સલામત : ફાઈઝરે કહ્યું – અમારી વેક્સિન 12થી 15 વર્ષના બાળકો પર 100% અસરકારક; કોઈ આડઅસર પણ નહીં

સલામત : ફાઈઝરે કહ્યું – અમારી વેક્સિન 12થી 15 વર્ષના બાળકો પર 100% અસરકારક; કોઈ આડઅસર પણ નહીં

કોરોના વેક્સિન બનાવી રહેલી ફાર્મા કંપની ફાઈઝર-બાયોએનટેકે દાવો કર્યો છે કે તેની વેક્સિન 12થી 15 વર્ષના બાળકો પર 100 ટકા અસરકારક છે. CNNના જણાવ્યા પ્રમાણે કંપનીએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે અમેરિકામાં 2,250 બાળકો પર કરવામાં આવેલા ફેઝ થ્રી ટ્રાયલ્સમાં આ 100 ટકા અસરકારક રહી છે.

બીજો ડોઝ આપવાના એક મહિના બાદ તેમનામાં વધારે એન્ટીબોડી રિસ્પોન્સ જોવા મળ્યું હતું. કંપની આ ડેટાને US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સમક્ષ રજૂ કરવા વિચારણા કરી રહી છે, જેથી ટૂંક સમયમાં વેક્સિનનો ઈમર્જન્સી યુઝ કરવા મંજૂરી મળી શકે.

ભારતીય મૂળના અભિનવ પણ ટ્રાયલમાં સામેલ થયો
વેક્સિનના ટ્રાયલ ઓક્ટોબર,2020થી ચાલતા હતા. તેના પરિણામ હવે આવવા લાગ્યા છે. ભારતીય મૂળના 12 વર્ષના અભિનવ પણ ફાઈઝર વેક્સિનના ટ્રાયલમાં ભાગ લીધો હતો. તે કોરોના વેક્સિન લેનાર સૌથી નાની ઉંમરનું બાળક છે. તેના પિતા શરત પણ ડોક્ટર છે અને કોવિડ વેક્સિનના ટ્રાયલમાં સામેલ રહ્યા છે. અભિનવે અમેરિકાના સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલ મેડિકલ સેન્ટરમાં વેક્સિન લગાવી હતી.

2થી 5 વર્ષના બાળકો પર ટ્રાયલ શરૂ કરવાની યોજના
કંપનીએ ગયા સપ્તાહે જ 6થી 11 વર્ષ સુધીના બાળકોમાં વેક્સિનના ફેઝ 1,2,3ના ક્લિનિકલ ટ્રાયલનો સ્ટડી શરૂ કર્યો છે. આ દરમિયાન 5થી 11 વર્ષના બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. કંપની આગામી સપ્તાહથી 2થી 5 વર્ષના બાળકો પર ટ્રાયલ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપનીની યોજના તેમાં 4,644 બાળકોને સામેલ કરવાની છે.

તેના પરિણામો 2021ના અંત ભાગ સુધીમાં આવવાની આશા છે.અન્ય એક કંપની મોડર્ન પણ ટીનેર્જર્સ તથા બાળકો પર પોતાની વેક્સિન ટ્રાયલ કરી રહી છે. તેમાં 12થી 17 વર્ષ તથા 6 મહિનાથી 11 વર્ષ સુધીના બાળકો પર અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.
મ્યુટેશનથી બાળકોને નુકસાન થવાનું જોખમ
નિષ્ણાતોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસ આગામી સમયમાં પણ ફેલાતો રહેશે અને તે વધારે ખતરનાક સ્વરૂપમાં મ્યૂટેટ એટલે કે ફેરફાર ધરાવતો રહેશે. આ સંજોગોમાં કોઈ એક અથવા એક કરતા વધારે મ્યૂટેશન બાળકોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

અમેરિકામાં બ્રિઘમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમર્જન્સી મેડિસિનના ડોક્ટર જેરેમી સેમુઅલ ફોસ્ટ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ સાયન્સના વાયરોલોજીસ્ટ ડો.એન્જેલા રાસમુસેને કહ્યું કે બાળકોમાં કોરોનાના ગંભીર કેસની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં ઝડપથી વેક્સિન આપવાની જરૂર છે.

હર્ડ ઈમ્યૂનિટી માટે બાળકોને વેક્સિન લગાવવાની જરૂર
સંક્રમણ બિમારીયોને લગતા અમેરિકી નિષ્ણાત ડો.એન્થોની ફોસી સહિત અનેક નિષ્ણાતોનું કહેવું છે કે હર્ડ ઈમ્યૂનિટીને હાંસલ કરવા માટે બાળકોમાં વેક્સિનેશન જરૂરી છે. કોરોના વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે, તેની તપાસ માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે, જોકે આપણે એ વાતને લઈ તૈયાર રહેવાની જરૂર છે કે આ ટ્રાયલ્સથી કોઈ બ્લોકબસ્ટર પરિણામો સામે આવશે નહીં.

( Source – Divyabhaskar )