ડિઝિટલાઇઝેશન : વારસાઇની નોંધ ખાતેદાર દ્વારા દુનિયાના કોઈપણ ખુણેથી i-ORA પર ઓનલાઇન થઇ શકશે

ડિઝિટલાઇઝેશન : વારસાઇની નોંધ ખાતેદાર દ્વારા દુનિયાના કોઈપણ ખુણેથી i-ORA પર ઓનલાઇન થઇ શકશે

વિધાનસભા ગૃહમાં વારસાઈ હક્કની અરજીઓની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર આપતા મંત્રી કૌશિક પટેલએ ઉમેર્યું કે, મહેસૂલી સેવાઓને વધુ ઝડપી, વધુ સરળ અને વધુ પારદર્શી બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વારસાઈ હક્કની અરજીઓ ઝડપથી અને સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે i-ORA પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં વારસાઈ હક્ક અંતર્ગત આવેલ અરજીઓ અને તેના નિકાલ અંતર્ગત મહેસુલ મંત્રીએ જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં તા. 31/12 /2020ની સ્થિતિએ 2 વર્ષમાં 23025 અરજીઓ આવી હતી જેમાંથી 20299 નોંધો મંજૂર જ્યારે 729 નોંધો નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે પેન્ડિંગ નોંધો પૈકી આજ રોજ માત્ર 2 નોંધો તકરારી હોવાથી પેન્ડિંગ છે. આજ પ્રમાણે ભાવનગર જિલ્લામાં 31/12/2020ની સ્થિતિએ 2 વર્ષમાં 10089 અરજીઓ આવી હતી જેમાંથી 8983 નોંધો મંજૂર જ્યારે 261 નામંજૂર કરવામાં આવી હતી. પરંતુ આજરોજ માત્ર 1 નોંધ તકરારી હોવાથી પેન્ડિંગ છે. આવી જ રીતે દાહોદ જિલ્લામાં તા. 31/12/2020ની સ્થિતિએ 2 વર્ષમાં 29158 અરજીઓ આવી હતી જેમાંથી 24842 નોંધો મંજુર જ્યારે 2059 નોંધો નામંજુર કરવામાં આવી હતી. પરંતુ આજરોજ નિકાલ માટે બાકી અરજીઓ પૈકી માત્ર 3 નોંધો તકરારી હોવાથી પેન્ડીગ છે.

મંત્રીએ જણાવ્યું કે, તા.7.3.2019 થી વારસાઇની નોંધ ખાતેદાર પોતે દુનિયાના કોઈપણ ખુણેથી ઓનલાઇન દાખલ કરી શકે તે સેવા i-ORA પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલું જ નહિ અરજદારોના સમયમાં બચાવ થાય તે હેતુથી મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણયો લઇ તકરારી નોંધના નિર્ણયની સત્તા મામલતદાર પાસેથી લઇ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આથી અપીલમાં એક તબક્કાના ઘટાડાથી સમયનો બચાવ થશે.

મહેસુલ મંત્રીએ હક્ક પત્રક સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે, સરકારી રૈયતવારી જમીન ધરાવનાર દરેક ખાતેદારની જમીન પરત્વે તેમના હક્ક હિત તથા તે અંગે થતા ફેરફારોની ખરેખર કબ્જા મુજબ નોંધ રાખતુ તાલુકા કક્ષાએ દફતર જળવાય છે. ખાતેદાર હક્ક સંપાદન કરે તે અંગેનો રીપોર્ટ 3 માસની અંદર તાલુકાની ઇ-ધરા કચેરી ખાતે લેખિતમાં કરવાનો હોય છે. ત્યારબાદ જમીન મહેસૂલ કાયદા કલમ 135 ડીની નોટીસના 30 દિવસમાં વાંધો રજુ ન થાય તો નિર્ણય કરનાર અધિકારી નિયમાનુસાર નોંધનો નિર્ણય કરે છે.

વિધાનસભા ગૃહમાં ગામતળ નીમની દરખાસ્ત અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મંત્રી કૌશિક પટેલએ ઉમેર્યું કે, તા.31 જાન્યુઆરી 2021ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં વર્ષ 2018 અને 2019માં ગામતળ નીમની 31 દરખાસ્તો મળી હતી તે પૈકી ફેબ્રુઆરી – 2020 ની સ્થિતિએ પડતર 18 દરખાસ્તો પૈકી જાન્યુઆરી-2021ની સ્થિતિએ 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી. જ્યારે 1 દફતરે અને 7 દરખાસ્તો પડતર છે. દરખાસ્ત અધુરી વિગતની હોઈ, દરખાસ્તવાળી જમીન સંદર્ભે માપણી કરાવાની જરૂરીયાત હોઈ, અન્ય કચેરીઓનાં અભિપ્રાય પેન્ડિંગ હોવાના કારણોસર ઉપરોક્ત દરખાસ્તો પડતર રહેલ છે.

( Source – Divyabhaskar )