મળો શ્વાસના યોદ્ધાઓને : લંચ બોક્સ સામે હતું, મજૂરોએ કહ્યું – ‘હજુ 50 ટન ઓક્સિજન બનાવવાનો છે, ત્યાં સુધી નહીં ખાઈએ’

મળો શ્વાસના યોદ્ધાઓને : લંચ બોક્સ સામે હતું, મજૂરોએ કહ્યું – ‘હજુ 50 ટન ઓક્સિજન બનાવવાનો છે, ત્યાં સુધી નહીં ખાઈએ’

  • દેશના સૌથી મોટા ઓક્સિજન ઉત્પાદક સ્ટીલ પ્લાન્ટથી ભાસ્કર લાઈવ
  • કારણ કે ઓક્સિજન આજે દેશની સૌથી મોટી જરૂરિયાત

બપોરના ત્રણ વાગ્યા છે અને અમે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ)ના આઈનોક્સ બોકારો પ્લાન્ટમાં ઊભા છીએ. અહીં રાત-દિવસ લિક્વિડ મેડિકલ ઓક્સિજન બનાવાઈ રહ્યો છે. બોકારો સ્ટીલ લિમિટેડના કેપ્ટિવ પ્લાન્ટમાં પણ ઓક્સિજન તૈયાર કરતા મશીનો અવાજ કરી રહ્યા છે. અહીંથી ઓક્સિજન લઈ જવા ઉત્તર પ્રદેશથી એક ગુડ્સ ટ્રેન નીકળી ચૂકી છે, જેમાં એક રેક ભરીને ઓક્સિજન આપવાનો છે. તે શનિવારે રાત્રે 10 વાગ્યે બોકારો પહોંચશે. અહીંના કેપ્ટિવ પ્લાન્ટમાં 90 અને આઈનોક્સના પ્લાન્ટમાં આશરે 80 કર્મચારી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સતત ઓક્સિજન ઉત્પાદન થઈ રહ્યું છે. મજૂરો સામે લંચ બોક્સ પડ્યા છે. એટલે અમે પૂછ્યું કે, ‘તમે ભોજન લઈ લીધું?’ જવાબમાં મજૂરોએ કહ્યું કે, ‘રોજનો 150 ટન ઓક્સિજન બનાવવાનો છે. હજુ 100 ટન પણ નથી બન્યો. સમય ઓછો છે. જ્યાં સુધી 50 ટન તૈયાર નહીં થાય, ત્યાં સુધી ભોજન નહીં લઈએ.’

ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ: કેન્દ્રના 2 અને રાજ્યના 4 અધિકારી પ્લાન્ટમાં 24 કલાક રહે છે
છત્તીસગઢના ભીલાઈમાં હાલ 29 પ્લાન્ટમાં 400 ટનથી વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અહીં પહેલીવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન કરાઈ રહ્યું છે. પ્લાન્ટ અધિકારીઓ કહે છે કે, માગ પ્રમાણે લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવો પડકારજનક છે. સમયસર બીજા રાજ્યો સુધી ઓક્સિજન લઈ જઈ શકે તે માટે પહેલીવાર ગ્રીન કોરિડોરની પદ્ધતિ પણ અપનાવાઈ છે. ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનું ઉત્પાદન માર્ચ પછી બંધ છે. ભીલાઈ પ્લાન્ટમાં ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ છે, જેનું સંચાલન પ્રેક્સ એર કરે છે.

કેન્દ્ર રાજ્ય વચ્ચે સંતુલન રાખવામાં આવે છે
પ્લાન્ટ-1માં ઉત્પાદન બંધ થઈ ગયું છે, જ્યારે પ્લાન્ટ-2 અને 3ની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિન 265 ટનની છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓની બેઠક પછી ઓક્સિજન ઉત્પાદક એકમોમાં મોનિટરિંગ શરૂ કરાયું છે. ભીલાઈ ઓક્સિજન પ્લાન્ટમાં જ રાજ્ય શાસનના 4 અને કેન્દ્ર શાસનના 2 અધિકારી તહેનાત છે. તેમને નિર્દેશ કરાયો છે કે, ઓક્સિજન પ્લાન્ટ સાથે જે રાજ્યો સાથે સમજૂતિ છે, તે પ્રમાણે ઓક્સિજન પહોંચાડાય. ઓક્સિજન પુરવઠાને લઈને રોજ કેન્દ્ર-રાજ્યો વચ્ચે સંતુલન કરાઈ રહ્યું છે. ભીલાઈ મેનેજમેન્ટને આ વિશે મીડિયા સાથે વાત કરવાની ના પાડી દેવાઈ છે.

દેશના 9 રાજ્યમાં પુરવઠો મોકલાઈ રહ્યો છે
ભીલાઈના બંને ઓક્સિજન પ્લાન્ટમાંથી દેશના 9 રાજ્યને ઓક્સિજન મોકલાઈ રહ્યો છે. તેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, કર્ણાટક અને છત્તીસગઢ સામેલ છે.

એપ્રિલમાં કોને કેટલો ઓક્સિજન મોકલાયો

ઝારખંડ308
ઉત્તર પ્રદેશ456
બિહાર374
પશ્ચિમ બંગાળ19
પંજાબ44
મહારાષ્ટ્ર19
મધ્ય પ્રદેશ16

(આંકડા મેટ્રિક ટનમાં)

( Source – Divyabhaskar )