મ્યાનમારમાં સેનાનો કહેર : પિતાને ગળે લાગવા સાત વર્ષની નિર્દોષ બાળકી દોડી, પોલીસે નિર્દયતાપૂર્વક ગોળી ચલાવી મારી નાંખી

મ્યાનમારમાં સેનાનો કહેર : પિતાને ગળે લાગવા સાત વર્ષની નિર્દોષ બાળકી દોડી, પોલીસે નિર્દયતાપૂર્વક ગોળી ચલાવી મારી નાંખી

મ્યાનમારમાં ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કર્યાં બાદ ત્યાં સેના સામે લોકો માર્ગો પર છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઘટનામાં અનેક પ્રદર્શનકારીઓ સેનાની ગોળીનો શિકાર બન્યા છે. જોકે આજે જે ઘટના સામે આવી છે તે કોઈ પણ વ્યક્તિને હચમચાવી શકે તેવી છે. પોલીસની ગોળીથી આજે મ્યાનમારમાં સાત વર્ષની એક નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે. પોલીસે તેને એવા સમયે ગોળી મારી હતી કે જ્યારે તે પોતાના પિતાને ગળે લાગવા માટે તેમની તરફ ઝડપથી દોડી રહી હતી.

બીબીસીના અહેવાલ પ્રમાણે ગયા મહિને સેનાએ સત્તા પલટો કર્યાં બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં જીવ ગુમાવનાર આ માસૂમ બાળકી મ્યાનમારમાં સૌથી નાની ઉંમરની પીડિત બની ગઈ છે. માઈન શહેરમાં ખિન માયો ચિતના પરિવારે જણાવ્યું કે ઘરે દરોડા પડ્યા ત્યારે બાળકી તેના પિતા તરફથી દોડીને જઈ રહી હતી ત્યારે પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

બીજી બાજુ રાઈટ્સ ગ્રુપ સેવ ધ ચિલ્ડ્રને કહ્યું છે કે સત્તા પલટા બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 20 કરતાં વધારે બાળકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનમાં 164 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આસિસ્ટન્ટ એસોસિએશન ફોર પોલિટીકલ પ્રિઝનર્સ (AAPP) એક્ટિવિસ્ટ ગ્રુપે દાવો કર્યો છે કે સેનાની ગોળીને લીધે મ્યાનમારમાં ઓછામાં ઓછા 261 લોકોના મોત થયા છે.

મંગળવારે પ્રદર્શનકારીઓના મોત અંગે સેનાએ ખેદ વ્યક્ત કર્યો છે અને દેશમાં અરાજકતા તથા હિંસા બદલ આંદોલનકારીઓને જ દોષિત ઠરાવ્યા છે. જોકે સેનાના દાવાથી વિપરીત સ્થાનિક મીડિયા પ્રમાણે સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ સામે અનેક રાઉન્ડ ગોળી ચલાવી. લોકો સાથે મારઝૂડ કરવામાં આવી અને આદોલનકારીઓના ઘરે દરોડા પાડી પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

ખિન માયો ચિતની મોટી બહેને જણાવ્યું હતું કે પોલીસ અધિકારી મંગળવારે મંડલામાં પડોશીના તમામ ઘરોની તપાસ કરી રહ્યા હતા, તેઓ હથિયાર શોધી રહ્યા હતા. આ માટે તેઓ તેમણે દરવાજો ખોલવા લાત મારી હતી, તેમણે મારા પિતાને પૂછ્યું કે શું ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ છે, ત્યારે તેમણે નહીં હોવાનું કહ્યું તો તેમની ઉપર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો અને ઘરની તપાસ શરૂ કરી. આ સમયે ખિન મિયો ચિત તેના પિતા પાસે જવા દોડી રહી હતી અને તે સમયે પોલીસે ગોળી મારી દીધી હતી.

( Source – Divyabhaskar )