સ્ટેડિયમનું નામ બદલાયું, ગાંધી આશ્રમનું નામ પણ બદલાઇ શકે : ટિકૈત

સ્ટેડિયમનું નામ બદલાયું, ગાંધી આશ્રમનું નામ પણ બદલાઇ શકે : ટિકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગાંધીઆશ્રમની મુલાકાત લીધીં 

ગુજરાતમાં ખેડૂતોના મનમાંથી સરકારનો ડર દૂર કરીશું દિલ્હીની જેમ ગાંધીનગરને પણ ઘેરીશું : ટિકેતની ચિમકી

અમદાવાદ : ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલાં ખેડૂત નેતા રાકેશ ટિકેતે ગાંધીઆશ્રમની મુલાકાત લઇને મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરી શ્રધૃધાજંલિ અર્પી હતી . મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ કરી દેવાતાં રાકેશ ટિકેતે એવો ટોણો માર્યો કે, સ્ટેડિયમનુ નામ તો બદલાઇ ગયું. હવે ગાંધીઆશ્રમનું નામેય બદલાઇ શકે છે.

ગાંધીઆશ્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં ખેડૂત નેતા રાકેશ ટિકેતે ગુજરાત સરકાર પર આરોપ મૂક્યો કે, ગુજરાતમાં દહેશતનો માહોલ છે એટલે જ ખેડૂતોના મનમાં સરકારનો ડર દૂર કરવા આવ્યો છું. છેલ્લા ચારેક મહિનાથી દિલ્હીમાં શાંતપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યુ છે. હવે આખાયે દેશમાં આંદોલન કરીશું. ખેડૂતોની લડાઇ લડીશું. 

ગુજરાતમાં ખેડૂતો ખુશ છે અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહ્યાં છે તેવા સવાલના જવાબમાં ટિકેતે કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતો અનેક પ્રશ્નોથી પિડીત છે. ખેડૂતો ખુશ છે તેવુ બળજબરીપૂર્વક બોલાવવામાં આવે છે.

શું ત્રણ રૂપિયે કિલો બટાટા વેચાય એમાં ખેડૂત ખૂશ હોય ખરો…ત્રણ રૂપિયામાં છાણે ય આવતું નથી. ગુજરાતમાં શું ચાંદીનો રૂપિયો ચાલે છે.ખેડૂતોને ખુબ જ લાભ થયો છે એવુ કહેવાય છે ત્યારે અમને ય એ ફોર્મ્યુલા દેખાડો તો ખરાં.

હકીકતમાં ગુજરાતમાં ખેડૂતો પોતાનો અવાજ પણ રજૂ કરી શકતાં નથી.ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીનો છિનવાઇ રહી છે તેમાં આંદોલન કરીશું. ટિકેતે એવી પણ ચિમકી ઉચ્ચારી કે, જેમ ખેડૂતોએ દેશની રાજધાની દિલ્હીને ઘેરી રાખી છે તેમ હવે ગાંધીનગરને પણ ઘેરીશુ.બેરિકેટ તોડીશું. આંદોલન કરીશું તો જ ગુજરાતના ખેડૂતો જાગૃત થશે.

ટિકેતે એવો ય ટોણો માર્યો કે, સરદાર પટેલ સ્ટેડિયમનુ નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયુ છે ત્યારે ભવિષ્યમાં ગાંધીઆશ્રમનું ય નામ બદલાઇ શકે છે.તેમણે એવો ય કટાક્ષ કર્યો કે, જયાં ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો પણ જયાં આદોલન ચાલુ હોય ત્યાં કોરોના આવે છે. આવું કેવી રીતે… અમે કોરોનાથી ડરતા નથી.જયાં સુધી કૃષિ કાયદા રદ નહી થાય ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે.

રાકેશ ટિકેતે કરમસદ ઉપરાંત બારડોલીની ય મુલાકાત લીધી હતી. બારડોલીમાં ટિકેતે ખેડૂતોની મહાપંચાયતને સંબોધન કર્યુ હતું અને ગુજરાતમાં ખેડૂતોને આંદોલન કરવા આહવાન કર્યુ હતું.

( Source – Gujarat Samachar )