હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન નહિ મળે

હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન નહિ મળે

 હોસ્પિટલોમાં બેડ ખાલી નથી ત્યારે દર્દીઓની કફોડી સ્થિતિ

સાત દિવસના ગાળામાં કોરોના પોઝિટિવ થયાનું પ્રમાણપત્ર, હોસ્પિટલનું એડમિશન અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ રેમડેસિવિર મળશે

અમદાવાદ : હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન નહિ મળે તેવી વાત વહેતી થઈ હોવાથી હોમ ક્વોરન્ટાઈન થઈને ડૉક્ટર્સની સારવાર લેતા દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં જગ્યા ન મળતી હોવાથી અને ઘરમાં સ્વજનોની વચ્ચે રહીને સારવા લેનારાઓનો કોન્ફિડન્સ જળવાઈ રહેતો હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ કોરોના પોઝિટીવ થયા બાદ હોમ ક્વોરન્ટાઈન થઈને ઘરમાં રહીને જ કન્સલ્ટિંગ ડૉક્ટર્સને વિઝીટ પર બોલાવીને સારવાર લેવાનું પસંદ કરતાં દર્દીઓ પરેશાન થઈ ગયા છે. 

ખુદ ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના ૧૦મી એપ્રિલના પત્રમાં જણઆવવામાં આવ્યું છ ેકે જેમને રેમડેસિવિરના ૧૦૦ એમ.જી.ના ઇન્જેક્શનની જરૂર હોય તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના કેસની વિગત, ડૉક્ટરનું પ્રીસ્ક્રિપ્શન, તેમ જ કેસની હિસ્ટ્રી ઉપરાંત દર્દીનો આધારકાર્ડ, આર.ટી.પી.સી.આર. ટેસ્ટની નકલ રજૂ કરવી પડશે. આ દર્દીઓને જ, પછી ભલે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોય તો પણ તેમને સરકારની ખરીદ કિંમતે જ રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવશે. દર્દીઓ પાસે વધારાના કોઈ ચાર્જ વસૂલી શકાશે નહિ.

સરકારે ડેઝિગ્નેટ કરેલી ખાનગી હોસ્પિટલ્સને પણ સરકારની પડતર કિંમતે જ રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના સ્ટોક અને વહેંચણીની વિગતો તથા દર્દીઆના રૅકાર્ડ સંબંધિત વિગતો સાથે અલગ રજિસ્ટર જાળવવું પડશે. કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલમાંથી રેમડસિવિર ઇન્જેક્શનની ફાળવણી તથા સપ્લાય ચેઈનની જાળવણીની કામગીરી કોર્પોરેશનના આરોગ્ય વિભાગની જ રહેશે. 

ગુજરાત સરકારે નિયમ કર્યો છે કે હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીને હોસ્પિટલના ડૉક્ટર્સના પ્રીસ્ક્રિપ્શન પર અને આધારકાર્ડની કોપી લઈને જ ઇન્જક્શનનો સપ્લાય આપવામાં આવશે.

ઝાયડસ હોસપિટલે સાત દિવસથી વધુ જૂનું આરટી-પીસીઆર ટેસ્ટનું સર્ટિફિકેટ ન ચલાવવાનો નિર્ણય કર્યો છે. સરકારના અને કંપનીઓના આ નિર્ણયને પરિણામે હોમ ક્વોરન્ટાઈન થઈને સારવાર લેતા દર્દીઓની પરેશાની વધી રહી છે. તેમને રેમડેસિવિરના ઇન્જેક્શન મળતા જ નથી.

હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દી તેમને હોસ્પિટલમાં જવાનો ખર્ચ ન પરવડતો હોવાથી તથા સ્વજનોની વચ્ચે જ રહીને સારવાર લેવાથી તેમનો કોન્ફિડન્સ જળવાઈ રહેતો હોવાથી તેઓ ઘરે રહીને સારવાર લેવાનું પસંદ કરે છે. તેઓ ઘરે રહીને સારવાર લે છે, પરંતુ તેમની સારવાર કરનાર ડૉક્ટર્સ જ તેમને રેમડેસિવિરનું ઇન્જેક્શન કે ટોસિલીઝુમેબનું ઇન્જેક્શન આપવું તે અંગેનો નિર્ણય લે છે.

આ નિર્ણય દર્દીનો પોતાનો હોતો જ નથી.  દર્દીની મરજીથી ઇન્જેક્શન આપવામાં આવતા જ નથી. દર્દીની સારવાર કરતાં ડૉક્ટર્સ જ રેમેડેસિવિરના કે પછી ટોસિલીઝુમેબના ઇન્જેક્શન લાવી આપવાની સૂચના આપે છે. આ ઇન્જેક્શન દર્દીને ન મળે તો દર્દીનો જીવ જવાની શક્યતા રહેલી છે.

આ સંજોગોમાં સરકાર માત્ર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓને જ રેમડેસિવિરના કે ટોસિલીઝુમેબના ઇન્જેક્શનનો પુરવઠો આપે તે ઉચિત નથી. ઓપન માર્કેટમાં પણ તે ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા જરૂરી છે. ઘરે રહીને સારવાર લેતા દર્દીઓમાં હોસ્પિટલની તુલનાએ મૃત્યુનો દર નીચો હોવાનું ડૉક્ટર્સ પણ સ્વીકારે છે. સરકાર હોમ ક્વોરન્ટાઈન થઈને સારવાર લેતા દર્દીઓને  નિયમના ઓઠાં હેઠળ ઇન્જેક્શન ન મળવા દે તો તેમના મૃત્યુ થવાના કિસ્સાઓ પણ વધતા જશે.

હોમક્વોરન્ટાઈન દર્દીઓને રેમડેસિવિર આપવા અંગે સરકાર નિર્ણય લેશે : નીતિન પટેલ

હોમક્વોરન્ટાઈન થઈને કન્સલ્ટિંગ અને વિઝીટિંગ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ સારવાર લેતા દર્દીઓને પણ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબના ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો સરકાર નિર્ણય લેશે તેવી બાંયધરી આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આપી હતી.

( Source – Gujarat Samachar )