ચૂંટણીપંચની સુપ્રીમમાં દલીલ : PM બે લાખ લોકોની રેલી યોજે, તો અમે ભીડ પર ગોળીબાર ન કરાવી શકીએ : ચૂંટણીપંચ

ચૂંટણીપંચની સુપ્રીમમાં દલીલ : PM બે લાખ લોકોની રેલી યોજે, તો અમે ભીડ પર ગોળીબાર ન કરાવી શકીએ : ચૂંટણીપંચ

  • પંચે કહ્યું- રેલીઓ રોકવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું, ચેન્નાઈ હાઈકોર્ટની ‘હત્યારા’વાળી ટિપ્પણી અને તેનું મીડિયા રિપોર્ટિંગ ખોટું
  • સુપ્રીમે કહ્યું- રિપોર્ટિંગ ના રોકી શકીએ, ટિપ્પણી ન્યાયિક પ્રક્રિયાનો હિસ્સો હતી, સંતુલિત આદેશ આપીશું

ચૂંટણીના રાજ્યોમાં સંક્રમણની તેજ ગતિ મુદ્દે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી વિરુદ્ધ ચૂંટણીપંચે સોમવારે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી. મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે દેશમાં કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, પંચના અધિકારીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ થવો જોઈએ.

સુપ્રીમકોર્ટમાં આ ટિપ્પણી વિરુદ્ધ દાખલ અરજીની સુનાવણીમાં ચૂંટણીપંચના વકીલે કહ્યું કે, અમે ચૂંટણી કરાવીએ છીએ. સરકારી તંત્ર અમારા હાથમાં નથી લેતા. જો અંતરિયાળ વિસ્તારમાં વડાપ્રધાન બે લાખ લોકોની રેલી કરી રહ્યા હોય, તો પંચ ભીડ પર ગોળીઓ ના છોડાવી શકે. તે જોવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું છે. મીડિયાને પણ આ પ્રકારની ટિપ્પણીનું રિપોર્ટિંગ કરતા રોકવું જોઈએ.

આ મુદ્દે સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે કહ્યું કે, મીડિયાને જજોની મૌખિક ટિપ્પણીઓનું રિપોર્ટિંગ કરવાથી રોકી ના શકાય. જજોની ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયાનો હિસ્સો હોય છે. કોર્ટના ઔપચારિક આદેશ જેટલું તેનું પણ મહત્ત્વ હોય છે.

આ દરમિયાન સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને સલાહ આપતા કહ્યું કે, તમે હાઈકોર્ટની ટિપ્પણીઓને એવી જ રીતે લો, જેવી રીતે ડૉક્ટરની કડવી દવા લો છો. બાદમાં સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચની અરજી મુદ્દે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. જોકે, મદ્રાસ હાઈકોર્ટની કડક ટિપ્પણી પછી ચૂંટણીપંચે મતગણતરી પછી વિજય સરઘસો પર રોક લગાવી દીધી હતી.

જજ ઘરેથી વિચારીને નથી આવતા કે આજે કોર્ટમાં શું બોલવાનું છે…
ચૂંટણીપંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે, પંચ પર હત્યાનો આરોપ અયોગ્ય છે. જજે પોતાના આદેશમાં લખવું જોઈએ કે, આવી ટિપ્પણીનો અર્થ શું છે? આ મુદ્દે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, તમારી વાત સમજીએ છીએ, પરંતુ અમે હાઈકોર્ટના જજોને હતોત્સાહિત કરવા નથી ઈચ્છતા. એવું નથી કે, જજ ઘરેથી વિચારીને આવે છે કે, આજે શું બોલવાનું છે.

( Source – Divyabhaskar )