વેક્સિન : 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે, કોવિન મારફતે રજિસ્ટ્રેશન કરવુ જરૂરી

વેક્સિન : 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે, કોવિન મારફતે રજિસ્ટ્રેશન કરવુ જરૂરી

આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે, તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી.કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે વેક્સિન બનાવતી કંપનીઓ પોતાના 50 ટકા સપ્લાય કેન્દ્રને આપશે. બાકીનો 50 ટકા સપ્લાય તે રાજ્ય સરકારોને આપી શકશે અથવા તો ખુલ્લા બજારમાં વેચાણ કરી શકશે. વેક્સિનેશન માટે કોવિન મારફતે રજિસ્ટ્રેશન અગાઉથી કરવું જરૂરી રહેશે.

દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક 2.73 લાખ કેસ નોંધાયા બાદ સરકારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં સરકારે ફક્ત ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન કરવાની પરવાનગી આપી હતી. દેશભરમાં 12.38 કરોડ લોકોને વેક્સિનનો પહેલો અથવા બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શક્ય એટલા ઓછામાં ઓછા સમયમાં મહત્તમ સંખ્યામાં ભારતીય નાગરિકોનું વેક્સિનેશન થાય તે માટે સખત પ્રયત્ન કરી રહી છે.

વેક્સિનેશન વિના મૂલ્યે હશે કે ચુકવણી કરવી પડશે
18 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોના વાઈરસની વેક્સિન લગાવવા અંગે સરકારે જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં આ અંગે પ્રોટોકોલ અંગે જાણકારી આપશે. નાગરિકોને વેક્સિનની કિંમત ચુકવવી પડશે કે તે વિના મૂલ્યે હશે તે અંગે સરકાર ટૂંક સમયમાં જાણકારી આપશે. તાજેતરમાં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ એવી માંગ કરી હતી કે કોરોના વેક્સિનની નિયત ઉંમર મર્યાદાને ઘટાડવામાં આવે. આ સંજોગોમાં સરકાર દ્વારા આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મહત્વનો માનવામાં આવે છે. વેક્સિનેશન સેન્ટર પર લોકોએ તેમનું આધાર કાર્ડ લઈને જવાનું રહેશે.

વેક્સિનેશન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી
આ અગાઉ શુક્રવારે 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની માંગ કરતી એક અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ થઈ હતી. વકીલ એમઆર શમશાદે વકીલ રશ્મિ સિંહ તરફથી એક અરજી દાખલ કરી દેશમાં સતત પ્રવૃત્તિશીલ અને યુવાનોને વેક્સિન લગાવવાની માંગ કરી હતી.

કેન્દ્ર માપદંડ નક્કી કરી રાજ્યોને વેક્સિન આપશે
કેન્દ્ર સરકાર વેક્સિનને પોતાના 50 ટકા ક્વોટાથી માપદંડ નક્કી કરશે. સૌથી પહેલા વધારે અસરગ્રસ્ત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેક્સિનનો પુરવઠો જશે. વેક્સિનના બગાડ અંગે રાજ્યોનું નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે. આ માટે તમામ રાજ્યોએ અગાઉથી માહિતી આપવાની રહેશે.

પહેલો ડોઝ લેનારાને વેક્સિન લગાવવામાં પ્રાથમિકતા
વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. વેક્સિનેશનના પ્રથમ ડોઝ લેનારા 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને પણ ડોઝ લેવા માટે અગ્રિમતા મળશે. આ સમગ્ર કામગીરી નિયત રણનીતિ સાથે થશે.

( Source – Divyabhaskar )