AMC દ્વારા GMDC ગ્રાઉન્ડમાં 800 રૂપિયામાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરાશે, કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે,

AMC દ્વારા GMDC ગ્રાઉન્ડમાં 800 રૂપિયામાં ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરાશે, કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે,

  • મોબાઈલથી QR કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે
  • દેશમાં પ્રથમવાર AMCએ PPP ધોરણે શરૂ કરેલી પહેલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના ઉપક્રમે દેશમાં પહેલીવાર બુધવારથી જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ કરવાની શરૂઆત કરાશે. આ સેન્ટરની વિશેષતા એ રહેશે કે અહીં ટેસ્ટિંગ માટે ડ્રાઈવ થ્રુ RTPCR એટલે કે તપાસ માટે આવતી વ્યક્તિએ પોતાના વાહનમાંથી પણ બહાર આવવાની જરૂર રહેશે નહીં. ગાડીમાં બેઠાં-બેઠાં વ્યક્તિનું ટેસ્ટિંગ થઈ શકશે. ટેસ્ટિંગ કરાવવા અહીં કોઈ એડવાન્સ એપોઈન્મેન્ટની જરૂર રહેશે નહીં.

DRDOના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંક સમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC ગ્રાઉન્ડમાં આવતીકાલથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે અને 24થી 36 કલાકમાં વોટ્સએપ કે મેઈલ પર રિપોર્ટ આપવામા આવશે. મોબાઈલથી qr કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે.

ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ અંગે એ બધું જે તમે જાણવા માંગો છો

  • આ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટનો સેમ્પલ આપવા માટેનો સમય દરરોજ સવારે 8.00 વાગ્યાથી રાતના 8.00 વાગ્યા સુધીનો રહેશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો તેમના મોબાઈલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરાવી શકશે. એકવાર તમારી નોંધણી થઈ જાય એટલે તેનો ટોકન જનરેટ થશે, જે કલેક્શન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.
  • ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ માટે 5 કલેક્શન સ્ટેશનો તૈયાર કરવામાં આવેલ છે જ્યાં લોકો તેઓના RTPCR ટેસ્ટના સેમ્પલ તેઓની કારમાં બેઠા બેઠા જ આરામથી મિનિટોમાં આપી શકશે.
  • ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાક પછી વોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.
  • ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં ‌આવ્યા મુજબ આ પરિક્ષણનો ખર્ચ રૂપિયા 800 રહેશે. ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણ અંગેના નાણાની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકશે.
  • ટેસ્ટ માટે આવતી વ્યક્તિઓ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી આવશ્યક નથી, ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ માટે પ્રાઈવેટ કેબથી પણ આવી શકાય છે.
  • આ અનોખી પહેલથી ઝડપી સેવા અને સગવડ મેળવનારા શારિરીક રીતે વિકલાંગ, વૃદ્ધ અને માંદા દર્દીઓ લેબોરેટરીમાં લાઈનમાં રાહ જોયા વિના ઝડપથી ટેસ્ટના નમૂના આપી શકશે. જેનાથી લેબોરેટરીમાં એસિમ્પટોમેટિક દર્દીઓ દ્વારા ચેપ ફેલોતો પણ અટકાવાશે.

RT PCR ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રખાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આ પહેલથી ટેસ્ટ માટે દિવ્યાંગો, વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને લેબમાં રાહ નહીં જોવી પડે.મોબાઈલથી QR કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી શકાશે. ટેસ્ટ માટેના નાણાંની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકાશે. આ માટે પાંચ કલેક્શન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ટેસ્ટ કરાવી શકાશે. ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રાખવામાં આવ્યો છે.

GMDC કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ ઉભી કરાશે

જેમની પાસે કાર નથી તે લોકો પ્રાઈવેટ કેબમાં પણ જઈ શકશે
​​​​​​​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બુધવારથી ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ શરૂ થશે. આ માટે 5 સેમ્પલ કલેક્શન સ્ટેશન તૈયાર કરાયા છે. જેમની પાસે કાર નહીં હોય તે લોકો પ્રાઈવેટ કેબમાં જઈને પણ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ કરાવી શકશે.

GMDCમાં ઑક્સિજન સાથે 900 બેડની હોસ્પિટલ ઊભી કરાશે
ભારત સરકારના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંક સમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એપ્રિલ મહિનાના 10 જ દિવસમાં 3.50 લાખ રેમડેસિવીર ઇન્જેકશન સરકારી-ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યા હાવોનું રૂપાણીએ કહ્યું હતું.

મ્યુનિસિપલ ક્વોટાના 20 ટકા બેડ રિઝર્વ રાખવા પડશે
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દર્દીઓને સારવાર માટે બેડ મેળવવા માટે પણ મોટી હાલાંકીનો ભોગ બનવું પડે છે. શહેરમાં ક્યાંક એમ્બ્યુલન્સ વેઈટીંગ, ક્યાંક સારવારમાં વેઈટીંગ, ક્યાંક દવામાં વેઈટીંગ તો ક્યાંક મૃતદેહ લેવામાં અને ત્યાર પછી અંતિમવિધિ માટે સ્મશાનમાં વેઈટીંગ છે. આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકમારે આદેશ કર્યો છે કે કોવિડ-19ની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં કોર્પોરેશનના ક્વોટાના 20 ટકા બેડ રિઝર્વ રાખવા પડશે.

લોકોને ઝડપથી ટેસ્ટનો રીપોર્ટ પણ વોટ્સએપ કે ઈમેલના માધ્યમથી મળી જશે

4 દિવસમાં રોજના કેસ બમણા થયા
શહેરમાં કોરોનાના કેસ રોજે રોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. 12 મી એપ્રિલે અમદાવાદમાં 1907 કેસ નોંધાયા છે. એક અંદાજ મુજબ શહેરમાં દર બે મિનિટે 3 નાગરિકો પોઝિટિવ આવ્યા છે. અગાઉ 15 દિવસે કેસ ડબલ થતાં જેની સામે હવે 4 દિવસમાં જ કેસ બમણા થઈ રહ્યા છે. જ્યારે 20 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજ્યાં છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 624 બેડ ખાલી છે. તેમાંય વેન્ટિલેટરના તો માત્ર 22 જ બેડ ખાલી છે. શહેરમાં કોર્પોરેશનના ચોપડે એક્ટિવ કેસનો આંકડો 5705 પર પહોંચ્યો છે. જ્યારે અનેક દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

( Source – Divyabhaskar )