કોરોનાની રસીનો બીજા ડોઝ લીધાના 25 દિવસમાં એન્ટિબોડી ડેવલપ થશે ત્યાં સુધી બેદરકાર રહેવું નહીં

કોરોનાની રસીનો બીજા ડોઝ લીધાના 25 દિવસમાં એન્ટિબોડી ડેવલપ થશે ત્યાં સુધી બેદરકાર રહેવું નહીં

રસીના બે ડોઝ છે, પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ 6થી 8 અઠવાડિયા પછી લેવાનો છે અને સામાન્ય રીતે બીજો ડોઝ લીધાના 20થી 25 દિવસ બાદ શરીરમાં કોરોના સામેના એન્ટિબોડી ડેવલપ થાય છે. જો કે આ જે તે વ્યક્તિની શરીરની રચના ઉપર આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં એન્ટિબોડી ડેવલપ થતાં વધુ દિવસો લાગે છે. એટલે કે જો પ્રથમ ડોઝ લીધા પછી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી ન રાખવામાં આવે તો કોરોનાનો ચેપ લાગવાની સંભાવના રહેલી છે.

જો કે, અત્યાર સુધી કોરોનાની રસી લીધા પછી જેમને ચેપ લાગ્યા છે તેમને લક્ષણો હળવા જણાયા છે અને રોગની ગંભીરતા પણ ઓછી છે. આમ આ રસી જીવનરક્ષક સાબિત થાય તેમ છે. કોવિશિલ્ડ રસીમાં કોરોનાના કોઈ વાઈરસ હોતા નથી. જેથી આ રસી લેવાથી કોરોના થઈ શકે એમ છે જ નહીં.

સવાલ: રસીના બંને ડોઝ લીધા પછી પણ માસ્ક પહેરવું પડે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડે?
જવાબ: 
હા, રસી તમને જોખમો સામે બચાવે છે. રસી લેવાનો મતલબ જોખમ લેવા માટેનું લાઈસન્સ મળી ગયું છે એવું નથી. એટલે રસીના બંને ડોઝ લીધા પછી પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું એ હાલ તમારા માટે હિતાવહ છે.

સવાલ: મને અત્યાર સુધી કોરોના નથી થયો તો મારે કોરોના સામેની રસી શું કામ લેવી જોઈએ?
જવાબ: 
અત્યાર સુધી કોરોના નથી થયો એનો મતલબ એ નથી કે તમને ક્યારેય કોરોના નહીં જ થાય. જો તમે કોઈ પોઝિટિવ વ્યક્તિના વધુ સંપર્કમાં આવો તો કોરોનાનો ચેપ લાગવાની તમામ સંભાવના છે. આથી તમારા માટે રસી લેવી એ વધુ હિતાવહ છે.

સવાલ: મને કોરોના થઈ ચૂક્યો છે, તો મારા શરીરમાં એન્ટિબોડી હશે જ ને તો હું રસી શું કામ લઉં?
જવાબ: કોરોનાને સફળતાપૂર્વક હરાવનાર વ્યક્તિઓના શરીરમાં એન્ટિબોડી ડેવલપ થાય છે એ વાત સાચી છે, પરંતુ આ એન્ટિબોડી કેટલો લાંબો સમય સુધી ટકે છે તેનો આધારભૂત અભ્યાસ હજુ ચાલી રહ્યો છે. કોરોનાનો ચેપ લાગી ચૂકેલી સંખ્યાબંધ વ્યક્તિઓમાં થોડા સમય બાદ એન્ટિબોડી મળ્યા નથી. રસી અંગેના પ્રાથમિક અભ્યાસો દર્શાવે છે કે જેમને કોરોના થઈ ચૂક્યો છે એ લોકો રસી લે તો તેમના શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ વધે છે. આથી કોરોના થઈ ગયો હોવા છતાં પણ રસી લેવી એ જરૂરી છે.

સવાલ: કોરોનાની રસી લેવાથી લાંબાગાળે નપુંસકતા આવી જાય છે એ વાત કેટલી સાચી છે?
જવાબ:આ માત્ર અફવા છે, હજુ સુધી આવો એકપણ કેસ મળ્યો નથી. બલ્કે રસી અંગે કંપનીએ કરેલા વૈજ્ઞાનિક અભ્યાસોમાં સાબિત થયું છે કે, રસી પૌરુષત્ત્વ પર કોઈ વિપરીત અસર કરતી નથી.

સવાલ: રસી લેતાં પહેલાં મારે વેક્સિન સેન્ટર પર ડોક્ટરને કઈ કઈ જાણકારી આપવી જરૂરી છે?

 • તમને કોઈ દવા, ખાદ્ય પદાર્થ, કોઈ રસી કે કોવિશિલ્ડની કોઈ સામગ્રીને કારણે એલર્જી થઈ છે કે નહિ.
 • તમને તાવ આવે છે કે નહીં.
 • લોહી પાતળું કરવાની કોઈ દવા લઈ રહ્યા છો કે નહીં.
 • ઇમ્યુનિટી વધારવાની કોઈ દવા લઈ રહ્યા છો કે નહીં.
 • ગર્ભવતી છો અથવા તો ગર્ભધારણ માટેની તૈયારી કરી રહ્યા છો કે કેમ.
 • બાળકોને સ્તનપાન કરાવી રહ્યાં હોવ તો જણાવવાનું રહેશે.
 • આ પહેલાં તમે કોરોના સામે કોઈ રસી લીધી છે કે કેમ. આ રસી લેતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

વેક્સિન લેવા જતી વખતે શું ધ્યાન રાખવું?
જે લોકો વેક્સિન લેવા આવે તેમણે સાવ ખાલી પેટે ન આવતાં, થોડોક પણ નાસ્તો કરીને આવવું. વેક્સિન લઈને ઘરે ગયા બાદ જો તાવની અસર જણાય તો સામાન્ય પેરાસિટામોલની ગોળી લેવી. વેક્સિનેશન બાદ દુખાવો દૂર કરવા માટે બિનજરૂરી કોઈ ભારે દવા લેવાની જરૂર નથી.

રસી લેવાની આડઅસરો શું શું છે?

 • દસમાંથી એક વ્યક્તિને આટલી અસરો થવાની શક્યતા છે, જે ખૂબ જ સામાન્ય છે
 • ઈન્જેક્શન જ્યાં આપે ત્યાં દબાવવાથી દુ:ખાવો થાય, ગરમી થાય, લાલ ચકામો પડી જાય અથવા સોજો આવી શકે.
 • તબિયત સારી ન લાગે, થાક લાગે.
 • ધ્રુજારી કે તાવ જેવું લાગ્યા કરે.
 • માથું દુ:ખે કે સાંધામાં દુ:ખાવો થઈ શકે.

દસમાંથી એકને આ સામાન્ય અસર થઈ શકે

 • ઇન્જેક્શન આપે ત્યાં ગાંઠ થઈ શકે
 • તાવ આવે કે ઊલટી થઈ શકે
 • તાવ, ખાંસી, શરદી, ગળામાં ખર્રાશ લાગે
 • 100માંથી એક વ્યક્તિને આ થઈ શકે, જે સામાન્ય ગણવામાં આવતું નથી
 • ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી
 • પેટમાં દુ:ખાવો થવો.
 • પરસેવો થવો, ખૂબ જ ખંજવાળ આવવી

રસીની કોઈ અસર જણાય તો કઈ દવા લેવી?
રસી લીધા પછી કોઈ આડ અસર જણાય તો રસીકરણ કેન્દ્ર પરથી મેડિકલ સ્ટાફે આપેલી દવા લેવી. તેમ છતાં જો કોઈ વધારે તકલીફ જેવું લાગે તો ડોક્ટરનો સંપર્ક કરવો.

રસી કોણે ના લેવી જોઈએ?
18 વર્ષથી વધુની વયના માટે જ રસી છે. ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ રસી લઈ શકશે નહીં. ગંભીર બીમારી હોય તો રસી માટે ડોક્ટરની સલાહ અચૂક લઈ લેવી. કોઈપણ બીમારી થઈ હોય અને સાજા થયાને 4થી 8 સપ્તાહ થયા હોય તો જ રસી મુકાવી શકાશે.

(મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકી અને અન્ય તજજ્ઞ ડોક્ટરો સાથેની વાતચીતને આધારે)

( Source – Divyabhaskar )