અમેરિકા / કોર્ટમાં છુટાછેડાનો કેસ ચાલતો હતો ત્યારે જ પતિને લાગી કરોડોની લોટરી તો પત્ની બોલી કે…

અમેરિકા / કોર્ટમાં છુટાછેડાનો કેસ ચાલતો હતો ત્યારે જ પતિને લાગી કરોડોની લોટરી તો પત્ની બોલી કે…

નસીબના ખેલ કેવા અજબ હોય છે એનો એક કિસ્સો અમેરિકામાં જોવા મળ્યો છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસ વખતે પતિને મોટી રકમની લોટરી લાગી હતી પણ કોર્ટે ચુકાદો આપ્યો કે આ રકમમાંથી અડધોઅડધ રકમ પતિએ પત્નીને આપવી પડશે. હાલમાં આવેલા ચુકાદા મુજબ 50 વર્ષના પતિએ 48 વર્ષની પત્નીને અડધી રકમ એટલે કે આશરે 132 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

શું છે કેસ?

અમેરિકાના મિશિગન રાજ્યના પોન્ટિએકમાં રહેતા રિચર્ડ ડિક જેલાસ્કોએ 2004માં મેરી બેથ સાથે લગ્ન કર્યા હતા. 2011ના સપ્ટેમ્બર મહિનામાં મેરી બેથ તેના પતિને છોડીને અલગ રહેવા લાગી હતી અને તેણે કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આર્બિટ્રેટર જૉન મિલ્સે પતિ-પત્નીને અલગ રહેવા માટે આદેશ આપ્યો હતો.

લોટરી લાગી

2013માં રિચર્ડને 80 મિલિયન ડોલર (આશરે ૫૫૬ કરોડ રૂપિયા)ની લોટરી લાગી હતી. જોકે વિવિધ ટેક્સ અને અન્ય કપાત બાદ તેને 3૮ મિલિયન ડોલર (આશરે 264 કરોડ રૂપિયા) મળવાના હતા. આર્બિટ્રેટરે 2014માં રિચર્ડને લોટરીની રકમમાંથી 15 મિલિયન ડોલર (આશરે 104 કરોડ રૂપિયા) આપી દેવા કહ્યું હતું અને બાળકોના ગુજારા માટે દર મહિને 7,000 ડોલર પણ ચૂકવવા આદેશ આપ્યો હતો. જોકે આર્બિટ્રેટરના નિધન બાદ રિચર્ડે આ ચુકાદાને કોર્ટમાં પડકાર્યો હતો.

કોર્ટે શું કહ્યું?

છ વર્ષથી ચાલતા આ કેસમાં કોર્ટે 13 જૂને ચુકાદો આપતાં કહ્યું હતું કે 2011થી મેરી બેથ ભલે રિચર્ડથી અલગ રહેતી હતી પણ તેમના વચ્ચે લગ્ન કાયમ હતાં અને તેઓ પતિ-પત્ની હતાં. રિચર્ડે લોટરીની ટિકિટ ખરીદવા માટે એક ડોલર ખર્ચ્યો હતો એ તેમની સહિયારી મિલકત ગણાય અને તેથી લોટરીની જીતની અડધી રકમ પર પત્નીનો અધિકાર રહે છે. રિચર્ડ અગાઉ પણ લોટરી ખરીદતો હતો અને એમાં ઇનામ લાગતું નહોતું ત્યારે ખોટ પણ પતિ-પત્ની બંનેને થતી હતી. કોર્ટે તેને રિવ્યૂ પિટિશન કરવાની ના પાડી દીધી છે તેથી રિચર્ડ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે.