વિવાદ  : અમારી ઝૂંપડપટ્ટી ના જોવી હોય તો પડદા લગાવવાની જગ્યાએ પાકા મકાન આપી દો: ઝૂંપડપટ્ટીના રહીશો

વિવાદ : અમારી ઝૂંપડપટ્ટી ના જોવી હોય તો પડદા લગાવવાની જગ્યાએ પાકા મકાન આપી દો: ઝૂંપડપટ્ટીના રહીશો

પીએમના કાર્યક્રમને લઇને પરીક્ષિતનગર અને ચંદ્રભાગાના ખાડામાં ઝૂંપડપટ્ટીમાં પડદા લાગતાં વિવાદ

ડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે અમદાવાદ આવી રહ્યા છે. જ્યાં ગાંધી આશ્રમ ખાતેના દાંડી યાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેને લઇને તૈયારીઓ પૂર્ણ થઈ છે. ત્યારે દાંડી બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટી આગળ સફેદ કલરના પડદા લગાવી દેવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, અમારી ઝૂંપડપટ્ટી ના ગમતી હોય તો પડદા લગાવવાની જગ્યાએ પાકા મકાન આપી દો.

40 વર્ષથી અહીં રહીએ છીએ: સ્થાનિક
વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ, અભય ઘાટ અને બાદમાં દાંડી બ્રીજની મુલાકાત લેવાના છે, વાડજ પાસે આવેલા દાંડી બ્રિજથી દાંડી યાત્રાનું વડાપ્રધાનને પ્રસ્થાન કરાવશે. જેથી દાંડી બ્રીજની સામે આવેલા પરીક્ષિતનગર અને ચંદ્રભાગાના ખાડામાં ઝૂંપડપટ્ટી આવેલી છે. જેને ઢાંકવા માટે સફેદ કલરના પડદા લગાવવામાં આવ્યા છે. પડદા લગાવતા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમને કહ્યું હતું કે, અમે અહીંયા 40 વર્ષથી રહીએ છીએ,પ્રધાનમંત્રી આવવાના છે અને એમને ઝૂંપડપટ્ટી ના જોવી કે ના ગમતી હોય તો અમને પાકા મકાન બંધાવી આપે.

ઝૂંપડપટ્ટીને સુરક્ષાના કારણોસર પડદા લગાવાયા

સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર જ્યારે પણ વડાપ્રધાનનો કાર્યક્રમ હોય અને તેઓ અહીંથી પસાર થાય ત્યારે પણ આ રીતે જ ઝૂંપડપટ્ટી ઢાંકી દેવામાં આવે છે. જ્યારે પ્રશાસન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના કારણોસર પડદા લગાવવામાં આવ્યા છે.

( Source – Divyabhaskar )