‘માં’ બની વગડાની વા : દીકરાએ લાખોનો બંગલો લીધો,પણ 80 વર્ષની મા માટે જગ્યા નથી

‘માં’ બની વગડાની વા : દીકરાએ લાખોનો બંગલો લીધો,પણ 80 વર્ષની મા માટે જગ્યા નથી

  • મહેસાણા વૃદ્ધાશ્રમમાં આશરો લઇ રહેલા બાને વહુએ કહ્યું-હું તમારી સેવા નહીં કરું,જ્યારે પુત્રએ કહ્યું, મા મને માફ કરજે
  • બા કહે છે કે, પરિવારના જાકારા બાદ હવે આંખો ખોલીશ તો વૃદ્ધાશ્રમમાં અને બંધ કરીશ તોય વૃદ્ધાશ્રમમાં

મોટા દીકરાએ લાખોનો બંગલો લીધો, પરંતુ મારા નસીબમાં તેમાં એક રૂમ પણ નથી. વહુએ જ્યારે હું તમારી સેવા તો શું તમને ઘરમાં રાખીશ પણ નહીં તેવું કહ્યું ત્યારે પુત્ર ચૂપ રહ્યો અને આજે તેની ચૂપકિદી મને વૃદ્ધાશ્રમ સુધી ખેંચી લાવી છે…. આ શબ્દો છે મહેસાણાના નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં રહેતાં 80 વર્ષનાં બાનાં. શરીરે અશક્ત અને વોકર લઇને ચાલતાં મૂળ પ્રાંતિજનાં આ બા પુત્રના નામ માત્રથી પહેલાં તો હરખાઇ ઊઠ્યાં, પરંતુ આંખોમાં ધસી આવેલાં આંસુને રોકતાં બોલ્યા, છોરુ કછોરું થાય પણ માવતર કમાવતર ન થઇ શકે.

તેમણે કહ્યું, 20 વર્ષ પહેલાં અકસ્માતમાં નાના પુત્રને ગુમાવ્યો અને તે બાદ પતિ. ત્યાર બાદ ભાડાના મકાનમાં એકલવાયું જીવન કાઢી નાખ્યું. પરંતુ વૃદ્ધાવસ્થામાં પુત્રએ હાથ ન ઝાલ્યો. સંસ્કાર આપવામાં મારી કોઇ ખામી રહી ગઇ હશે. આજે છોકરાના છોકરા કેનેડા સ્થાયી થયા છે. છોકરાએ લાખોનો મોટો બંગલો લીધો પરંતુ મા માટે ક્યાંય જગ્યા નથી. વહુએ સાથે રાખવાનો ઇન્કાર કરતાં પુત્રએ કહ્યું કે, બા તમે શાંતિથી રહો અને અમને રહેવા દો. બસ ત્યારથી વૃદ્ધાશ્રમ ઘર અને સાથી બહેનો પરિવાર બની ગયો છે અને હવે નિર્ણય લીધો છે કે, આંખો ખોલીશ તો વૃદ્ધાશ્રમમાં અને બંધ કરીશ તો પણ વૃદ્ધાશ્રમમાં જ. આ શબ્દો ઉચ્ચારતાં પણ બા વિહવળ બની ગયાં હતાં.