અમને તો કંઈક કરવા દો : નવા વેરિએન્ટ્સ પર સમયસર અભ્યાસ જરૂરીઃ 300 વિજ્ઞાનીઓએ પીએમ મોદીને પત્ર લખી કાકલૂદી કરવી પડી

અમને તો કંઈક કરવા દો : નવા વેરિએન્ટ્સ પર સમયસર અભ્યાસ જરૂરીઃ 300 વિજ્ઞાનીઓએ પીએમ મોદીને પત્ર લખી કાકલૂદી કરવી પડી

પીએમ મોદીને અપીલ કરાઈ કે દેશના વિજ્ઞાનીઓને તમામ પ્રકારના ડેટાનો અભ્યાસ કરવાની અનુમતિ મળે જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય અને સમયસર કેટલાક જરૂરી કદમ ઉઠાવી શકાય

દેશમાં કોરોનાથી સ્થિતિ દરરોજ વીતતા દિવસ સાથે વકરતી જાય છે. છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિ એટલી ભયજનક બની છે કે સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. હવે માત્ર કેસોમાં જ વધારો નથી થતો પણ અનેક રાજ્યોમાં વાયરસના ખતરનાક વેરિએન્ટ્સ પણ જોવા મળ્યા છે. એ પછી ડબલ મ્યુટેન્ટ હોય કે બંગાળનો ટ્રિપલ મ્યુટેન્ટ હોય. સ્થિતિની ગંભીરતાને સમજતા દેશના 300 વિજ્ઞાનીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેઓને આ માટે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવા દેવા માટે કાકલૂદી કરી છે.

પીએમ મોદીને પત્રમાં વિજ્ઞાનીઓએ શું લખ્યું
પત્ર દ્વારા પીએમ મોદીને અપીલ કરાઈ છે કે દેશના વિજ્ઞાનીઓે તમામ પ્રકારનો ડેટા અભ્યાસ કરવા માટે મળે એવી અનુમતિ મળે. જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય અને સમયસર તેના માટે કેટલાક જરૂરી કદમ ઉઠાવી શકાય.

અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર શશીધરા અને કોલકાતાની NIBMGમાં વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રાથો મજૂમદારે આ પત્ર તૈયાર કર્યો છે. શશીધરાએ ભારપૂર્વક કહ્યું છે કે દેશમાં કોરોનાથી સ્થિતિ બગડી રહી છે અને જો સમયસર જરૂરી કદમ નહીં ઉઠાવાય તો સ્થિતિ નિરંકુશ બની જશે. તેમણે કહ્યું કે વિજ્ઞાનીઓને હવે તમામ પ્રકારના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. એવું થાય તો જ આ મહામારીનો અસરકારક રીતે સામનો કરી શકાશે અને અનેક પ્રકારના આગોતરા પગલા ઉઠાવી શકાશે.

નવા વેરિએન્ટ પર અભ્યાસ કરવા દેવા અપીલ
પત્રમાં એ વાત અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે દેશમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. અનેક સરકારી આંકડા જણાવે છે કે હાલમાં જે સક્રિય કેસો નજરે પડી રહ્યા છે, વાસ્તવમાં તેનાથી 20 ગણા વધુ કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં અનેક લોકો માત્ર આ વાયરસ ફેલાવતા જ નથી પણ સમાજમાં સુપર સ્પ્રેડરની ભૂમિકા નિભાવી રહ્યા છે.

એવામાં વિજ્ઞાનીઓ માને છે કે જો સમયસર સચોટ ભવિષ્યવાણી કરી દેવાય તો સરકાર અનેક જરૂરી કદમ ઉઠાવી શકે છે અને લોકોનાં જીવ પણ બચી શકે છે. પત્રમાં કોરોનાના નવા વેરિએન્ટ્સનો પણ ઉલ્લેખ કરાયો છે. કહેવામાં આવ્યું છે કે આના પર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સરકાર પાસે માગણી કરાઈ છે કે વિજ્ઞાનીઓને મોટાપાયે વાયરલ જિનોમ સિક્વન્સિંગને અંજામ આપવા દેવામાં આવે.

ફંડ સાથે જોઈએ છે તમામ પરમિશન
પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં તેમને સરકાર માત્ર ફંડ જ ન આપે પણ તમામ પ્રકારની પરમિશન અને સપોર્ટ પણ આપે. એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે જો સમયસર કોરોના અંગે અભ્યાસ પૂરો થાય તો તેનાથી દેશનું કલ્યાણ તો થશે જ પણ સાથે મોટાપાયે વ્યાપી રહેલી કોરોનાથી તબાહી પર અંકુશ પણ લાગી શકશે.

( Source – Divyabhaskar )