દાનની સરવાણી : 16 કરોડના ઈન્જેક્શન માટે દાન મેળવવા યુવાનો જોડાયા, SMA-1 બીમારીનો ઇન્જેક્શન એકમાત્ર ઇલાજ

દાનની સરવાણી : 16 કરોડના ઈન્જેક્શન માટે દાન મેળવવા યુવાનો જોડાયા, SMA-1 બીમારીનો ઇન્જેક્શન એકમાત્ર ઇલાજ

માસુમ ધૈર્યરાજ માટે રાજ્યભરમાંથી દાનની સરવાણી

મહીસાગરના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ધૈર્યરાજની ઉંમર માત્ર 5 મહિના છે પણ તેને SMA-1 નામની શ્વાસને લગતી ગંભીર બીમારી છે જેથી તે લાંબો સમય જીવી શકે તેમ નથી. જોકે આ બીમારીના ઇલાજ માટે અમેરિકાથી 16 કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન મંગાવવાનું છે જે તેને નવજીવન આપવા સક્ષમ છે. આટલી મોટી રકમ માટે પરિવારે લોકો પાસે મદદની અપીલ કરી છે જેના કારણે રાજ્યભરમાંથી લોકો મદદ માટે આગળ આવી રહ્યાં છે. રવિવારે પણ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને લખતર તાલુકામાં ફાળો એકત્રીત કરવા કેમ્પેઇન શરૂ કરાયું હતું, જ્યારે સાંણંદમાં પણ કરણી સેના દ્વારા ફાળો ઉઘરાવવાનો શરૂ કરી દેવામા આવ્યો છે. 100 જેટલા કાર્યકરો દ્વારા વિવિધ ટીમો બનાવી ફાળો ઉઘરાવાઈ રહ્યો છે.

રાજપૂત કરણી સેના સાણંદના યુવકો દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સાણંદ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર તેમજ ટોલ પ્લાઝા, GIDC, જેવા વિસ્તારોમાં ફાળો એકત્ર કરવામા આવી રહ્યો છે. સાણંદ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ગૉહીલ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા તેમજ ચાંગોદર પોલીસ સ્ટાફ દ્વારા પણ દાનની સરવાણી વહાવાઈ છે.

આ ઉપરાંત લીંબડી મહાકાલ ગ્રુપના યુવાનોએ ધૈર્યરાજની સારવાર માટે ફાળો એકત્રીત કરવાનું કાર્ય શરૂ કર્યું છે. આ ઉપરાંત લખતર કરણી સેનાના કાર્યકરો દ્વારા લખતરના ગાંધી ચોક,મેઈન બજાર અને સ્ટેટ હાઇવે સહિતની જગ્યાઓએ ઊભા રહી ફંડ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કર્યું છે.

( Source – Divyabhaskar )