મક્કમ મનોબળની જીત : અમદાવાદ અને સુરતના 1-1 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 10 દિવસમાં અમદાવાદનો રિકવરી રેટ 51 ટકા તો સુરતનો 83.4 ટકા થયો

મક્કમ મનોબળની જીત : અમદાવાદ અને સુરતના 1-1 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 10 દિવસમાં અમદાવાદનો રિકવરી રેટ 51 ટકા તો સુરતનો 83.4 ટકા થયો

અત્યાર સુધી પોઝિટીવ કેસ 1,80,079 જેમાથી હાલ એક્ટિવ કેસ 67,123 અને મૃત્યુઆંક 2979 પહોંચ્યો

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરતમાં 1-1 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 57,988 કેસ સામે આવ્યા હતા. જેની સામે 29,755 દર્દી રિકવર થયા હતા. આમ છેલ્લા દસ દિવસનો રિકવરી રેટ લગભગ 51 ટકા થયો છે. તો બીજીતરફ સુરત શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. કોરોનાથી સાજા થવાનો રીકવરી રેટ પણ 10 દિવસમાં 77.5 ટકાથી વધીને 83.4 ટકા થયો છે. 11 એપ્રિલે રીકવરી રેટ 92.3 ટકા હતો.

અમદાવાદ-સુરતના મળીને 2 લાખથી વધુ દર્દી ડિસ્ચાર્જ
બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 1,70,378 કોરોનાના કેસ નોંધાયા હતા તે પૈકી મંગળવારે 1,00,361 ડિસ્ટાર્જ થયાનું સરકારે જાહેર કર્યું હતું. 1200 બેડ સિવિલમાંથી મંગળવારે 70થી 80 દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે સુરતમાં 24 એપ્રિલ સુધીમાં રિકવરી રેટ 77.5 ટકા થઇ ગયો હતો. મંગળવારે શહેરમાં 1214 અને જિલ્લામાં 360 કેસ નોંધાયા હતાં, જ્યારે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળીને કુલ 2583 દર્દીઓને રજા મળતાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 102207 પર પહોંચી છે. મંગળવારે શહેરમાં 08 અને જિલ્લામાં 02 મળી શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1821 થઈ ગયો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18366 થઈ ગઈ છે. કુલ કેસોમાંથી રાંદેરમાં સૌથી વધુ 315 અને અઠવામાં 301 કેસ નોંધાયા હતાં, જ્યારે 81 કેસ સેન્ટ્રલ ઝોનમાં નોંધાયા હતાં.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન સંલગ્ન 170થી વધુ ખાનગી હોસ્પિટલોમાં બેડની કુલ સંખ્યા 6564 છે જેમાંથી મંગળવારે 638 બેડ ખાલી હતા. ખાનગી હોસ્પિટલોમાં આશરે 1379 આઈસીયુના કુલ બેડ છે જે પૈકી મંગળવારે એક પણ બેડ ખાલી નહોતો.મંગળવારે સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં 1189, કિડની હોસ્પિટલમાં 177, મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં 455, કેન્સર હોસ્પિટલમાં 177 અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં 363 કોરોનાના દર્દીઓ દાખલ હતા. સિવિલ હોસ્પિટલની બહાર પણ 108 એમ્બ્યુલન્સની લાઈનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 4693 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 22 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે રાહતની વાત એ છે કે આ 24 કલાકમાં વિવિધ હોસ્પિટલોમાંથી 4608 દર્દીને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વધુ 6 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા હતા. 45થી વધુ વયના લોકોને બુધવારથી ફરી રસી અપાશે.

એક મહિના સુધી સંઘર્ષ કર્યા બાદ 42 વર્ષના યુવકે કોરોનાને પરાસ્ત કર્યો
અમદાવાદમાં ગત માર્ચમાં પહેલો કેસ નોંધાયા પછી લગભગ 410 દિવસના લાંબાગાળા દરમિયાન એક લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. 1200 બેડ સિવિલમાંથી સિંગરવાના 42 વર્ષના આશિષ દરજી નામના દર્દીએ લગભગ એક મહિનાના સંઘર્ષ પછી કોરોનાને માત આપી છે. આ એક લાખની જેમ તમે પણ કોરોનાને હરાવી શકો છો. જરૂર છે માત્ર મક્કમ મનોબળની. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી તકેદારી તમને વાઇરસના ચેપથી દૂર રાખી શકે છે.

છેલ્લા ચાર દિવસમાં જ 15 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ

તારીખરિકવરી
24 એપ્રિલ1585
25 એપ્રિલ1590
26 એપ્રિલ1760
27 એપ્રિલ1930
28 એપ્રિલ2206
29 એપ્રિલ2504
30 એપ્રિલ2956
1 મે3182
2 મે3510
3 મે3924
4 મે4608
કુલ29755

24 એપ્રિલ પછી એક પણ દિવસ ડિસ્ચાર્જ થતાં દર્દીની સંખ્યામાં ઘટાડો થયો નથી.

( Source – Divyabhaskar )