આખાબોલો એન્ડ્ર્યૂ : ટાઈ IPL ટીમના માલિકો પર ભડક્યો, કહ્યું- હોસ્પિટલમાં લોકો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે અને તમે પૈસા વેડફી રહ્યા છો!

આખાબોલો એન્ડ્ર્યૂ : ટાઈ IPL ટીમના માલિકો પર ભડક્યો, કહ્યું- હોસ્પિટલમાં લોકો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે અને તમે પૈસા વેડફી રહ્યા છો!

IPLમાં ખેલાડીઓ સુરક્ષિત તો છે, પરંતુ ક્યાં સુધી સુરક્ષિત રહેશે? – એન્ડ્ર્યૂ ટાઈ

સમગ્રે દેશ અત્યારે કોરોના મહામારીની બીજી લહેર સામે લડી રહ્યો છે. રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ રહ્યા છે. આ સંજોગોમાં પણ દેશમાં IPLનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, હવે અમુક વિદેશી ખેલાડીઓ મહામારીને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટમાંથી તેમનું નામ પરત લઈ રહ્યા છે. તેવામાં ઓસ્ટ્રેલિયા પરત ફરેલા રાજસ્થાનના ફાસ્ટ બોલર એન્ડ્યૂ ટાઈએ IPLના માલિકો પર તંજ કસ્યો હતો. તેઓએ કહ્યું હતું કે ભારત દેશમાં આરોગ્યની આટલી મોટી સમસ્યા ઉદ્ભવી છે, તેમ છતાં ટીમનું પ્રશાસન આટલા બધા રૂપિયા એક સીઝન પાછળ કેવી રીતે ખર્ચ કરી શકે છે?

વિદેશી ખેલાડી એન્ડ્ર્યૂ ટાઈએ કટાક્ષ કર્યો હતો
એન્ડ્ર્યૂ ટાઈએ કહ્યું હતું કે, અત્યારે ભારત દેશની હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓને બેડ પણ નથી મળી રહ્યા અને તેવામાં જો આ પ્રશ્નને ભારતના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો અન્ય કંપનીઓ અને ફ્રેન્ચાઈઝી આવા કપરા સમયમાં IPL પાછળ આટલા બધા રૂપિયા કેમ ખર્ચ કરી રહી છે? જો ક્રિકેટ જોવાથી લોકોમાં આશાનું એક નવું કિરણ પ્રકાશિત થતું હોય તો મેચ રમાવી જોઈએ.

ખેલાડીઓ પણ ક્યાં સુધી સુરક્ષિત રહેશે? – એન્ડ્ર્યૂ ટાઈ
એન્ડ્ર્યૂ ટાઈએ જણાવ્યુ હતું કે દરેકની વિચારસરણી અલગ-અલગ હોઈ શકે છે અને હું દરેકના વિચારોનો આદર કરું છું. IPLમાં ખેલાડીઓ સુરક્ષિત તો છે, પરંતુ એમના મનમાં પણ એક જ સવાલ રહેતો હોય છે કે ક્યાં સુધી અમે સુરક્ષિત રહીશું. 34 વર્ષીય એન્ડ્ર્યૂ ટાઈએ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પોતાના દેશમાં ભારતથી યાતાયાત બંધ થઈ જવાના અને અન્ય ભયને કારણે ટૂર્નામેન્ટને છોડવાનો નિર્ણય કર્યો હતો.

( Source – Divyabhaskar )