પહેલી ટી-૨૦માં ભારતનો કંગાળ દેખાવ : ઇંગ્લેન્ડનો ૮ વિકેટે વિજય

પહેલી ટી-૨૦માં ભારતનો કંગાળ દેખાવ : ઇંગ્લેન્ડનો ૮ વિકેટે વિજય

અમદાવાદ

અમદાવાદમાં ટેસ્ટ શ્રેણી જીતીને વર્લ્ટ ટેસ્ટ શ્રેણીની ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીની પહેલી જ મેચમાં ફસકી પડી હતી. દર્શકો અને ચાહકોના ઉત્સાહ સામે ભારતીય ખેલાડીઓનો કંગાળ દેખાવ જોવા મળ્યો હતો. પહેલી ટી-૨૦માં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે સાત વિકેટ ગુમાવીને  ૧૨૪ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે માત્ર બે વિકેટ ગુમાવીને સરળતાથી આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પહેલી ટી-૨૦માં ભારત સામે ઈંગ્લેન્ડનો આઠ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ દરમિયાન જેસન રોય પોતાની અડધી સદી ચૂક્યો હતો. ભારત તરફથી ચહલ અને સુંદરને એક-એક વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ રાહુલ અને શિખર ધવન સારી ઓપનિંગ કરવામાં નિષ્ફળ ગયા હતા. ધવન ચાર રન જ્યારે રાહુલ એક રન નોંધાવી શક્યો હતો. વન ડાઉન આવેલો કોહલી શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. આમ ભારતનું ઓપનિંગ ઓર્ડર માત્ર પાંચ રન નોંધાવી શક્યું હતું. શ્રેયસ ઐયરની અડધી સદીને જારે ભારત સાત વિકેટના નુકસાને ૧૨૪ રન નોંધાવી શક્યું હતું. ઈંગ્લેન્ડને જીતવા માટે ૧૨૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે ૩ વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શ્રેયસની ટી-૨૦માં ત્રીજી અડધી સદી

પંત અને શ્રેયસ દ્વારા ચોથી વિકેટ માટે ૨૮ રનની ભાગીદારી નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આવેલા ર્હાિદકે પાંચમી વિકેટ માટે શ્રેયસને સાથ આપ્યો હતો અને બંનેએ ૫૪ રનની ભાગીદારી નોંધાવીને ટીમનો સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડયો હતો. આ દરમિયાન શ્રેયસે પોતાની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેણે ૪૮ બોલમાં ૬૭ રન નોંધાવ્યા હતા. બીજી તરફ ર્હાિદકે ૨૧ બોલમાં ૧૯ રન નોંધાવ્યા હતા.

એન્ડરસન બાદ પંતની આર્ચરને રિવર્સ સ્વીપ

ભારતીય વિકેટ કીપર ઋષભ પંત ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેણે જોફ્રા આર્ચરની બોલિંગમાં રિવર્સ સ્વિપ મારી હતી. તેણે આર્ચરની ઓવરમાં રિવર્સ સ્વીપ મારીને કીપરની ઉપરથી ચોગ્ગો ફટકાર્યો હતો. આ શોટ રમવા સાથે તેણે ટેસ્ટમાં જેમ્સ એન્ડરસનને મારેલો ચોગ્ગો યાદ આવી ગયો હતો. સોશિયલ મીડિયા ઉપર લોકોએ ફરીથી પંતના વખાણ કર્યા હતા. ટેસ્ટમાં પણ પંતે આવી જ રીતે ઈંગ્લેન્ડના સૌથી અનુભવી અને ટોચના બોલર એન્ડરસનને પડકાર્યો હતો.

કોહલી ત્રીજી વખત ટી-૨૦માં શૂન્ય રને આઉટ

ભારતના ટોપ ઓર્ડરનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. લોકેશ રાહુલ ૧ રન જ્યારે શિખર ધવન ૪ રન કરી શક્યો હતો. ભારતીય સુકાની કોહલી ખાતું પણ ખોલી શક્યો નહોતો. આમ ટોચના ત્રણ ખેલાડીઓ માત્ર પાંચ રન કરી શક્યા હતા. કોહલી ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ત્રીજી વખત શૂન્ય રને આઉટ થયો હતો. આ પહેલાં તે ઓસ્ટ્રેલિયાની સામે ૨૦૧૭માં ગુવાહાટી ખાતે અને આયર્લેન્ડ સામે ૨૦૧૮માં ડબ્લિન ખાતે શૂન્ય રને આઉટ થયો હતો.

( Source – Sandesh )