‘હું કોરોનાથી તો નહીં જ મરું’ તેવું નક્કી કરી સુરતના 98 વર્ષનાં દાદીએ કોરોનાને હરાવ્યો!

‘હું કોરોનાથી તો નહીં જ મરું’ તેવું નક્કી કરી સુરતના 98 વર્ષનાં દાદીએ કોરોનાને હરાવ્યો!

તેઓ સાંભળી નથી શકતા પણ તેમની વાતો સાંભળવી જોઈએ

‘મેં જીવનની બધી લીલી-સૂકી જોઇ લીધી છે એટલે મોત આવે તો મને વાંધો નથી, પણ મારે કોરોનામાં તો મરવું જ નથી!’ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે સુરતનાં 98 વર્ષનાં શાંતાબેન વ્યાસે પરિવારને આ વાત કરી હતી. તેઓ છેલ્લા 33 વર્ષથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને લોહી પાતળું કરવાની પણ દવા લેતા. તેમને સંભળાતુ પણ નથી. આ સ્થિતિમાં તેઓ એક રૂમમાં આઇસોલેટ થયા ત્યારે પરિવારજનો તેમને બોર્ડ પર મેસેજ લખીને સૂચના આપતા. એ દરેક સૂચનાનું શાંતા બા સારી રીતે પાલન કરતા.

કોમોર્બિડ સ્થિતિ સામે વધારે ઉંમર ચેલેન્જિંગ ટાસ્ક હતું
15 દિવસ પહેલા જ શાંતાબાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એમનાં વહુ હિનાબેન પણ પોઝિટિવ હતા અને તેઓ પણ બાની સાથે જ એક રૂમમાં રહી સાજા થયા. શાંતાબેનનાં પૌત્ર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.કુશ વ્યાસ કહે છે કે, દાદીને તાવ હતો, બોડી પેઇન હતું અને કફ પણ હતો. મમ્મી પોઝિટિવ હતી એટલે તરત જ દાદીનો HRCT અને RTPCR કરાવ્યો. HRCTમાં લંગ ઇન્વોલ્વમેન્ટ ન હતું અને ડી-ડાયમર
પણ વધારે હતું. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર-બધી કોમોર્બિડ સ્થિતિની સાથે તેમની ઉંમર પણ વધુ. અમારા પગ નીચેથી જમીન સરકી ગયેલી.

ઘરે રહીને ટ્રિટમેન્ટ કરવાની જીદ હતી
બીજી તરફ હોસ્પિટલમાં બેડ નહીં. એકબાજુ બેડ શોધવાનું ચાલુ હતું પણ ટ્રીટમેન્ટ ઘરે જ શરૂ કરી. દાદીએ કહી દીધું હતું કે, હું હોસ્પિટલમાં નહીં જાઉં અને કોરોનાથી નહીં જ મરું. હું અને મારી વાઇફ બંને ડોક્ટર હતા એટલે વારાફરથી ઘરે રહીને એમનું ધ્યાન રાખતા. દર ત્રણ કલાકે ઓક્સિજન માપતા. તેમનું ઓક્સિજન ઘટે નહીં માટે યોગ અને હળવી કસરત પણ કરતાં. અને તેઓ હંમેશા કહેતા કે, ‘આ નાના અમથા વાઇરસથી હું હારીશ નહીં, એને હરાવીશ.’ અને એ તેમણે કરી બતાવ્યું. જો મન મક્કમ હોય, તો કોરોના સામેનો અડધો જંગ જીતી ગયા બરાબર છે.

( Source – Divyabhaskar )