અમેરિકા – જ્યોર્જિયામાં ૩ મસાજ પાર્લર પર હુમલો, ૬ એશિયન સહિત ૮નાં મોત

અમેરિકા – જ્યોર્જિયામાં ૩ મસાજ પાર્લર પર હુમલો, ૬ એશિયન સહિત ૮નાં મોત

। એટલાન્ટા ।

અમેરિકામાં જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા ખાતે બે અને એકવર્થ ખાતે આવેલા એક મસાજ પાર્લર પર મંગળવારે થયેલા ગોળીબારમાં ૬ એશિયન મહિલાઓ સહિત ૮ લોકોનાં મોત થયાં હતાં અને એકને ઇજા પહોંચી હતી. પોલીસે  ૨૧ વર્ષીય રોબર્ટ એરોન લોંગને કસ્ટડીમાં લીધો છે. જ્યોર્જિયાના એકવર્થની ચેરોકી કાઉન્ટી ખાતે મંગળવારે સાંજે પાંચ કલાકે યંગ્સ એશિયન મસાજ પાર્લર ખાતે ગોળીબારની પ્રથમ ઘટના બની હતી. શેરિફની કચેરીના પ્રવક્તા કેપ્ટન જય બાકરે જણાવ્યું હતું કે, ગોળીબારમાં ૪ વ્યક્તિનાં મોત થયાં હતાં. એકવર્થ ખાતેના મૃતકોમાં બે એશિયન મહિલા, એક શ્વેત મહિલા અને એક શ્વેત પુરુષનો સમાવેશ થાય છે. ત્યારબાદ એટલાન્ટાના ગોલ્ડ સ્પા ખાતે ગોળીબાર થયો હતો. આ હુમલામાં ૩ મહિલાનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ એરોમાથેરપી સ્પા ખાતે ગોળીબાર કરાયો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી લગભગ ૧૫૦ માઇલ દૂર આવેલી ક્રિસ્પ કાઉન્ટી ખાતેથી રોબર્ટ એરોન લોંગની ધરપકડ કરી હતી.

એશિયન અમેરિકન સમુદાયમાં ભયનો માહોલ

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, વંશીય નફરતના કારણે આ હુમલો કરાયો છે તેમ કહેવું વહેલું ગણાશે. તપાસ બાદ અમે કોઇ તારણ પર પહોંચી શકીએ છીએ. એડવોકેસી ગ્રૂપ સ્ટોપ હેટ એશિયન અમેરિકન્સે આ હુમલાને વર્ણવી ન શકાય તેવી કરુણાંતિકા ગણાવી હતી. ગ્રૂપે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અત્યારે એશિયન અમેરિકન સમુદાયમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. સરકારે આ ભય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. સિવિલ રાઇટ એક્ટિવિસ્ટ બેન ક્રમ્પે જણાવ્યું હતું કે, આજનો હત્યાકાંડ પુરવાર કરે છે કે અમેરિકાના તમામ લઘુમતી સમુદાયોએ એકજૂથ થઇને પગલાં લેવાં પડશે.

( Source – Sandesh )