પ્રશાંત કિશોર : ડિસેમ્બરમાં કહ્યું હતું- બંગાળમાં બે આંકડાને પાર નહીં કરી શકે ભાજપ; 10 વર્ષની 9 ચૂંટણીમાં 8મી વખત તેમનું અનુમાન સાચું સાબિત થયું

પ્રશાંત કિશોર : ડિસેમ્બરમાં કહ્યું હતું- બંગાળમાં બે આંકડાને પાર નહીં કરી શકે ભાજપ; 10 વર્ષની 9 ચૂંટણીમાં 8મી વખત તેમનું અનુમાન સાચું સાબિત થયું

બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ 200 પાર સીટનો દાવો કરતી રહી. જવાબમાં તૃણુમૂલના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપ ડબલ ડિજિટ ક્રોસ કરી જશે તો હું મારું કામ છોડી દઈશ.

ચૂંટણી પરિણામ પ્રશાંતને સાચા સાબિત કરી રહ્યાં છે. બંગાળમાં ભાજપ 99ને પણ પાર નથી કરી રહ્યું. બંગાળમાં મમતા બેનર્જી અને તામિલનાડુમાં એમકે સ્ટાલિનને જીત અપાવવાના દાવા પર યોગ્ય સાબિત થયા બાદ પ્રશાંતે એક ટીવી ઈન્ટરવ્યૂમાં એમ કહિને સૌને ચોંકાવી દિધા કે હવે તોએ આ જીત પછી I-PAC (તેમની ફર્મ) છોડવા માગે છે. હવે તેઓ ચૂંટણી રણનીતિ બનાવવાનું કામ નથી કરવા માગતા. તેઓ ઈચ્છે છે કે તેમની ટીમના અન્ય સાથીઓ હવે આ કામને સંભાળે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હવે તેઓ રાજકારણમાં આવવાની તૈયારીઓ કરી રહ્યાં છે, તો તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ એક નિષ્ફળ પોલિટિશિયન સાબિત થયા છે. હવે તેઓ આગળ શું કરશે, તે અંગે તેઓએ કંઈ જ ન કહ્યું. જો કે મજાક કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ પોતાની ફેમિલીની સાથે આસામમાં જઈને એક ટી ગાર્ડન ચલાવશે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે મળેલી જોરદાર હાર બાદ 2020માં મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી પ્રશાંતને તૃૃણુમૂલમાં લાવ્યા હતા. તે બાદથી જ પ્રશાંતની ફર્મ I-PACએ તૃણુમૂલની જીતની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દિધું હતું.

બંગાળ ચૂંટણી દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, ‘જે પણ કામ કરો, સર્વશ્રેષ્ઠ બનીને કરો. જો હું સ્કિલ, મેથોડોલોજી અને ફેક્ટના ઉપયોગ બાદ પણ જીત ન અપાવી શકું તો મારે નૈતિક રીતે આ કામ કરવું જ ન જોઈએ. એવું પણ નથી કે મારે આજીવન આ જ કામ કરવું છે. કોઈ બીજું કામ નથી કરવું. મારા પછી પણ આ કામ થતું જ રહેશે. મેં મારા સહયોગીઓને આ તમામ સંભાવનાઓ અંગે પહેલેથી જ જણાવી દિધું છે. જો મને એવો અનુભવ થયો કે હું આ કામમાં નંબર-1 નથી તો મારે આ કામ છોડવામાં કોઈ જ સંકોચ નથી. હું બીજા માટે જગ્યા ખાલી કરી દઈશ.’

પ્રશાંત કિશોર રાજનેતા નથી, પરંતુ તેમનું કામ રાજકીય પક્ષને ચૂંટણી લડવાની રીત જણાવવાનો છે. ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષ કઈ પ્રકારનો પ્રચાર અભિયાન તૈયાર કરે કે જેથી તેમને વધુને વધુ ફાયદો થાય, તે માટે તેમની કંપની કામ કરે છે. જો કે પ્રશાંત કહે છે કે કોઈ પક્ષની ચૂંટણીમાં મળેલી જીત માત્ર રણનીતિ પર જ નિર્ભર નથી હોતી. પક્ષના નેતાનું કામ અને નામ પણ ઘણું જ મહત્વ રાખે છે.

જાણો, 10 વર્ષમાં પ્રશાંત કિશોરનો સક્સેસ રેટ કેવો રહ્યો….

વર્ષ- 2012
ચૂંટણીઃ ગુજરાત વિધાનસભા

વર્ષ 2011માં ‘વાઈબ્રન્ટ ગુજરાત’નું સ્ટ્રકચર પ્રશાંત કિશોરે જ તૈયાર કર્યું હતું. જે બાદ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરને ભાજપના પ્રચારની જવાબદારી મળી અને ત્યારે 182માંથી 115 સીટ અપાવીને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને આવ્યા હતા.

વર્ષ- 2014
ચૂંટણીઃ 16મી લોકસભા
ગુજરાત ચૂંટણીની સફળતા પછી ભાજપે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચારની જવાબદારી પણ પ્રશાંત કિશોરને સોંપી. ત્યારે ભાજપે બહુમતીથી વધુ 282 સીટ પર જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ‘ચા પર ચર્ચા’ અને ‘થ્રી-ડી નરેન્દ્ર મોદી’નો કોન્સેપ્ટ પણ પ્રશાંતે જ તૈયાર કર્યો. જે બાદથી પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર તરીકે એક મોટું નામ બની ગયું અને બ્રાંડ બનીને સામે આવ્યા.

વર્ષ- 2015
ચૂંટણીઃ બિહાર વિધાનસભા
2015 બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંતે જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસ મહાગઠબંધન માટે ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી. તેઓએ રણનીતિ તૈયાર કરી અને ચર્ચાસ્પદ નારો પણ આપ્યો હતો- ‘બિહારમાં બહાર છે, નીતિશ કુમાર છે’ આ નારો ઘણો જ ચર્ચામાં રહ્યો. આ ચૂંટણીમાં જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસ મહાગઠબંધનને 243માંથી 178 સીટ પર જીત મળી હતી જ્યારે એનડીએ માત્ર 58 સીટ પર જ સમેટાઈ ગયું હતું.

વર્ષ- 2017​​​​​​​
ચૂંટણીઃ પંજાબ વિધાનસભા

2017માં પ્રશાંત કિશોરે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સિંહ અને કોંગ્રેસ માટે રણનીતિ તૈયાર કરી, 117 સીટમાંથી 77 બેઠક પર જીત અપાવી.

વર્ષ- 2017
ચૂંટણીઃ યુપી વિધાનસભા
જે બાદ આવી 2017માં યુપી વિધાનસભા ચૂંટણી, આ સમયે કોંગ્રેસે પ્રશાંત કિશોર પર દાંવ ખેલ્યો, પરંતુ તેઓને ઘણી જ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. 403 સીટમાંથી કોંગ્રેસને માત્ર 47 સીટ પર જીત મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં ભાજપે 325 સીટ પર જીત મેળવી હતી.

આ પ્રશાંતના કેરિયરમાં પહેલી વખત એવું બન્યું કે તેમની ચૂંટણી રણનીતિ પણ કામ ન આવી. જો કે આ હાર બાદ તેઓએ રાહુલ અને પ્રિયંકાનું નામ લીધા વગર કહ્યું કે- યુપીમાં ટોપ મેનેજમેનન્ટ તરફથી મને ખુલ્લીને કામ કરવા ન દેવામાં આવ્યું, આ તેનું જ પરિણામ હતું.

વર્ષ- 2019​​​​​​​
ચૂંટણીઃ આંધ્રપ્રદેશ વિધાનસભા

​​​​​​​જે બાદ પ્રશાંત કિશોરે 2019માં આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીના વાઈએસઆર કોંગ્રેસ માટે ચૂંટણી સલાહકારની ભૂમિકા ભજવી. તેઓએ વાઈએસઆર કોંગ્રેસ માટે કેમ્પેઈન ડિઝાઈન કર્યા અને વાઈએસઆરને 175માંથી 151 સીટ પર જીત મળી.

વર્ષ- 2020
​​​​​​​ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા
2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંતે આમઆદમી પાર્ટી માટે ચૂંટણી રણનીતિકારની ભૂમિકા ભજવી અને લગે રહો કેજરીવાલ કેમ્પેઈન લોન્ચ કર્યું. આ ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને 70માંથી 62 બેઠક પર જીત મળી.

હવે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે 2022માં થનારી યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર સપા કે બસપા માટે ચૂંટણી રણનીતિ બનાવી શકે છે. જો કે યુપીમાં કુલ મુસ્લિમ વસ્તી લગભગ 20% છે. અહીંની કુલ 403 વિધાનસભા સીટમાંથી 143 સીટ મુસ્લિમ બહુમતીવાળી છે. પરંપરાગત રીતે અહીંના મતદાઓનો ઝુકાવ બસપા કે સપા તરફ રહ્યો છે.

માર્ચ 2021માં કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંતને પ્રિન્સિપાલ એડવાઈઝર નિયુક્ત કર્યા. જાહેર છે કે તેઓ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેમના માટે ચૂંટણી રણનીતિ બનાવવાનું કામ કરશે.

યુનિસેફ અને યુએન માટે પણ કામ કર્યું
44 વર્ષના પ્રશાંત કિશોર મૂળરૂપે બિહારના રોહતાસ જિલ્લાના કોનારા ગામના છે. જે બાદ તેમનો પરિવાર યુપી-બિહાર બોર્ડર પાસે આવેલા બકસર જિલ્લામાં શિફ્ટ થઈ ગયા હતા. તેમના પિતા વ્યવસાયે ડોકટર હતા. બિહારમાં જ પ્રાથમિક અભ્યાસ બાદ પ્રશાંતે હૈદરાબાદથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે કેરિયર શરૂ કરતાં પહેલાં પ્રશાંત યુનિસેફમાં જોબ કરતા હતા અને તેઓને તેના બ્રાન્ડિંગની પણ જવાબદારી મળી હતી. તેઓ 8 વર્ષ સુધી યુનાઈટેડ નેશન્સ સાથે પણ જોડાયેલા રહ્યાં અને આફ્રિકામાં યુએનના એક મિશનના ચીફ પણ રહ્યાં.

( Source – Divyabhaskar )