અ’વાદમાં AMTS-BRTS બસ સેવા અનિશ્ચિતકાળ માટે બંધ, સ્પોર્ટ્સ ક્લબ, તમામ જિમ, ગેમ ઝોન બંધ

અ’વાદમાં AMTS-BRTS બસ સેવા અનિશ્ચિતકાળ માટે બંધ, સ્પોર્ટ્સ ક્લબ, તમામ જિમ, ગેમ ઝોન બંધ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય નેતાઓના ભોગે જનતાને હવે વેઠવાનો વારો આવ્યો છે. આજે ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થતાં રાજ્ય સરકાર ચિંતામાં પેઠી છે. આજે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. હાલ AMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં AMTS અને BRTS બસ બંધ કરી દેવામાં આવી છે. આવતીકાલથી AMTS અને BRTS બસ સેવા બંધ થશે. કોરોનાના કેસ વધતાં AMCએ આ નિર્ણય લીધો છે. બસોમાં વધુ ભીડ ભેગી થતી હોવાથી AMCએ ના છુટકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ જણાવ્યું છે કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી AMTS અને BRTS બસ સેવા બંધ રખાશે.

શહેરમાં કોરોના વકરવાને કારણે AMC દ્વારા મોડી રાત્રે AMTS, BRTS બસ સેલા બંધ કરવાનો નિર્ણય લેવાને કારણે લાખો મુસાફરો, વિદ્યાર્થીઓ, રોજમદારો ભારે હાલાકીમાં મૂકાઈ ગયા છે. અંદાજે 15 લાખથી વધુ લોકો નોકરી ધંધા પર આવવા અને જવા માટે AMTS-BRTS બસ સેવાનો ઉપયોગ કરે છે. આ પ્રકારે મ્યુનિસિપલ બસ સેવા ઠપ્પ થઈ જવાને કારણે લાખો લોકોના દંધા-રોજગાર છીનવાઈ જાય તેવી નોબત સર્જાઈ છે. AMTS, BRTS બસ સેવાઓ બંધ થઈ જવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને નાની મોટી રોજગારી માટે શહેરના એક વિસ્તારમાંથી દૂરના વિસ્તારમાં અવર જવર કરનારા લોકો માટે પેટિયું રળવાનો સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે.

જાણો AMCએ કોરોના વકરતા શહેરમાં શું શું બંધ કરાવ્યું?

અમદાવાદમાં કાલથી તમામ ગેમ ઝોન બંધ

તમામ જિમ પણ અનિશ્ચિતકાળ માટે બંધ

અમદાવાદમાં તમામ સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ

કોરોના સંક્રમણ ઘટાડવા AMCનો નિર્ણય

રિવરફ્રન્ટ પણ અનિશ્ચિતકાળ સુધી બંધ

ઉસ્માનપુરા, ફ્લાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક બંધ

અત્રે નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં કોરોનાના રોગચાળાએ માથું ઉંચકવાને પગલે AMC દ્વારા શહેરના તમામ 273 બગીચા અને કાંકરિયા લેક ફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, તા.18 માર્ચ, 2021થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોવિડ-19ના કેસો વધવાને પગલે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવતા તમામ બાગ બગીચાઓ રિવર ફ્રન્ટ પાર્ક, ફ્લાવર ગાર્ડન, શાહીબાગ- ડફનાળા ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, ઉસ્માનપુરા ગાર્ડન, બાયો ડાયર્વિસટી પાર્ક, આવતીકાલ તા. 18 માર્ચ, 2021થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

( Source – Sandesh )