14 લાખ રૂપિયા ભરેલી બેગ પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો, ઈમાનદાર ચોકીદારે 4 દિવસ સુધી જીવની જેમ પૈસા સાચવીને પરત કર્યા

14 લાખ રૂપિયા ભરેલી બેગ પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો, ઈમાનદાર ચોકીદારે 4 દિવસ સુધી જીવની જેમ પૈસા સાચવીને પરત કર્યા

  • અમદાવાદનો બોડકદેવનો પરિવાર સંબંધીનું નિધન થતા ઉતાવળમાં પૈસા ભરેલી બેગ લેવાનું ભૂલી ગયો.
  • સોસાયટીના ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ 4 દિવસ સુધી સાચવીને રાખી.

આજના સમયમાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા પણ અચકાતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ઈમાનદારીની મિશાલનો એક મામલો સામે આવ્યો છે. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ એત પરિવાર ભૂલી જતા ચોકીદારે મૂળ માલિકને રકમ સાથેની આ બેગ પરત કરી હતી.

પરિવાર 14 લાખ ભરેલી બેગ ભૂલી ગયો
શ્યામ વિહાર એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સંબંધીનું અવસાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સંબંધીના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. જોકે બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈને તે મામલે લાગતા તપાસ કરતા બેગ મળી નહોતી. આખરે થાકીને સોસાયટીના ચોકીદારને ફોન કરીને પૂછતા ચોકીદાર શંકરે બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.

ઈમાનદાર ચોકીદારે 4 દિવસ પૈસા સાચવી રાખ્યા
ચાર દિવસ પછી નરેન્દ્રસિંહ જયારે ઈન્દોરથી પરત આવ્યા ત્યારે ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ નિભાવી હતી. બાદમાં પરિવારે ચોકીદારને 1500 રૂપિયા ઈનામમાં આપીને તેનું સન્માન પણ કર્યું હતું. આ વિશે વાત કરતા સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, શંકર નેપાળી છે અને આખી સોસાયટી માટે કોરોના કાળમાં પણ તે પોતાની ફરજ ચુક્યા વગર દરેક લોકો માટે દરેક નિષ્ઠા પૂર્વક કામ કરે છે.

મહેનતના રૂપિયા પર જ પોતાનો હક
નોંધનીય છે કે શંકર ગરીબ તથા નાનો માણસ હોવા છતાં પોતાની માણસાઈ ચૂક્યા વિના ફરજ નિભાવી હતી. એવામાં અન્ય નાના લોકો માટે આ ચોકીદાર મિશાલ રૂપ છે જેના મનમાં કોઈના રૂપિયા પડાવી લેવાની જગ્યાએ માત્ર પોતાની મહેનતના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું માને છે.

( Source – Divyabhaskar )