મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ: ‘મને મારા વડનગરના ઘરે લઈ જજો, મમ્મી તું મને સરસ તૈયાર કરજે’

મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ: ‘મને મારા વડનગરના ઘરે લઈ જજો, મમ્મી તું મને સરસ તૈયાર કરજે’

ચાંદખેડાના હર્ષ પ્લેટિનામાં મંગળવારે બપોરે પોતાના ફ્લેટના બેડરૂમની બારીની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધીને મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની વિનોદ શ્રીમાળી (ઉં,૨૮) એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ફાલ્ગુનીને સારવાર માટે બે ખાનગી હોસ્પિટલ, સોલા સિવિલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઈ જતાં બુધવારે રાત્રે ડોક્ટરે તેણે મૃત જાહેર કરી હતી. ચાંદખેડા પોલીસે બે પાનાની હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ કબજે લઈ અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં પરિવારને હેરાન કરતી ચાર મહિલા સહિત દસ લોકોનો ઉલ્લેખ કરાયો છે.

કાળુપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષથી ફાલ્ગુની ફરજ બજાવતી હતી. ગત મંગળવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે નોકરીએથી પરત ફર્યા બાદ તે બેડરૂમમાં ગઈ હતી. નોકરીથી પરત ફરીને ફાલ્ગુનીનો સ્નાન કરવાનો નિત્યક્રમ હતો. બનાવના દિવસે પરિવાર તે સ્નાન કરવા ગયાનું સમજીને બેઠો હતો.

દરમિયાન બુમ પાડી પરંતુ કોઈ જવાબ ના મળતાં બેડરૂમનો દરવાજો તોડીને ઘરના સભ્યોએ અંદર જોયું તો ફાલ્ગુની ગળાફાંસો ખાઘેલી હાલતમાં બેઠી હતી. ફાલ્ગુનીના પિતા વિનોદભાઈ મહેસાણાની કો.ઓ.બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બે ભાઈ સરકારી નોકરી માટે તૈયારી કરે છે. પોલીસ સ્યુસાઈડ નોટ હેન્ડરાઈટિંગ એકસપર્ટને મોકલશે તેમજ પરિવારના નિવેદન બાદ આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

પડોશીઓની હેરાનગતિથી વડનગરનું પૈતૃક ઘર છોડયું

વડનગરના પૈતૃક ઘરની આગળ અને પાછળ આવેલા બે મકાનના પાડોશીઓ ફાલ્ગુનીના પરિવાર સાથે તકરાર કરતા હતા. જે ત્રાસને પગલે ફાલ્ગુનીના પિતા સહિતના લોકો ઘર છોડીને અમદાવાદ આવી ગયા હતા.

માતા-પિતાને પડોશીઓએ માર્યા ત્યારે ટ્રેનિંગમાં હતી

પોલીસને જાણવા મળ્યું કે, વડનગર ખાતેના ઘરે ફાલ્ગુનીના માતા-પિતાને પાડોશીઓએ માર માર્યા હતા. તે સમયે ફાલ્ગુની ટ્રેનિંગમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

‘મારા વ્હાલા મમ્મી પપ્પા દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છે, ક્યારેય દુઃખ આપતા નથી’

મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુનીને પરિવારથી અંત્યત લગાવ હતો. સ્યુસાઈડ નોટમાં તેણે પરિવાર પ્રત્યેની અપાર લાગણી દર્શાવી છે. પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યાનો ઉલ્લેખ કર્યા છે અને તેમને હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે.

તેમજ પોલીસકર્મી હોવા છતાં પોતે કઈ કરી ન શક્યાનો વસવસો વ્યક્ત કર્યો છે. ફાલ્ગુની માતા-પિતા અને પરિવારને થયેલા અન્યાયને લઈને અંદરથી કઈ હદે પિડા ભોગવતી હતી તેનો ચિતાર તેણે સ્યુસાઈડ નોટમાં આપ્યો છે. જે અક્ષરશઃ અહીં રજૂ કરીએ છીએ.

Dear, મમ્મી and dad, my big brother

મારા વ્હાલા મમ્મી પપ્પા તમે દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો. તમે મને કયારે કોઇ દુઃખ આપતા નથી. મારા ભાઇઓ તો મારો જીવ છે અને મને સમજાવી કયારેય દુઃખી કરી નથી. મારો ભાઇ એ તો મારો રોલ મોર્ડલ છે. જેણે મને બહુજ હિંમત આપી અને મને એટલી આગળ વધારી તેમજ મને દરેક બાબતે દુનિયા સામે લડતા શીખવ્યુ. મારા ભાઇ હિમાંશુ તારામાં તો બહુ સહન શકિત છે એની સામે મારી પાસે તો ઝીરો છે.

હું કંઇજ સહન કરી શકતી નથી. પપ્પા હું આજે જઇ રહી છું. બધાથી દૂર એક અલગ દુનિયામાં જયા કોઇજ નહીં હોય આ બધું. મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઇ જાય છે કેમકે એક મા જ એવી વ્યકિત છે જેને બાળક દરેક સમજાઇ જાય. મારી મમ્મી તો મારી બેસ્ટ ફેન્ડ બધું જ છે. જયાં જવું હોય ત્યાં સાથે હોઇએ આપણે મમ્મી.

આજે હું આ દુનિયામાંથી દૂર જઇ રહી છુ. આનું કારણ મારા ઘરના કોઇજ નથી કે ના કોઇ દુઃખ છે. મને મારા ઘરનાથી પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ ટીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઇ કરી ના શકી. એ લોકોને લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડયું અને અત્યારે ઘર માટે ફરવું પડે છે.

ઘરનું પણ કંઇ થતુ નથી છતાં ઘરે આપણે બીજે રહેવુ પડે છે. એ લોકોને એમના કરેલાની સજા આપી ના શકી, એનો બહુજ અફસોસ થાય છે. આજે હું એટલી હદે તુટી ગઇ છું. કે બસ હવે મારે જીવવુ નથી. મારા મા-બાપ માટે કંઇજ ના કરી શકુ તો આ જીવન શું કામનું અને હા મારા મોટા ભાઇઓ મને દાટતા નહીં મને બાળજો. મને દાટે એ નથી ગમતું.

મમ્મી તું મને જતા પહેલા એકદમ સરસ તૈયાર કરજે, ભાઇ મારી પસંદગીની વસ્તુ હું મરું પછી બાળકોને વહેંચજે અને મને વડનગરના ઘરે લઇ જજો. ત્યાં મને સુવડાવજો મારા ઘરે સુઈ ગયે બહુજ સમય થઇ ગયો. મમ્મી મારા માથે હાથ ફેરવજે જેથી મને બહુજ સારી ઉંધ આવે તથા માથે અડે એટલે મને બહુજ શાંતિ થાય છે.

પપ્પા હવે પહેલા જેવા ના રહેતા તમને બોલવા વાળી હું જાઉ છું. મમ્મીને હેરાન ના કરતા પાછા ઘરના બધાને સાચવજો. ભાઇ હિમાંશુ અને જયેશ મમ્મી પપ્પાને સાચવજો હવે દિકરી અને દિકરા બંને તરીકેની જવાબદારી તમારી છે આજથી. ભાઈઓ મારી ચિંતા ના કરતા. તમારા મેરેજમાં ગમે તે રૂપે આવી જઇશ. કેમકે મારા વગર નાચશે કોણ, બુમો કોણ પાડશે અને હા હવે બહુજ કહી દીધું કેમ પણ હું છું જ બોલકી ને તો શું કરુ તો હવે હું જાઉ છું. બધા હળી મળીને રહેજો. love you mumuy pappa nd i love you cm big brothers good by

આ માટે કોઇ જવાબદાર નથી. હું મારા મનથી જઇ રહી છુ.

લિ. આપણી લાડલી.