હવે અમેરિકા પણ નહીં જઈ શકાય : નેપાળે ભારતની બોર્ડર બંધ કરી, USની સરકારે 4 મેથી ભારતથી આવતી ફ્લાઈટ્સ રોકવા નિર્ણય કર્યો

હવે અમેરિકા પણ નહીં જઈ શકાય : નેપાળે ભારતની બોર્ડર બંધ કરી, USની સરકારે 4 મેથી ભારતથી આવતી ફ્લાઈટ્સ રોકવા નિર્ણય કર્યો

  • ભારતમાં કોરોનાના વધતા કેસોથી અમેરિકા ચિંતિત છે
  • બાઈડેન શાસને ભારતથી આવતી ફ્લાઈટ્સ રોકવાનો નિર્ણય કર્યો હોવાનું વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ જણાવ્યું
  • આ નિર્ણયનો અમલ 4 મેથી થશે
  • ભારતમાં કોરોનાના કારણે રેકોર્ડ કેસ અને મોત નોંધાયા પછી અમેરિકા પણ ચિંતિત

ઓસ્ટ્રેલિયા, અમેરિકા પછી હવે પાડોશી દેશ નેપાળે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભારતથી આવનારાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળ દ્વારા ભારત સાથે જોડાયેલા 35 જેટલા સરહદી માર્ગોમાંથી 22ને બંધ કરી દેવાયા છે. આ નિર્ણય કોરોના મહામારી મેનેજમેન્ટ સમન્વય સમિતિની શુક્રવારે આયોજિત બેઠકમાં લેવાયો હતો. હવે નેપાળ અને ભારત વચ્ચેના ફક્ત 13 સરહદી ચોકીઓ પરથી જ અવર-જવર થશે. નેપાળમાં ગુરુવાર અને શુક્રવારે 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

અમુક કેટેગરીને છૂટ આપવામાં આવી છે
બીજી બાજુ અમેરિકાએ ગત 14 દિવસથી ભારતમાં રહેતા એવા દેશોના લોકો પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જે અમેરિકી નાગરિક નથી. આ આદેશ 4 મેથી લાગુ થશે. જે રાષ્ટ્રપતિના આગામી આદેશ સુધી અનિશ્ચિતકાળ માટે લાગુ રહેશે. અમેરિકી વિદેશમંત્રી ટોની બ્લિન્કેને આ માહિતી આપી હતી. જોકે અમેરિકી વિદેશ વિભાગે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, પત્રકારો અને અમુક વ્યક્તિઓની કેટલીક કેટેગરીને પ્રતિબંધમાંથી છૂટ આપી છે.

4મેથી આ નિર્ણય લાગુ થશે
​​​​​​​અમેરિકામાં બાઈડેન શાસને ભારતથી આવતી ફ્લાઈટ્સ રોકવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં રેકોર્ડ કોરોનાના કેસો અને મોતના આંકડા પછી આ નિર્ણય લેવાયો છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ આ જાણકારી આપી હતી. ​​​​​​​અમેરિકાની સરકારનો આ નિર્ણય 4 મેથી અમલી થશે. એક નિવેદનમાં પ્સાકીએ કહ્યું હતું કે બાઈડેન શાસને આ નિર્ણય સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સલાહ બાદ લીધો છે.

રિપબ્લિકન સાંસદોએ વિરોધ કર્યો: રિપબ્લિકન સાંસદોએ ભારત પર યાત્રા પ્રતિબંધ મૂકવાનો વિરોધ કર્યો હતો. સાંસદ ટિમ બુરચેટે સોશિયલ મીડિયા પર લખ્યું કે મેક્સિકોની સાથે સરહદો ખુલ્લી રાખવી અને અમારા સહયોગી ભારત પર પ્રતિબંધ મૂકવો તર્કસંગત નથી.

આયર્લેન્ડે ભારતને ક્વૉરન્ટાઈન યાદીમાં સામેલ કર્યો: આયર્લેન્ડે પણ ભારતથી આવનારા લોકો માટે ફરજિયાત ક્વૉરન્ટાઈનનો નિયમ બનાવી દીધો છે. આ નિયમ 4 મે એટલે કે મંગળવારથી લાગુ પડશે. ભારત ઉપરાંત આ યાદીમાં જ્યોર્જિયા, ઈરાન, મોંગોલિયા અને કોસ્ટારિકા સામેલ છે.

બીજીતરફ અમેરિકામાં દરરોજ હજારો અમેરિકનો વેક્સિનેટ થઈ રહ્યા છે અને સંક્રમણ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે ભારતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો વિક્રમી રીતે જોવા મળ્યો છે.​​​​​​​અહેવાલો અનુસાર, ભારતમાં પ્રતિ દિન સરેરાશ 3050 લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે. આ ડેટા જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જાહેર કરેલા આંકડામાંથી પ્રાપ્ત થયો છે. ભારતમાં છેલ્લા સાત દિવસથી દરરોજ 357000 જેટલા સરેરાશ નવા કેસો કોરોના સંક્રમણના આવી રહ્યા હોવાનું જ્હોન હોપકિન્સ ડેટામાં જણાવ્યું છે.

ભારતમાં B.1.617 પ્રકારનો અત્યંત ઘાતક અને ચેપી કોવિડ વેરિઅન્ટ ફેલાઈ રહ્યો હોવાનું જણાવાયું છે. આ વેરિએન્ટ બે મ્યુટેશન્સ ધરાવે છે. આ વેરિએન્ટ અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે.઼

અમેરિકા અને ભારત વચ્ચેની નોનસ્ટોપ ફ્લાઈટ્સ રદ થશે
અમેરિકા અને ભારત વચ્ચેની કેટલીક નોનસ્ટોપ ફ્લાઈટ્સ હવે રદ થશે. બાઈડેન શાસનના નિર્ણય પછી બે દેશો વચ્ચે કાર્યરત મોટી યુએસ કેરિયર યુનાઈટેડ એરલાઈન્સ દ્વારા નોનસ્ટોપ સર્વિસ આપવામાં આવે છે. જેમાં તેની ભારતમાંથી દરરોજ ચાર ફ્લાઈટ્સ રવાના થતી હોય છે. એ જ રીતે એર ઈન્ડિયાની પણ ચાર ફ્લાઈટ્સ હવે શરૂ થવાની હતી, જેને પણ અસર થશે.

બાઈડેન પર વધી રહેલું ભારતને મદદ કરવા માટેનું દબાણ
બાઈડેન શાસને અગાઉ 1000 ઓક્સિજન સિલિન્ડર્સ, N95 માસ્ક અને 10 લાખ જેટલી રેપિડ ડાયોગ્નોસ્ટિક ટેસ્ટ કિટ ભારતની મદદ માટે મોકલી છે પરંતુ અમેરિકન સાંસદો દ્વારા ભારતને હજુ પણ વધુ મદદ માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
બે રિપબ્લિકન્સ અને બે ડેમોક્રેટ્સ સાંસદોના હસ્તાક્ષરવાળા એક પત્રમાં લખાયું છે, ‘અમારો ભારતને ટેકો છે અને આ મહામારી બધે જ ખતમ નહીં થાય ત્યાં સુધી ક્યાંય પણ તે સમાપ્ત નહીં થાય. અમે ભારતને કોરોના નવા વેવનો સામનો કરવામાં મદદરૂપ થવા અનુરોધ કરીએ છીએ.’

( Source – Divyabhaskar )