કોરોના : ડિપ્રેશનના કેસ વધ્યા, 104ને ફોન કરી લોકોએ કહ્યું, ‘કોરોના તો કાયમ રહેવાનો છે, હવે મોક્ષ અપાવો’

કોરોના : ડિપ્રેશનના કેસ વધ્યા, 104ને ફોન કરી લોકોએ કહ્યું, ‘કોરોના તો કાયમ રહેવાનો છે, હવે મોક્ષ અપાવો’

ડરના માર્યા લોકોને સલાહ આપવા હેલ્પલાઈને 4 મનોચિકિત્સક મૂકવા પડ્યા

માર્ચથી અમદાવાદ સહિત રાજ્યરભમાં કોરોનાના કેસમાં રીતસર વિસ્ફોટ થતાં તેની માનસિક અસરો પણ પડી છે. 104 હેલ્પલાઇનમાં અનેક લોકોએ કોરોનાના ડરના ડિપ્રેશનમાં આવી ગયા હોવાના ફોન કરીને મદદ માગી હતી. કેટલાક કોલરે આ કોરોના તો કાયમ રહેવાનો છે, હવે મોક્ષ અપાવો તેવી મદદ માગી હતી. હેલ્પલાઇનમાં છેલ્લા 2 મહિનામાં કોરોનાને લીધે ડિપ્રેશનના કેસ વધી ગયા છે. જેના કારણે હેલ્પલાઇનના 4 મનોચિકિત્સક દ્વારા સતત કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

માનસિક તાણને લીધે સ્કીઝોફેનિયા-ડિપ્રેશનના કેસ વધ્યા
હેલ્પલાઇનના ડેટા મુજબ કોરોનાથી લોકોમાં ડિપ્રેશન અને સ્કીઝોફેનિયા જેવા માનિસક રોગથી પીડાઈ રહ્યા છે. માર્ચમાં 104 હેલ્પલાઇનમાં 7 સ્કીઝોફેનિયાના રોગી વધ્યા છે. જયારે ડિપ્રેશનના ડબલ થઇ ગયા છે. જાન્યુઆરીમાં ડીપ્રેશનને લગતા કોઇ ફોન કોલ રેકોર્ડમાં નોંધાયા નથી. ફરીથી કોરોના વધતા લોકોમાં ધંધા-રોજગારીને લઇને ડર શરૂ થયો છે.ડીપ્રેશન પણ વધ્યું છે. માર્ચમાં 10 કેસ આવ્યા હતા.

શેરબજારમાં નુકસાન જતાં મરી જવાનો વિચાર આવ્યો
માર્ચમાં શેરબજારમાં નુકસાન થવાથી મરી જવાના વિચારો આવતા હોવાથી લોકોએ હેલ્પલાઇનની મદદ માગી હતી. કોરોનાને લીધે ધંધો બંધ થવાને કારણે આર્થિક સમસ્યા મામલે પણ મદદ માગતા કોલ આવ્યા હતા.

ફોબિયા અને એન્ઝાઈટીના કેસોમાં પણ વધારો થયો
કોરોનામાંથી દુનિયા આખી પસાર થઇ રહી છે. અનેક લોકો તેમના મન પરથી કંટ્રોલ ગુમાવી રહ્યા છે. ફોબિયા અને એન્ઝાઈટીના કેસ વધી રહ્યા છે. આવા 10 લોકોએ માર્ચમાં હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માગી હતી.

આત્મહત્યા કરવા ગયેલાને બચાવ્યો
એક યુવકે દારૂ પી ને હેલ્પલાઇનમાં ફોન કર્યો અને તે રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરવા જાય છે તેવંુ જણાવ્યું હતું. હેલ્પલાઇનના સાઇકીયાટ્રીકે તેની સાથે વાત કરીને તેની પાસેથી તેના પિતાનો ફોન નંબર લીધો હતો. અને બીજા કાઉન્સિલરે તેની સાથે વાત ચાલુ રાખી તેના પિતાને જાણ કરી. સમયસૂચકતા વાપરીને તેના પિતા પહોંચી જતાં યુવક બચી ગયો.

( Source – Divyabhaskar )