ગુજરાતીઓ માટે રાહતના સમાચાર : 1500 નહીં, 15 હજાર કેસ આવે તો પણ લૉકડાઉન નહીંઃ સૂત્ર

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર : 1500 નહીં, 15 હજાર કેસ આવે તો પણ લૉકડાઉન નહીંઃ સૂત્ર

  • લૉકડાઉન થતાં જ અન્ય રાજયના લોકો વતન જતા રહે છે
  • એક વખત ધંધા-રોજગાર બંધ થઇ ગયા પછી પુન: ધમધમતા કરવામાં મુશ્કેલી પડે

રાજ્યમાં કોરોનાના કેસ વધતા અને અન્ય કેટલાક રાજયોમાં અમુક વિસ્તારોમાં લૉકડાઉન આવતા ગુજરાતમાં પણ લૉકડાઉન આવશે તેવી વાતથી લોકોના મન ઉચા થઇ ગયા છે. આવી સ્થિતિમાં સચિવાલયના ટોચના સૂત્રોએ એવું કહ્યું હતું કે, લૉકડાઉનની કોઇ શકયતા નથી, આજે (શનિવારે) 1500 કેસ છે, 15 હજાર કેસ થાય તો પણ લૉકડાઉન નહીં આવે,કારણ કે, લૉકડાઉન કર્યા પછી અનલોક કરવું અઘરું છે.

લોકો સંગ્રહખોરી કરવા લાગે
સચિવાલયના સૂત્રોના કહ્યા પ્રમાણે માની લ્યો કે એક તબક્કે ખૂબ જ કેસ વધી જાય અને લોકડાઉન કરવું હોય તો કરી શકીએ છીએ. લોકડાઉન કરવું સહેલું છે, પણ પછી અનલોક કરવું એ ખૂબ જ અઘરું છે. લોકડાઉન કરતા જ લોકોમાં ભય પ્રસરી જાય છે કે લોકડાઉન લાંબુ ચાલશે અને લોકો અનાજથી લઇને જીવન જરૂરી ચીજવસ્તું ખરીદવા દોડે છે. સંગ્રાહખોરી વધે છે ઉપરાંત ખરીદીમાં ભીડ ઉમટતા સંક્રમણ વધી શકે છે. ઉપરાંત ધંધા-ઉદ્યોગ,વેપાર સાથે સંકળાયેલા વ્યાવસાયિકો,કર્મચારી,મજૂરો તેમના વતન તરફ દોટ મુકે છે. આથી સંક્રમણ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પણ ફેલાવવાનો ભય રહે છે.

લોકડાઉન પછી તમામ ધંધા પડી ભાંગે છે
વળી,અનલોક કર્યા પછી વતન પહોંચેલા લોકો પરત આવવા માટે સમય લેતા હોય છે,આવા સંજોગોમાં ફરી ઉદ્યોગ-ધંધા ધમધમતા કરવા મુશ્કેલી વધારે પડે છે,એટલે હાલના તબક્કે તો સરકાર એવું વિચારે છે કે, લોકડાઉન ગમે તેટલા કેસ વધે તો પણ કરવું નહીં.

CMએ પણ લોકડાઉન ન કરવાના અણસાર આપ્યા હતા
અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, 104, સંજીવની, એ પણ આપણે ફરી શરૂ કર્યાં છે, એટલે હું માનું છે કે જરા પણ ગભરાવાની જરૂર નથી.

સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા
મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારા લોકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.

સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ
બે દિવસ પહેલાં પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

( Source – Divyabhaskar )