હવે ફટાફટ ક્લિયર થશે ચેક, RBIએ બધી બેંકોને આ સિસ્ટમ લાગુ કરવા આપ્યો આદેશ

હવે ફટાફટ ક્લિયર થશે ચેક, RBIએ બધી બેંકોને આ સિસ્ટમ લાગુ કરવા આપ્યો આદેશ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) બધી બેંકોને આદેશ આપ્યો છે કે,ઈમેજ આધારિત ચેક ટ્રંકેશન સિસ્ટમ(Cheque Truncation System-CTS)ને લાગુ કરે.RBI બધી બેંકોને CTS સિસ્ટમને પોતાની બધી શાખાઓમાં 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

હાલમાં 1.5 લાખ બેંક શાખાઓમાં CTS

રિઝર્વ બેંકના આ નિર્ણયથી ચેક ક્લિયરન્સમાં સ્પીડ આવશે, જેનો ફાયદો બેંકના ગ્રાહકોને થશે. હાલમાં અંદાજે 18 હજાર બેંક શાખાઓ છે જ્યાં કોઈ ઔપચારિક ક્લિયરન્સ વ્યવસ્થા નથી. ગયા મહિને જ રિઝર્વ બેંકે સમગ્ર દેશમાં CTS સિસ્ટમ હેઠળ દેશની બધી બેંકોની શાખાઓને લાવવાની જાહેરાત કરી હતી. ચેક ક્લિયરન્સ માટે CTSનો ઉપયોગ 2010થી થઈ રહ્યો છે, હાલમાં તે 1.5 લાખ શાખામાં છે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે, CTS સિસ્ટમ અંતર્ગત બેંકોએ એ નક્કી કરવાનું રહેશે કે, 30 સપ્ટેમ્બર 2021 સુધી તેમની શાખાઓ ઈમેજ આધારિત CTS પ્રણાલી હેઠળ આવે. તેના માટે બેંક કોઈ પણ મોડલ અપનાવવા માટે સ્વતંત્ર હશે. બેંક તેના માટે દરેક શાખામાં યોગ્ય ફ્રેમ લગાવી શકે છે કે પછી હબ કે સ્પોક મોડલનો ઉપયોગ કરી શકે છે.

ઘણી શાખાઓમાં હજુ વ્યવસ્થા નથી:RBI

રિઝર્વ બેંકનું કહેવુ છે કે, એવુ જોવા મળ્યું છે કે, હજુ પણ ઘણી બધી શાખાઓ એવી છે કે, જ્યાં ઔપચારિક ક્લિયરન્સ વ્યવસ્થા નથી, જેના કારણે ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનો ચેક ક્લિયર થવામાં વધુ સમય અને પૈસા લાગે છે. રિઝર્વ બેંકે બધી બેંકોને આદેશ આપ્યો છે કે, પૂરા દેશમાં CTS લાગુ કરવા માટે 30 એપ્રિલ 2021 પહેલા રોડમેપ તૈયાર કરે.

શું છે ચેક ટ્રંકેશન સિસ્ટમ

ચેક ટ્રંકેશન સિસ્ટમ હકિકતમાં ચેક ક્લિયર કરવાની એક સરળ પ્રક્રિયા છે. પહેલા જ્યારે ચેકને ફિજિકલી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતો હતો, હવે ચેક ટ્રંકેશન સિસ્ટમ હેઠળ તેને ઈલેક્ટ્રોનિક ફોટોના માધ્યમથી ડ્રોવી શાખા(Drawee branch)ને મોકલી આપવામાં આવે છે. જેમા બધી જરૂરી માહિતી જેવી કે, MICR, રજૂઆતની તારીખ, પ્રસ્તુત કરનાર બેંકની માહિતી હોય છે.

( Source – Sandesh )