નાણા મંત્રાલયના 100 કર્મચારીઓને મહિના માટે એક રૂમમાં પુરી દેવાયા

નાણા મંત્રાલયના 100 કર્મચારીઓને મહિના માટે એક રૂમમાં પુરી દેવાયા

દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારામન પાંચ જુલાઈના રોજ સંસદમાં બજેટ રજૂ કરવાના છે. બજેટ દસ્તાવેજોને અંતિમ ઓપ આપીને પ્રિન્ટિંગ કામગીરીનો શનિવારથી આરંભ થયો. બજેટ પ્રિન્ટિંગ શરૂ થાય તે પહેલાંની પરંપરાના ભાગરૂપે નાણામંત્રાલયમાં હલવા વિતરણ સમારંભનું આયોજન થયું હતું.

નાણાપ્રધાન નિર્માલા સીતારામન અને રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર પણ તે કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમના આયોજન સાથે જ લગભગ 100 કર્મચારી માટે નોર્થ બ્લોકમાંથી બહાર નીકળવું બંધ થઈ જશે.

બજેટ રજૂ થાય તેના સપ્તાહ પહેલાં જ નાણામંત્રાલયના બેઝમેન્ટમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં બજેટ પ્રિન્ટિંગ કામગીરીનો આરંભ થઈ જતો હોય છે. આ શુભ કાર્યના આરંભ માટે દર વર્ષે હલવા વિતરણ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આ દિવસે નાણામંત્રાલયના પૂરા સ્ટાફને હલવાનું વિતરણ થતું હોય છે.

બજેટની ગોપનીયતા

બજેટના તમામ દસ્તાવેજ ચુનંદા અધિકારી જ તૈયાર કરતા હોય છે.બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં વપરાતા કોમ્પ્યૂટર્સને પણ અન્ય નેટવર્કથી ડિલિંક કરી દેવામાં આવે છે. બજેટ તૈયાર કરીને તેને અંતિમ ઓપ આપનારા અને પ્રિન્ટ કરનારા 100 જેટલા કર્મચારીઓનો સ્ટાફ બેથી ત્રણ સપ્તાહ નોર્થ બ્લોકની ભીતર જ રહે છે. કેટલાક દિવસ માટે તે કર્મચારીઓને નોર્થબ્લોક બહાર જવાની મંજૂરી નથી હોતી.

કર્મચારી – કુટુંબ વચ્ચેનો સંબંધ કપાઈ જશે

આ સમયગાળા દરમિયાન કર્મચારી અને કુટુંબ વચ્ચેનો સંપર્ક પણ કપાઈ જતો હોય છે.નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં બજેટ તૈયાર કરવાની જવાબદારી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓને લગભગ લોક કરી દેવામાં આવે છે. લોકસભામાં બજેટ રજૂ ના થાય ત્યાં સુધી આ કર્મચારીઓ નોર્થ બ્લોકમાં લોક રહેશે. બજેટ તૈયાર કરીને પ્રિન્ટિંગ કામગીરી પણ અહીં જ થાય છે. બજેટ જોગવાઈ લીક ના થાય તે હેતુસર આ શિરસ્તો શરૂ થયો હતો.