કલેક્ટરે બપોરે કહ્યું, ‘રેમડેસિવીર લેવા દર્દીના સગા જાતે ન જાય, હોસ્પિટલની જવાબદારી’, પણ સિવિલમાં વહેલી સવારથી જ દર્દીઓના સગાની ઇન્જેક્શન લેવા લાઇનો

કલેક્ટરે બપોરે કહ્યું, ‘રેમડેસિવીર લેવા દર્દીના સગા જાતે ન જાય, હોસ્પિટલની જવાબદારી’, પણ સિવિલમાં વહેલી સવારથી જ દર્દીઓના સગાની ઇન્જેક્શન લેવા લાઇનો

તંત્ર અને ખાનગી હોસ્પિટલ વચ્ચે સંકલનના અભાવે દર્દીઓના સગાને પીસાવાનો વારો આવ્યો

સુરત શહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓના સગાને ઇન્જેક્શન લઇ આ‌વા માટે સૂચના આપે છે. જેને પગલે સ્વજનો પોતાના સગાને બચાવવા ગુરુવારે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં લાઇનોમાં ઉભા રહ્યા હતા. કલાકો સુધી લાઇનો લાગી હતી.

તંત્ર અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ
ત્યારબાદ બપોરે કલેક્ટર ધવલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, ખાનગી હોસ્પિટલોએ જાતે ઇન્જેક્શન મેનેજ કરવાના હોય છે અને એટલા માટે જ સિવિલ હોસ્પિટલ અને સ્મિમેરમાં ખાનગી હોસ્પિટલના ક્વોટા હેઠળના ઇન્જેક્શનો ફાળવી દેવામાં આવ્યા છે. જોકે તંત્ર અને ખાનગી હોસ્પિટલ વચ્ચે સંકલનના અભાવે દર્દીઓના સગાને પીસાવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સુરતને માત્ર 6 હજાર જેટલા જ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો આપ્યો છે. તેની તુલનામાં અમદાવાદને ત્રણ ગણા વધારે ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે.

સુરતમાં સિવિલની ઓપીડી બંધ કરવામાં આવી
સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલું મહત્વનું શહેર છે. સોનગઢ, વ્યારા, વાલોડ, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ચીખલીના લોકો નોકરી, ખરીદી કે ધંધા માટે સુરત અવરજવર કરતાં હોય છે. તેમને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, હાલમાં અગત્યના કામ સિવાય સુરત આવવું હિતાવહ નથી. અગત્યનું કામ પણ ઇમરજન્સી એટલે કે સારવારનું જ હોય તો આવવું.

ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે
સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ-19 સિવાયની તમામ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત ઇમરજન્સી હોય તેવા દર્દીઓની જ તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે છે. રાજ્ય સરકારે પણ સિવિલમાં કોવિડ સિવાયની તમામ ઓપીડી બંધ કરવાનો મેસેજ સતાધીશોને મોકલી આપ્યો છે. જો તમારા સંબંધી, મિત્રો કે પડોશીઓ અજાણ હોય તો તેમને આ માહિતી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે.

( Source – Divyabhaskar )