ભારે અછત સર્જાતાં રેમડેસિવિરની નિકાસ પર અનિશ્ચિતકાલીન રોક

ભારે અછત સર્જાતાં રેમડેસિવિરની નિકાસ પર અનિશ્ચિતકાલીન રોક

ભારતમાં સાત કંપનીઓ મહિને 38.80 લાખ દવાનું ઉત્પાદન કરે છે

ઉત્પાદન કરતી કંપનીઓએ વેબસાઈટ પર ઉપલબ્ધ જથ્થાની વિગત દર્શાવવી પડશે

નવી દિલ્હી : એન્ટિ-વાઈરલ (વાઈરસ વિરોધી) દવા રેમડેસિવિરની નિકાસ પર કેન્દ્ર સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. આ દવા કોરોના સામે કારગત ગણાય છે. માટે તેની ડિમાન્ડ વધી રહી છે. એમાં વળી ગુજરાતમાં રેમડેસિવિરના ઈન્જેક્શન પુરા પાડવા અંગે મોટું રાજકારણ શરૂ થયું છે. એટલે રેમડેસિવિઅરના જથ્થાનો વિવાદ વધારે ઘેરો બને એ પહેલા કેન્દ્ર સરકારે નિકાસ અટકાવી દીધી છે. જેનાથી તેનો જથ્થો ભારતમાં જરૂર પ્રમાણે વાપરી શકાશે.

રેમડેસિવિર અને તેના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિઅન્ટ્સ (એપીઆઈ) એટલે કે દવા સર્જન માટે જરૂરી મહત્ત્વના તત્ત્વોની નિકાસ પર પણ પ્રતિબંધ મુકાયો છે. જેથી ભારતમાં જે દવા ઉત્પાદિત થશે એ ભારતમાં જ રહેશે અને જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહેશે. આ દવા ભારતમાં જે દવા કંપનીઓ ઉત્પાદિત કરે છે, એ સૌ કોઈએ તેના જથ્થાની વિગતો વેબસાઈટ પર દર્શાવી પડશે.

કંપનીઓએ આ દવાનો સ્ટોક કેટલો છે અને ક્યા સ્ટોકિસ્ટ-ડિસ્ટ્રીબ્યુટર પાસે છે એ પણ સ્પષ્ટ કરવું પડશે. કોરોનાના કેસમાં જે દર્દીનું ઓક્સિજન લેવલ ઘણું ઘટી ગયું હોય તેને રેમડેસિવિરનું ઈન્જેક્શન આપવાની ડોક્ટરો સલાહ આપતા હોય છે. એટલે તેની ડિમાન્ડ વધી હતી. એ વધેલી ડિમાન્ડ સામે દવાની કાળાબજારી તથા ગેરકાયદેસર વેચાણના કિસ્સા પણ સામે આવ્યા છે.

પુના ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની આ દવાના ગેરકાયદેસર વેચાણ બદલ ધરપકડ કરી હતી. આ દવા અમેરિકાની ગ્લિએડ સાયન્સ કંપનીએ વિકસાવી છે. તેણે ભારતમાં સાત કંપનીઓને રેમડેસિવિરના ઈન્જેક્શન ઉત્પાદિત કરવાનું લાઈસન્સ આપ્યું છે. સાતેય કંપનીઓ મળીને મહિને 38.80 લાખ ડોઝ-ઈન્જેક્શન ઉત્પાદિત કરી શકે છે. 

વડોદરાની ત્રણ કંપનીઓ પાસે રોજના10000 ઈન્જેક્શન બનાવવાની ક્ષમતા

સરકાર ઈચ્છે તો કંપનીઓને ઘરઆંગણે વપરાશ માટેનુ લાયસન્સ આપીને ઈન્જેક્શનની અછત હળવી કરી શકે છે 

વડોદરા : સરકારે રેમડેસિવિર  ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. જેના પગલે વડોદરામાં આવેલી 3 કંપનીઓ હવે આ ઈન્જેક્શનની નિકાસ અન્ય દેશોમાં નહીં કરી શકે. 

ગુજરાતમાં વડોદરા, વાપી, દમણની કેટલીક કંપનીઓ એવી છે જે આ ઈન્જેક્શનનુ પ્રોડક્શન તો કરે છે પણ તેમને માત્ર નિકાસ માટેનુ લાઈસન્સ મળેલુ છે. આ કંપનીઓ રોજના હજારો ઈન્જેક્શનનુ પ્રોડક્શન કરે છે.

વડોદરામાં આવી ત્રણ કંપનીઓ છે અને હાલમાં જે રો મટિરિયલનો સપ્લાય છે તેના આધારે તેમની ક્ષમતા રોજના10000 ઈન્જેક્શન બનાવવાની છે. પણ જો રો મટિરિયલનો સપ્લાય વધે તો આ ક્ષમતા વધારીને 20000 પણ કરી શકાય તેમ છે. સરકાર ઈચ્છે તો હવે આ ઈન્જેક્શનનુ પ્રોડક્શન ગુજરાત માટે પણ થઈ શકે છે.એમ પણ આ કંપનીઓએ ઘરઆંગણે ઈન્જેક્શનના ઉપયોગ માટે લાઈસન્સ માંગેલુ જ છે. 

( Source – Gujarat Samachar )