આપણે જ આપણા રક્ષક : કોરોનાને રોકવા હવે જનતા મેદાને, ઠેર-ઠેર સ્વૈચ્છિક લોકડાઉન

આપણે જ આપણા રક્ષક : કોરોનાને રોકવા હવે જનતા મેદાને, ઠેર-ઠેર સ્વૈચ્છિક લોકડાઉન

ઘાતક બનેલા કોરોના સંક્રમણને ડામવા સુરત અને તાપી જિલ્લાના અનેક સ્થળે સ્વયંભૂ બંધ

સુરત જિલ્લામાં કોરોના ઘાતક બની હાહાકાર મચાવી રહ્યો છે. રોજે રોજ સંક્રમિતોની સંખ્યા વધી છે. ઉપરાંત તાપી જિલ્લામાં પણ અત્યાર સુધી શાંત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને અટકાવવા માટે હવે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવે તેની રાહ જોયા વગર જનતા અને સ્થાનિક તંત્ર જ લોકડાઉન જાહેર કરી રહ્યું છે. જેને લઇ સુરત અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાંચથી લઇ પંદર દિવસ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

લોકો સ્વયંભૂ બંધને પાણી કોરોનાને નાથવામાં પોતપોતાનો સહકાર અપી રહ્યા છે. અને વેપારી મંડળો પણ પોતાનો ધંધો-રોજગાર મર્યાદિત સમય માટે જ ચાલુ રાખી સર્તકતા દાખવી રહ્યા છે. ત્યારે આ લોકજાગૃતી જ આ કપરા સમયમાંથી આપણને બહાર લાવશે તેવી આશા બંધાઇ છે.

બારડોલી નગર સતત બીજા દિવસે સંપૂર્ણપણે બંધ રહ્યું
બારડોલી નગરમાં મંગળવારથી 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર થયું હતું. જેમાં સતત બીજા દિવસે સફળ રીતે બંધ પાળી કોરોના મહામારીથી બચવા ચેઇન તોડવાનો સરાહનીય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે પહેલા દિવસે નગરજનોને પડેલી શાકભાજીની અછતને ધ્યાનમાં રાખી પાલિકાએ લારીવાળાઓને સોસાયટીઓમાં ફરવા માટે તેમજ 4 સ્થળે શાકભાજી વેચાણ માટે થોડા સમય માટે છૂટ આપી હતી. જેથી કરી નગરજનોને રાહત મળી હતી. નગરમાં આવશ્યક સેવાની સુવિધા માટે છૂટ હોય, આવા દુકાનદારોને ત્યાં આરોગ્યની ટીમ પહોંચી 150 જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નગરના વિવિધ સંગઠનોની માંગણી આધારે 7 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનમાં સતત બીજા દિવસે નગરજનોએ સહકાર આપી સંપૂર્ણ બજાર બંધ રાખ્યું છે. આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. બુધવારે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પર આરોગ્ય વિભાગને મોકલી દુકાનદારોને ત્યાં ટીમ પહોંચી 150 રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, મંગળવારે શાકભાજીનું વેચાણ નહિ કરતા, નગરજનોને હાલાકી વેઠવી પડી હતી. જેથી પાલિકાએ બુધવારે લીનીયર બસસ્ટેન્ડ, ગાંધીરોડ, નગર ભાજપ કાર્યાલયની બાજુમાં, શિશુમંદિર શાળા પાસે શાકભાજી વેચાણ માટે થોડા સમય છૂટ અપાઇ હતી, સાથે લારીવાળાઓને સોસાયટીઓમાં ફરવાની છૂટ આપવાથી શાકભાજીની તકલીફનો બીજા દિવસે અંત આવ્યો હતો.

કોરોનાને રોકવા મહુવા તાલુકાના બજારો 4 દિવસ માટે બંધ
સુરત જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહુવા તાલુકામાં પણ કોરોનાની સંખ્યામાં વધારો જોવા મળતા તંત્ર દ્વારા મહુવા સહિત તાલુકાનાં ત્રણ ગામોમાં બજાર બંધ રાખવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી છે. મહુવા તાલુકાનાં મહુવા ઉપરાંત વલવાડા, કરચેલીયા તેમજ અનાવલ ગામના બજારો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને 15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી વેપારીઓ બજાર બંધ રાખી સહકાર આપે તેવી જાહેરનામું બહાર પાડી અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ તારીખ દરમિયાન તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નીકળવું નહિ તેમજ કોઈપણ જાહેરમાર્ગ, રાહદારી રસ્તાઓ, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવા અને વાહનો લઈ અવરજવર નહિ કરવા જણાવાયું છે. તો શાકભાજીની વિતરણની વ્યવસ્થા ગ્રામપંચાયતે કરવા જણાવ્યુ છે.

આજથી વ્યારા નગરમાં 7 દિવસનું લોકડાઉન શરૂ
વધતા સંક્રમણને અટકાવવા આજથી તાપી જિલ્લાના વ્યારા નગરમાં 7 દિવસનું લોકડાઉન શરૂ થશે. જે દરમિયાન નગરમાં દૂધ તથા દવાની દુકાનો ખુલ્લી રહેશે. શાકભાજી તથા ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. હોટલો પણ સંપુર્ણ બંધ રહેશે. આ સુચનાનો ચુસ્ત અમલ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, નહીં તો દંડનીય પગલા લેવામાં આવશે. જોકે, બીજી તરફ લોકડાઉન જાહેર થતાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

( Source – Divyabhaskar )