએ કામદારો સાથે છેતરપિંડી કરી અમેરિકાના લેબર લો (મજૂર કાયદા)નો ભંગ કર્યો હતો. મજૂરી અને પથ્થરના ઘડતરની કામગીરી માટે ભારતની ચોક્કસ જ્ઞાતિના જ કામદારો પસંદ કરાયા હતા. 

છ વ્યક્તિએ મળીને આ અંગે ફરિયાદ દાખલ કરી છે. તેમના વકીલ પેટ્રીસિઆ કાકલેકના કહેવા પ્રમાણે 2018થી 2020 સુધી આ કામદારો પાસે વગર રજાએ કામ કરાવાયું હતું. તેમને એવા સ્થળે રહેવા મજબૂર કરયા હતા, જ્યાં રહી ન શકાય. બીએપીએસની સીઈઓ કનુ પટેલનું નામ પણ ફરિયાદમાં છે. તેમણે કહ્યું હતું કે હું આ બધા આક્ષેપો નકારી કાઢુ છું. તો વળી બીએપીએસના સ્પોક્સપર્સન મેથ્યુ ફ્રેન્કલે એસોસિએટ પ્રેસને કહ્યું હતું કે અમે આ તમામ આરોપોને ગંભીર ગણી તેની તપાસ કરીશું.

આ અહેવાલ પછી અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સને બીએપીએસના પ્રતિનિધિએ કહ્યું હતુ કે આ આક્ષેપો સાવ ખોટા છે. જ્યારે સત્ય બહાર આવશે ત્યારે અમે સાચા સાબિત થઈશું. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના રિપોર્ટમાં લખ્યું હતું કે કામદારોને 1 ડોલરમાં 1 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. એ રીતે તેમની પાસે 13 કલાક કામ કરાવાતુ હતું. એટસે હવે અમેરિકામાં આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૃ થઈ છે.

( Source – Gujarat Samachar )