કોણ સાચું? : ડિલિવરી બોયે કહ્યું- મહિલાએ તેને ગાળો આપી, સ્લિપરનો પણ ઘા કર્યો; સેલ્ફ ડિફેન્સમાં તેની જ વીંટી તેને વાગી

કોણ સાચું? : ડિલિવરી બોયે કહ્યું- મહિલાએ તેને ગાળો આપી, સ્લિપરનો પણ ઘા કર્યો; સેલ્ફ ડિફેન્સમાં તેની જ વીંટી તેને વાગી

  • બેંગલુરુમાં હિતેશા ચંદ્રાની કે જેને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ઝોમેટોના ડિલિવરી બોય પર હુમલો કરવાનું જણાવ્યું હતું
  • બુધવારે મોડી સાંજે ઝોમેટોનો ડિલિવરી બોયની ધરપકડ કરાઈ હતી

બેંગાલુરુમાં હિતેશા ચંદ્રાની કે જેને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ઝોમેટોના ડિલિવરી બોય પર હુમલો કરવાનું જણાવ્યું હતું. જે બાદ બુધવારે મોડી સાંજે ઝોમેટોનો ડિલિવરી બોયની ધરપકડ કરાઈ હતી. આરોપીની ઓળખ કામરાજ તરીકે થઈ છે. આ ઘટના બાદ ઝોમેટો કંપનીએ કામરાજને સસ્પેન્ડ કરી દિધો છે.

પોલીસની પકડમાં રહેલા કામરાજને જ્યારે એક ન્યૂઝ પોર્ટલ TNM દ્વારા પોતાનું મંતવ્ય જણાવવાનું કહ્યું ત્યારે તેને હિતેશાના આરોપોને નકારી કાઢ્યા હતા. અને હિતેશાએ જ તેને પહેલાં અપશબ્દો કહ્યાં હતા તેમજ તેના પર સ્લીપરનો ઘા કર્યો હતો. સાથે જ કામરાજે કહ્યું કે મેં તેને પંચ માર્યો જ નથી પરંતુ તેનો હાથ જ તેના નાકને વાગી ગયો હતો. આ અંગે સિનિયર પોલીસે પણ કહ્યું છે કે આરોપીના મત મુજબ આત્મરક્ષણ સમયે હિતેશાને વાગ્યું હોય શકે છે. ત્યારે આ ઘટનામાં સાચું કોણ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી કામરાજે પોતાનો બચાવ કર્યો
આરોપી કામરાજે ન્યૂઝ પોર્ટલને આપેલી માહિતી મુજબ જણાવ્યું કે, ‘જ્યારે હું તેના એપાર્ટમેન્ટના દરવાજે પહોંચ્યો તે બાદ મેં તેના ઓર્ડર મુજબ ફુડ આપ્યું. જે બાદ હું આશા રાખતો હતો કે તે પૈસા આપે અને મને છૂટો કરે. (હિતેશાએ ડિલિવરી સમયે પેમેન્ટ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો)’

કામરાજે વધુમાં કહ્યું કે, ‘હું ટ્રાફિક અને ખરાબ રસ્તાને કારણે મોડો પડ્યો હતો તેથી મેં મેડમની માફી પણ માગી હતી. પરંતુ તેને મારી સાથે ઘણો જ ખરાબ વ્યવહાર કર્યો તે મારા પર બૂમો પાડી અને પૂછ્યું કેમ મોડો આવ્યો? ત્યારે મેં જવાબમાં તેમની માફી માગી અને કહ્યું કે રસ્તા પર કામ ચાલી રહ્યું હોવાથી કેટલાંક રસ્તાઓ બ્લોક છે તેમજ ટ્રાફિક પણ હેવી હતો. પરંતુ તેને મારી કોઈ વાત સાંભળી નહીં અને કહ્યું કે ઓર્ડર પછી 45-50 મિનિટમાં ઓર્ડર ડિલિવર થઈ જવો જોઈએ. હું આ કામ છેલ્લાં બે વર્ષથી કરી રહ્યો છું અને મારી સાથે આવું પહેલી વખત થયું છે.’

કામરાજનો આક્ષેપ ફૂડ લીધું પણ પૈસા ચૂકવવામાં ના પાડી દીધી
કામરાજે વધુમાં કહ્યું કે, ‘કસ્ટમર હિતેશાએ મારી પાસેથી ફૂડ લઈ લીધું અને પૈસા આપવાનો ઈનકાર કરી દિધો. મેડમે કહ્યું કે તે ઝોમેટો ચેટ સપોર્ટ સાથે વાત કરી રહી છે. મારા ઓર્ડરના પૈસા ગુમાવવા પડશે તેવા ડરે મેં ફરી મેડમને પૈસા ચૂકવવાની વિનંતી કરી, ત્યારે તેમને મને સ્લેવ કર્યો અને ફરી મારા પર બૂમો પાડવા લાગી કે તું અહીં શું કરી રહ્યો છે? આ સમયે જ ઝોમેટો સપોર્ટ દ્વારા મને જાણ થઈ કે તેમને ઓર્ડર કેન્સલ કરી નાખ્યો છે તેથી મેં તેમને ફૂડ પાછું આપવાનું કહ્યું પણ તેમને મને કોઈ જ સહકાર ન આપ્યો.’

‘હિતેશાની જ વીંટી તેને નાક પર વાગી’
કામરાજે કહ્યું કે, ‘મેડમની વર્તણૂંક બાદ મેં નક્કી કર્યું કે હું ફુડ લીધા વગર જ પાછો જતો રહીશ અને હું લીફ્ટ તરફ આગળ વધ્યો. ત્યારે તેણીએ હિન્દીમાં મને અપશબ્દો કહેવા લાગી. અચાનક જ તેને મારા પર સ્લીપરનો ઘા કર્યો અને મને મારવા લાગી. ત્યારે મેં મારા બચાવ માટે મેં મારા હાથનો ઉપયોગ કર્યો.

આ સમયે જ તે જ્યારે મારા હાથને ધક્કો મારી રહી હતી ત્યારે એક્સિડન્ટલી તેના નાક પર તેની વીંટી વાગી ગઈ અને લોહી નીકળવા લાગ્યું. કોઈ પણ જો તેનો ફેસ જુએ તો સમજી જાય કે આ કોઈ પંચ મારવાને કારણે નથી થયું. અને હું કોઈ વીંટી પણ નથી પહેરતો. હિતેશા તેના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં વીંટી પહેરેલી જોવા મળે છે.’

‘કોઈ CCTV ન હતા કે જે મને નિર્દોષ સાબિત કરે’
કામરાજે ન્યૂઝ પોર્ટ TNMને જણાવ્યું કે તેને જ્યારે મને લીફ્ટ ઉપયોગ કરવા ન દીધો ત્યારે હું ત્રીજા માળેથી દાદરા ઉતરીને ગયો. કામરાજે વધુમાં કહ્યું કે, ‘આ પછી દિલ્હી સ્થિત ઝોમેટો સપોર્ટ સિસ્ટમના એક પર્સને પણ મને સપોર્ટ આપ્યો અને મારી વાત તેમજ જે સમયમાંથી હું પસાર થઈ રહ્યો છું તે અંગે વિગતવાર વાત કરી તો તેને મને સહાનુભૂતિ આપી. મારી વાત સાચી પુરવાર કરવા માટે એક જ મુશ્કેલી છે કે ત્યાં કોઈ CCTV ન હતા કે જે મને નિર્દોષ સાબિત કરે.’

બુધવારે કામરાજની ધરપકડ થઈ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ બુધવારે લગભગ સાંજે 6-30 વાગ્યે કામરાજને ઈલેક્ટ્રોનિક સિટી ફેઝ-1 પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો જ્યાં તેની લગભગ બે કલાક સુધી પૂછપરછ ચાલી. કામરાજે કહ્યું કે, પોલીસે મારી સાથે કોઈ જ ખરાબ વ્યવહાર કર્યો ન હતો પરંતુ હવે મારે મારી ધરપકડ રોકવા માટે 25,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

ઈલેક્ટ્રોનિક સિટી ફેઝ-1 પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ‘અમે હિતેશા ચંદ્રાનીની ફરિયાદના આધારે ઝોમેટોના ડિલિવરી બોય કામરાજને કસ્ટડીમાં લીધો છે. કામરાજે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તે જ્યારે ફુડ લઈને પહોંચ્યો ત્યારે તેને વળતરની માગ કરી પરંતુ કામરાજ જણાવ્યું કે તે આપવામાં અસમર્થ છે. જે બાદ કામરાજ પર વર્બલ એટેક કરવામાં આવ્યો. કામરાજના આક્ષેપ મુજબ તેણીએ તેના પર સ્લીપરનો ઘા કર્યો હતો અને સેલ્ફ ડિફેન્સમાં હિતેશાને વાગી ગયું હતું. આ કામરાજે સ્ટેટમેન્ટમાં આપેલું વર્ઝન છે.’

બુધવારે મહિલાએ સોશિયલ મીડિયા થકી પોતાની આપવીતી જણાવી હતી
બુધવારે પીડિત મહિલાએ વીડિયા બનાવીને આ ઘટના વિશે બધાને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છે. મહિલાએ વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. મહિલાએ જણાવ્યું હતું કે તેણે ઝોમેટો દ્વારા ખાવાનું ઓર્ડર કર્યું હતું. ઓર્ડર લેટ થવાને કારણે તેણે કંપનીના કસ્ટમર કેર પર ફોન કર્યો હતો અને ખાવાનું સમયસર ના પહોંચવાને કારણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. તે જે સમયે કસ્ટમર કેરમાં વાત કરતી હતી એ સમયે જ ડિલિવરી બોય તેના ઘરે પહોંચ્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે તેણે અડધો દરવાજો ખોલીને જ ડિલિવરી બોયને ઓર્ડર લેવાનો ઈનકાર કરી દીધો હતો, એને કારણે ડિલિવરી બોય ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો અને પછી તેણે ઘરની અંદર ઘૂસીને ખાવાનું મૂકી દીધું હતું. મહિલાએ જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે તેના પર ગુસ્સો કર્યો અને કહ્યું કે શું તે તેનો નોકર છે, આવું કહીને ડિલિવરી બોયે મહિલાના મોઢા પર એક મુક્કો મારી દીધો હતો. જેનાથી મહિલાને નાક પર ફ્રેકચર પણ આવ્યું છે.

ઝોમેટોએ માફી માંગી હતી
આ સમગ્ર ઘટના અંગે ઝોમેટોએ મહિલાની વધુ એક વખત માફી માગી હતી અને જણાવ્યું હતું કે આ ઘટના યોગ્ય નથી. અમારા સ્થાનિક પ્રતિનિધિ તમારા સંપર્કમાં રહેશે અને પોલીસ તપાસમાં જરૂરી મદદ માટે સહાય કરશે.

આ પહેલાં પણ ઝોમેટોએ મહિલાની માફી માગી હતી. કંપનીએ કહ્યું હતું કે આ ઘટના માટે અમે માફી માગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ કે મેડિકલમાં જે પણ સહયોગની જરૂર હશે એ કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આરોપીની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

( Source – Divyabhaskar )