કોરોના મુદ્દે થયેલી સુઓમોટોની સુનાવણી : હાઈકોર્ટે કહ્યું, ‘સરકાર સાચા આંકડા બોલો… શરમાશો નહીં; દરેક જિલ્લામાં RT-PCR ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવે’

કોરોના મુદ્દે થયેલી સુઓમોટોની સુનાવણી : હાઈકોર્ટે કહ્યું, ‘સરકાર સાચા આંકડા બોલો… શરમાશો નહીં; દરેક જિલ્લામાં RT-PCR ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવે’

સરકાર સાચી વિગતો જાહેર કરશે તો લોકોનો વિશ્વાસ પાછો મેળવશે

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઈને સુઓમોટો અરજી પણ સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે કેસ તથા સારવાર સબંધિત તમામ વિગતો જાહેર કરવાનો સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે કેસના સાચા આંકડા જાહેર કરતા સરકારે શરમાવવું જોઈએ નહીં. હાઇકોર્ટે દરેક જિલ્લાની હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની રિયલ ટાઇમ વિગતો ઑનલાઇન પોર્ટલ મારફતે જાહેર કરવા જણાવ્યું હતું. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચે મહામારીની સ્થિતિને લઈને વિગતો પ્રામાણિકતાથી તથા પારદર્શિતાપૂર્વક લોકો સમક્ષ મૂકવા જણાવ્યું હતું. બેન્ચે જણાવ્યું હતું કે સરકાર સાચા આંકડા જાહેર કરશે તો અન્ય લોકોને ખોટી માહિતી ફેલાવીને લોકોને ભયભીત કરવાની તક મળશે નહીં.

કોરોનાની સ્થિતિને લઈને હાઇકોર્ટના રાજ્ય સરકારને મહત્ત્વના નિર્દેશો

1. સરકાર RT-PCR ટેસ્ટ માટે એ દરેક શહેરો, તાલુકા તથા આદિવાસી વિસ્તારોમાં લેબોરેટરી સ્થાપે જ્યાં અત્યાર સુધી નથી. આ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપનો વિકલ્પ પણ ચકાસી શકાય છે.

2. સેમ્પલ કલેક્શનનો સમય અને રિઝલ્ટનો સમય ઘટાડવા માટે RT-PCR ટેસ્ટિંગની ક્ષમતામાં વધારો કરવામાં આવે.

3. RT-PCR ટેસ્ટની સંખ્યા અને પોઝિિટવ રિઝલ્ટના સાચા આંકડા સરકાર જાહેર કરે. જો સાચા આંકડા જાહેર ન થતા હોય તો સરકારે શરમાવવાની જરૂર નથી, સાચા આંકડા બહાર પાડે.

4. કોરોના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન જીવનરક્ષક ન હોય તો સરકારે નિષ્ણાતોની મદદથી આ બાબત અખબારો તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવી જોઈએ.

5. જિલ્લાની હોસ્પિટલોમાં વિવિધ શ્રેણીના કોવિડ પેશન્ટની ખાલી પથારીઓ અને ભરાયેલી પથારીઓની વિગતો ઑનલાઇન પોર્ટલ દ્વારા આપવી જોઈએ. આ વિગતો દિવસમાં બે વખત અપલોડને બદલે રીઅલ ટાઇમ દર્શાવવી જોઈએ.

6. ઓક્સિજનની ઉપલબ્ધતા અને ડિમાન્ડ અંગે સરકાર કોર્ટને માહિતગાર કરે.

7. અમે જાણીએ છીએ કે કોરોનાના કેસમાં વધારા માટે સરકાર જવાબદાર નથી પણ સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે સરકાર જે આંકડા આપે છે એ સાચા નથી. તેથી સરકારે પોઝિટિવ કેસના સાચા આંકડા જાહેર કરીને લોકોની આ માન્યતા દૂર કરવી જોઈએ.

8. સાથે જ કોરોનાથી થતાં મોત તથા કોરોના અને કોમોર્બિડીટીથી થતા મોતના સાચા આંકડા પણ જાહેર કરવામાં આવે.

9. કોરોનાની સારવાર માટેની દવાઓ, સુવિધાઓનો લાભ લેવાની વ્યવસ્થા તથા ઉપલબ્ધતા અંગે સરકારે નિષ્પક્ષ અને પારદર્શક ઢબે વિગતો જાહેર કરવી જોઈએ.

10. જો કોઈ દવા કે સુવિધા ઉપલબ્ધ ન હોય તો સરકારે જાહેરમાં તેનો સ્વીકાર કરીને તંગી દૂર કરવાના પગલાં તત્કાળ લેવા જોઈએ.

11. સરકારે પ્રામાણિકતાથી અને પારદર્શકતાથી નાગરિકોને તમામ વિગતો જાહેર કરવી જોઈએ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતગાર કરવા જોઈએ. વાસ્તવિક સ્થિતિ છુપાવીને સરકારને કશું જ મળવાનું નથી.

12. સરકાર પ્રામાણિકતાથી વિગતો જાહેર કરશે તો જાહેર જનતાની સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવશે તથા લોકો ગંભીરતાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે.

13. સરકાર લોકોને વિશ્વાસમાં લેશે તો લોકો ચોક્કસપણે સહકાર આપશે, સરકારના પગલાંની સરાહના કરશે.

( Source – Divyabhaskar )