કોરોના સામે લડાઈ : મોદીએ જ્યાં સદભાવના ઉપવાસ કર્યા હતાં એ સ્થળે હવે 900 બેડની કોવિડ હોસ્પિટલ, DRDO દ્વારા 24 એપ્રિલથી શરુ થશે

કોરોના સામે લડાઈ : મોદીએ જ્યાં સદભાવના ઉપવાસ કર્યા હતાં એ સ્થળે હવે 900 બેડની કોવિડ હોસ્પિટલ, DRDO દ્વારા 24 એપ્રિલથી શરુ થશે

  • ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલમાં ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની હોસ્પિટલની 80 ટકા કામગીરી પૂર્ણ
  • ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા અમદાવાદ ઉપરાંત લખનઉ, બનારસ અને દિલ્હીમાં પણ હોસ્પિટલ બની છે

રાજ્યમાં અને અમદાવાદમાં કોવિડ દર્દી માટે બેડની અછત વચ્ચે ગણતરીના દિવસોમાં જ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપેન્ટ ઓર્ગોનાઇઝેશન) તરફથી યુદ્ધના ધોરણે 900 બેડની હોસ્પિટલ ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલમાં બની રહી છે. 900 ઉપરાંત જરૂર પડ્યે વધુ 500 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલ DRDO દ્વારા બનેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ બનશે. રસપ્રદ બાબત એ છે કે, આ હોલમાં જ વડાપ્રધાન મોદીએ (ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે) સદભાવના ઉપવાસ કર્યા હતા. આ હોસ્પિટલનું કેન્દ્રિય મંત્રી અમિત શાહ 24 એપ્રિલે ઉદ્ઘાટન કરશે.

DRDO હોસ્પિટલમાં 1400 બેડની ક્ષમતા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે તૈયાર થઇ રહેલ DRDO ઉપરાંત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીના સંયૂક્ત પ્રયાસથી હોસ્પિટલની કામગીરી 80 ટકા પૂર્ણ થઈ ગઈ છે. DRDO અને આરોગ્ય વિભાગ સમગ્ર હોસ્પિટલનું સંચાલન કરવાના છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટી તેમની સાથે રહીને કામ કરશે. 24 એપ્રિલથી હોસ્પિટલ કાર્યરત કરી દેવાના લક્ષ્યાંક સાથે હાલ દિવસ-રાત જોયા વગર અહીં કામગીરી ચાલી રહી છે. અહીં તબક્કાવાર દર્દીને દાખલ કરવામાં આવશે. DRDO અમદાવાદની સાથે સાથે લખૌનમાં 450, વારાણસીમાં 750 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનું કામ કરી રહ્યુ છે. દિલ્હીમાં પણ DRDO કોવિડ હોસ્પિટલ તૈયાર કરી ચૂક્યુ છે. જોકે અમદાવાદમાં તૈયાર થઇ રહેલ DRDO ની સૌથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ બનશે, કેમ કે 900 બેડ સિવાય, જરૂર પડ્યે વધારાના 500 બેડ પણ ઉભા કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

130 વેન્ટિલેટર અને 750 ઓક્સિજન બેડ અમદાવાદ શહેરમાં જ્યાં એક તરફ વધી રહેલા કોરોના કેસના કારણે વેન્ટિલેટર અને ઓક્સિજન બેડની અછતથી દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે, તેમાં આ નવી તૈયાર થઇ રહેલ 900 બેડની હોસ્પિટલ અમદાવાદના લોકો માટે કટોકટીની સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે. પ્રધાનમંત્રી કેર્સ ફંડમાંથી અહિં 130 વેન્ટિલેટર લાવવામાં આવ્યા છે, જેને ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

દર્દીને સરળતાથી ઓક્સિજન મળે તે માટે બેડ પર જ ઓક્સિજન પાઇપલાઇન લગાવવામાં આવી છે. આ માટે 35 હજાર લિટર ઓક્સિજન ક્ષમતા વાળી ટાંકી લગાવવવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે અન્ય એક 25 હજાર લિટર ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટાંકી પણ લગાવવામાં આવી છે, જેથી દર્દીને યોગ્ય સારવાર મળી રહે.

DRDOના 10 ડોકટર આવી પહોંચ્યાં, સ્ટાફનું ઓરિએન્ટેશન શરૂ એક તરફ જ્યાં રાત દિવસ હોસ્પિટલનું માળખુ તૈયાર કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ યુનિવર્સિટી કેમ્પસમમાં બેક સ્ટાફ પણ હોસ્પિટલની તૈયારી માટે પરસેવો પાડી રહ્યો છે. કેમ્પસમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલી રહી છે, ઇન્ટરવ્યુ થયેલ મેડિકલ સ્ટાફનો સ્થળ મુલાકાત કરાવીને ઓરિએન્ટેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ખાસ આ હોસ્પિટલ માટે આર્મી, BSF, CISFના તજજ્ઞ ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફ સહિત 150 આરોગ્યકર્મીનો સ્ટાફ ડિફેન્સમાંથી મળવાનો છે, જે પૈકી 10 ડોકટરો આવી પહોચ્યાં છે અને ભરતી થયલે સ્ટાફને તાલિમ આપશે અને અત્યાર સુધી થયેલ કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યુ છે. સમગ્ર હોસ્પિટલના સંચાલન માટે અંદાજે કુલ 600 જેટલા કર્મચારીઓ 3 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે.

24 કલાક પહેલાં મોકડ્રિલ થશે કામ અને વાત ડિફેન્સ ક્ષેત્રની હોય ત્યારે ચોક્કસાઇ અને ખરાઇ એ તેની ખાસિયત છે. જેના કારણે જ 900 બેડ DRDO હોસ્પિટલ સેટઅપ બાદ તેનો ટ્રાયલ પણ લેવામાં આવશે. એટલે કે 24 કલાક પહેલાં હોસ્પિટલમાં લાગેલાં ઉપકરણો અને તમામ સુવિધાની ખરાઇ કરવા માટે મોક ડ્રિલ પણ કરવામાં આવશે. શક્યતાઓ એવી પણ છે કે 23 એપ્રિલે મોકડ્રિલ યોજી દર્દીને એન્ટ્રીથી લઇ બેડ સુધીની કાર્યવાહીની ચકાસણી કરી લેવામાં આવશે. મોક ડ્રિલ અગાઉ તમામ ઉપકરણોનું ટેસ્ટિગની તબકકાવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

હોસ્પિટલ નિર્માણ કાર્ય સંભાળતા DRDOના સિનીયર સાયંટીસ્ટ બિશ્વજત ચૌબેએ દિવ્ય ભાસ્કર સાથે હોસ્પિટલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે માત્ર 10 દિવસમાં આ હોસ્પિટલનું નિર્માણ થયું છે, જે ગુજરાતના કોવિડ દર્દી માટે મહત્વપૂર્ણ બની રહેશે અને કોરોના સામેની લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે હોસ્પિલ તૈયારીમાં મહત્વનો ભાગ ભજવનાર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ પણ માનવહિત કાર્યમાં યુનિવર્સિટી તત્પર છે અને આ હોસ્પિટલ મોટી ઉપલબ્ધિ બની રહેશે તેમ જણાવ્યુ.

કુલ 4 વોર્ડ વિભાજીત હોસ્પિટલ હાલના પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત યુનિવર્સિટીના હોલમાં સદભાવના ઉપવાસ કર્યા હતા, તે સ્થાનને હોસ્પિટલના સ્વરૂપમાં ફેરવી દેવામાં આવ્યું છે, અહીં મહત્તમ દર્દીઓનો સમાવેશ થઇ શકશે. મોટા હોલની સાથે સેન્ટરમાં આવેલા નાના હોલમાં પણ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, કે જ્યાં દર્દીઓને સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

( Source – Divyabhaskar )