નફ્ફટાઈ : કરદાતાઓ પર બોજ ગણાવી ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય પરિવારને બાળકની બીમારીના કારણે કાઢી મૂક્યો

નફ્ફટાઈ : કરદાતાઓ પર બોજ ગણાવી ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય પરિવારને બાળકની બીમારીના કારણે કાઢી મૂક્યો

  • 2015માં કાયાનનો જન્મ થયો. તેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીએ ઘેરી લીધો
  • વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડેન્ટ્સ તથા નાગરિકો માટે તબીબી સુવિધા ફ્રી છે છતાં ઓસ્ટ્રેલિયન સરકારે ઈનકાર કર્યો

6 વર્ષના કાયાનનું સ્મિત જોઇને કોઇનું પણ હૃદય પીગળી જાય પણ ઓસ્ટ્રેલિયા સરકારે કાયાન સહિત તેના આખા પરિવારને દેશ છોડવા માત્ર એટલા માટે આદેશ કર્યો છે કે કાયાનને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. આ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે, જે બાળકોની શારીરિક ગતિ, હરવા-ફરવાની ક્ષમતાને અસર કરે છે.

ઓસ્ટ્રેલિયન સરકારે માનવતા કોરાણે મૂકી
ઇમિગ્રેશન વિભાગે ફેબ્રુઆરીમાં કાયાનના પરિવારની છેલ્લી અરજી પણ ફગાવી દીધી અને દેશ છોડવા ફરમાન કર્યું. કાયાનના પિતા વરુણ કાત્યાલ 12 વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. 2012માં તેમના લગ્ન થયા અને 2015માં કાયાનનો જન્મ થયો. તેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીએ ઘેરી લીધો. 2018માં ઓસ્ટ્રેલિયાએ તેના પરિવારને પરમેનન્ટ રેસિડેન્ટ વિઝા (પીઆર) આપવાનો એવી દલીલ સાથે ઇનકાર કરી દીધો કે કાયાનની સારવાર ઓસ્ટ્રેલિયાના કરદાતાઓ પર બોજ બની જશે જ્યારે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડેન્ટ્સ તથા નાગરિકો માટે તબીબી સુવિધા ફ્રી છે.

પિતાએ સારવારનો ખર્ચ જાતે ઉપાડવાની તૈયારી પણ દર્શાવી
મેલબોર્નમાં શૅફ વરુણે ભાસ્કરને જણાવ્યું કે તેમણે ઇમિગ્રેશન વિભાગને પુત્રની બીમારીનો ખર્ચ જાતે ઉપાડવા તૈયારી બતાવી તો વિભાગે 10 વર્ષમાં કાયાનની સારવાર પાછળ ખર્ચ થનારા 6 કરોડ રૂ.ની બચત બતાવવા કહ્યું. જોકે, તેટલી મોટી રકમ વરુણ પાસે નહોતી. તેઓ વિઝા અરજી પાછળ પણ 20 લાખ રૂ. ખર્ચી ચૂક્યા છે.

સાંસદો, સેલિબ્રિટિઝ કાયાનનાં સમર્થનમાં આવ્યા
વરુણ અને તેમની પત્નીએ એડમિનિસ્ટ્રેટિવ અપીલ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે જ્યારે કાયાનની અપીલ ફેડરલ કોર્ટમાં પેન્ડિંગ છે. વરુણે મદદ માટે એક ઓનલાઇન પીટિશન શરૂ કરી છે. કાયાનના સમર્થનમાં ઘણાં સાંસદો, સેલિબ્રિટીઝ આગળ આવ્યા છે.

( Source – Divyabhaskar )