યુએસમાં ગેરકાયદે ભારતીય વસાહતીઓની ખરીદ ક્ષમતા ૧૫.૫ અબજ ડોલર : અહેવાલ

યુએસમાં ગેરકાયદે ભારતીય વસાહતીઓની ખરીદ ક્ષમતા ૧૫.૫ અબજ ડોલર : અહેવાલ

અમેરિકામાં પાંચ લાખથી વધુ ગેરકાયદે વસાહતીઓ

ગેરકાયદે વસાહતીઓમાં ભારત ત્રીજા ક્રમે જ્યારે અમેરિકન અર્થતંત્રમાં યોગદાનમાં ૨.૮ અબજ ડોલર સાથે બીજા ક્રમે

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૯

અમેરિકામાં કોઈપણ દસ્તાવેજો વિના એટલે કે ગેરકાયદે રહેતા ભારતીય વસાહતીઓની સંખ્યા પાંચ લાખથી વધુ છે અને તેમની સામુહિક ખરીદ ક્ષમતા ૧૫.૫ અબજ ડોલર જેટલી છે અને તેઓ કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક આવકમાં ૨.૮ અબજ યુએસ ડોલરનું યોગદાન આપે છે. આ ભારતીય વસાહતીઓ અમેરિતન અર્થતંત્રમાં યોગદાનમાં ત્રીજા ક્રમે છે તેમ અમેરિકન થિંક-ટેંકના એક અહેવાલમાં જણાવાયું છે.

ન્યૂ અમેરિકન ઈકોનોમિક થિંક-ટેંકે તેના તાજા અહેવાલમાં ૨૦૧૯ના અમેરિકન કોમ્યુનિટી સરવે ડેટાનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય વસાહતીઓ અમેરિકન અર્થતંત્રમાં યોગદાન આપવામાં ત્રીજા ક્રમની કોમ્યુનિટી છે. આ સિવાય અમેરિકામાં સૌથી વધુ ગેરકાયદે વસાહતીઓ મેક્સિકોના છે. તેમની સંખ્યા ૪૨ લાખથી વધુ છે. અમેરિકામાં દસ્તાવેજો વિના રહેતા ઈમિગ્રન્ટ્સમાં મેક્સિકોનો હિસ્સો ૪૦.૮ ટકા જેટલો છે. અમેરિકામાં વિવિધ દેશોના ગેરકાયદે કુલ વસાહતીઓની સંખ્યા ૧.૦૩ કરોડ છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૯માં એકલા આ ગેરકાયદે વસાહતીઓના પરિવારોની આવક ૯૨ અબજ ડોલર હતી. તેમણે કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક કરોમાં ૯.૮ અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું. મેક્સિકોના ગેરકાયદે વસાહતીઓની ખરીદ ક્ષમતા ૮૨.૨ અબજ ડોલર છે. અહેવાલ મુજબ ગેરકાયદે વસાહતીઓના નાણાં મકાન, કન્ઝ્યુમર ગૂડ્સ અને સેવાઓ પર ખરીદી મારફત સ્થાનિક અર્થતંત્રમાં પાછા આવે છે.

મેક્સિકો પછી ગેરકાયદે વસાહતીઓમાં બીજો ક્રમ અલ સાલ્વાડોરના નિવાસીઓનો છે. અલ સાલ્વાડોરના ગેરકાયદે વસાહતીઓની સંખ્યા ૬.૨૧ લાખ છે. ભારતના ગેરકાયદે વસાહતીઓની સંખ્યા ૫,૮૭,૦૦૦ એટલે કે ૫.૭ ટકા છે. ભારત પછી ગ્વાટેમાલા (૫.૪ ટકા) અને હોન્ડુરાસ (૪,૧૬,૦૦૦ એટલે કે ૪.૦ ટકા)ના ઈમિગ્રન્ટ્સનો નંબર આવે છે.

અમેરિકામાં ગેરકાયદે ભારતીય વસાહતીઓની સંખ્યા અલ સાલ્વાડોર કરતાં ઓછી હોવા છતાં ખરીદ ક્ષમતાની દૃષ્ટિએ તે બીજા ક્રમે છે. ગેરકાયદે ભારતીયોની ખરીદ ક્ષમતા ૧૫.૫ અબજ ડોલર છે જ્યારે અલ સાલ્વાડોરના ગેરકાયદે વસાહતીઓની ખરીદ ક્ષમતા ૧૧.૫ અબજ ડોલર છે. ગ્વાટેમાલાના ગેરકાયદે વસાહતીઓની ખરીદ ક્ષમતા ૯.૧ અબજ ડોલર અને હોન્ડુરાસના ગેરકાયદે વસાહતીઓની ખરીદ ક્ષમતા ૬.૪ અબજ ડોલર છે. અમેરિકાના કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક કર આવકમાં ગેરકાયદે ભારતીય વસાહતીઓનું યોગદાન ૨.૮ અબજ યુએસ ડોલર છે જ્યારે અલ સાલ્વાડોરનું ૧.૪ યુએસ અબજ ડોલર, ગ્વાટેમાલાનું ૧.૧ અબજ યુએસ ડોલર અને હોન્ડુરાસનું ૦.૭૭ અબજ યુએસ ડોલર છે તેમ અહેવાલમાં જણાવાયું છે.

( Source – Gujarat Samachar )