ભારત-ઈંગ્લેન્ડ T-20 : 1 લાખ 32 હજારની કેપિસિટીનું ‘મોદી સ્ટેડિયમ’ પૂરેપૂરું ભરવા નિર્ણય: ભીડનો વિક્રમ સર્જવામાં કોરોના બેકાબૂ થાય તો કોણ જવાબદાર?

ભારત-ઈંગ્લેન્ડ T-20 : 1 લાખ 32 હજારની કેપિસિટીનું ‘મોદી સ્ટેડિયમ’ પૂરેપૂરું ભરવા નિર્ણય: ભીડનો વિક્રમ સર્જવામાં કોરોના બેકાબૂ થાય તો કોણ જવાબદાર?

  • બે દિવસમાં 48 હજાર ટિકિટો વેચાઈ
  • બીજી તરફ રેસ્ટોરાં આખી ભરશો તો પગલાં લેવાની મ્યુનિસિપલ કમિશનરની ચીમકી

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાનારી પહેલી ટી-20 મેચ માટે મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.32 લાખની પૂરેપૂરી કેપેસિટીથી ભરવાનો નિર્ણય લેવાયો છે. ભીડનો વિક્રમ સર્જવા માટે કરાયેલા આ નિર્ણયથી કોરોના બેકાબૂ બનશે તો કોને જવાબદાર ઠેરવવા? બે દિવસમાં જ 48 હજાર ટિકિટનું બુકિંગ થઈ ગયું છે. હાલ રૂ.500ની ટિકિટ મળતી નથી. માત્ર રૂ.2 હજાર અને 2500ની ટિકિટ જ ઉપલબ્ધ છે. બુકમાય શોએ ઓનલાઈન રૂ.500 અને રૂ.1 હજારની ટિકિટના સ્લોટ બ્લોક કરી દીધા છે. આથી લોકો રૂ.500ની ટિકિટ સ્ટેડિયમ પરથી મળશે તેમ માની મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પરંતુ અહીં આવ્યા પછી લોકોને ખબર પડી હતી કે, રૂ.500 અને 1 હજારની ટિકિટો ઓફલાઈન અપાતી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ 24 ફેબ્રુઆરી 2020માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું.

રેસ્ટોરાં આખી ભરશો તો પગલાં લઈશું મ્યુનિસિપલ કમિશનર
શહેરની હોટેલો અને રેસ્ટોરાંમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી મ્યુનિ.એ સોમવારે રાત્રે 8 વાગ્યે હોટેલ-રેસ્ટોરાં, ખાણીપીણી બજારો બંધ કરાવી દીધા હતા. એ પછી મંગળવારે હોટેલ અને રેસ્ટોરાંના માલિકોએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, હોટેલ-રેસ્ટોરાં અને ખાણીપીણી બજાર ચાલુ રાખી શકાશે. પરંતુ ક્ષમતાના 50 ટકાથી વધુ ગ્રાહકો હશે તો પગલાં લેવામાં આવશે.

સોમવારે મળેલી બેઠકમાં કોરોનાના વધતા જતા કેસ અંગે ચર્ચા પછી હોટેલો, રેસ્ટોરાં તેમજ ખાણીપીણી બજાર સામે પગલાં લેવામાં આવ્યા હતા. લગભગ 11 મહિના પછી ફરી ચાલુ થયેલા હોટેલ, રેસ્ટોરાં અને ખાણીપીણી બજારોએ ધંધો ગુમાવવાના ભયે આખરે મંગળવારે કમિશનરને રજૂઆત કરી હતી.

દરમિયાન મંગળવારે પણ મ્યુનિ. ટીમોએ લૉ ગાર્ડનની હેપી સ્ટ્રીટ, નારણપુરા, એસજી હાઈવે, જોધપુર સહિતના વિસ્તારોની હોટેલ, રેસ્ટોરાંમાં ફરી તપાસ કરી હતી. મ્યુનિ.એ માલિકોને કેપેસિટીના 50 ટકા ભરવા, સેનિટાઈઝર રાખવું, માસ્ક મૂકવા માટે ગ્રાહકને કવર આપવું અને ગ્રાહક જાય પછી કવરનો નિકાલ કરવા ડસ્ટબિન રાખવું, વેઈટિંગમાં લાંબી લાઈન થવા ન દેવી કે કાઉન્ટર પર ભીડ એકત્ર નહીં થવા દેવી જેવી સૂચનાઓ આપી હતી.

દરમિયાન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, એકમો ખોલવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ દરેકે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

360 ડીગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

મોટેરાની બેઠક ક્ષમતા મેલબર્ન કરતાં 20% વધારે
મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને હરાવ્યું છે.

( Source – Divyabhaskar )