ઈરાનની ધમકી : એક પણ ગોળી ચલાવી તો અમેરિકા ભડકે બળશે

ઈરાનની ધમકી : એક પણ ગોળી ચલાવી તો અમેરિકા ભડકે બળશે

નાની ભૂલનો પણ જવાબ જડબાતોડ અપાશે

શેકરચીએ કહ્યું કે, અમારું ઇસ્લામિક ગણરાજ્ય ક્યારેય કોઈની સાથે યુદ્ધ ઇચ્છતું નથી. ક્યારેય કોઈની સામે જંગ શરૂ કરવા માગતું નથી. જો અમારા દુશ્મનો કોઈપણ નાની અમસ્તી ભૂલ કરશે તો તેને મધ્ય અને પશ્ચિમ એશિયામાં ઈરાન દ્વારા જબરજસ્ત ક્રાંતિકારી પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. પછી કોઈ દુશ્મન દેશ યુદ્ધથી બચી શકશે નહીં. જો દુશ્મનો અમારી પર એકપણ ગોળી છોડશે તો અમે તેનો જરૂર જવાબ દઈશું.

ઈરાને યુએસનું ડ્રોન તોડી પાડયા પછી ગલ્ફમાં તણાવ

શુક્રવારે મોડી રાત્રે એક તબક્કે યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા ૩ સ્થળોને ટાર્ગેટ બનાવવા અમેરિકન યુદ્ધ વિમાનોને આદેશ આપ્યા હતા. આમાં ૧૫૦થી વધુનાં મોત થવાની શક્યતાને પગલે છેલ્લી ૧૦ મિનિટમાં ટ્રમ્પે નિર્ણય બદલ્યો હતો અને હુમલો નહીં કરવા યુએસ દળોને આદેશ આપ્યો હતો. ગુરુવારે ઈરાને મિસાઇલ્સ છોડીને અમેરિકાનું હોક સર્વેલન્સ ડ્રોન તોડી પાડયા પછી બંને દેશો વચ્ચે તંગદિલી સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ઈરાનની સરહદો ઓળંગવા દઈશું નહીં

ઈરાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અબ્બાસ મૌસાવીએ ચીમકી આપી હતી કે, અમેરિકાનાં અધિકારીઓ કે પ્રમુખ ગમે તે નિર્ણય લે પણ અમે કોઈને પણ ઈરાનની સરહદો ઓળંગવા દઈશું નહીં. ઈરાન દ્વારા અમેરિકાનાં કોઈપણ પ્રકારનાં આક્રમણ કે ખતરાનો નક્કર જવાબ અપાશે. ઈરાનનાં આર્મીનાં પ્રવક્તા શેકરચીએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, ઈરાન પર હુમલો કરવાની કોઈ ભૂલ કરાશે તો અમેરિકા અને તેના સાથી દેશોનાં હિતો ભડકે બળશે.

ઓમાનની ખાડીમાં સાઉદી અરેબિયાનાં બે ઓઇલ ટેન્કરો પર હુમલા પછી વાત વણસી

સાઉદી અરેબિયાએ આક્ષેપો કર્યા હતા કે ઈરાનનાં બે ઓઇલ ટેન્કરો પર તેનાં દ્વારા ઓમાનની ખાડીમાં હુમલા કરાયા હતા અને તેને સળગાવી દેવાયા હતા. આ પછી ઈરાન અને અમેરિકા વચ્ચે ભડકો થયો હતો. આ અગાઉ ૧૨મી મેનાં રોજ હોર્મુઝની ખાડીમાં યુએઈનાં ૪ ઓઇલ ટેન્કરો પર હુમલા કરીને તેને સળગાવવામાં આવ્યા હતા.